Dharmlok

આજની કથા : એ ક્ષણ જ્યારે દેહ કરતાં દાન મોટું થઈ ગયું

By GS Team
1 Jul 20264 mins read
આજની કથા : એ ક્ષણ જ્યારે દેહ કરતાં દાન મોટું થઈ ગયું

કુરુક્ષેત્રના યુદ્ધ પછી, જ્યારે પૃથ્વી લોહીથી સિંચાયેલી હતી અને યુધિષ્ઠિરના મનમાં ધર્મને લઈને અનેક શંકાઓ ઊઠી રહી હતી, ત્યારે બાણશય્યા પર સૂતેલા ભીષ્મે તેમને દાનનું મહત્વ સમજાવવા માટે રાજા રંતિદેવની વાર્તા સંભળાવી હતી.
રંતિદેવ ઈક્ષ્વાકુ વંશના એક મહાદાની રાજા હતા. તેમના રાજ્યમાંથી કોઈ પણ યાચક ક્યારેય નિરાશ થઈને પાછો ફરતો નહોતો. એકવાર રાજ્યમાં ભયંકર દુષ્કાળ પડયો અને રાજકોષ સંપૂર્ણપણે ખાલી થઈ ગયો. રંતિદેવ પોતે પોતાના પરિવાર સાથે ૪૮ દિવસ સુધી નિરાહાર રહ્યાં. તેમના શરીરમાં માત્ર પ્રાણવાયુ જ બાકી બચ્યો હતો. ઓગણપચાસમાં (૪૯માં) દિવસે, જ્યારે પરિવાર માટે થોડા અન્ન અને જળની વ્યવસ્થા થઈ અને તેઓ ભોજન કરવા બેઠા, ત્યારે જ એક બ્રાહ્મણ દ્વાર પર આવ્યો. રંતિદેવે એક પણ ક્ષણના સંકોચ વિના તેને પોતાનું અન્ન આપી દીધું.
બ્રાહ્મણના ગયા પછી તરત જ એક ગરીબ શ્રમિક આવ્યો, તેને પણ અન્ન આપી દીધું. ત્યારપછી એક દીન (અસહાય) સ્ત્રી આવી, જેની સાથે તેના બાળકો હતા, તેમને પણ ભોજન આપી દીધું. અંતમાં એક તરસ્યો વટેમાર્ગું (પથિક) આવ્યો. રંતિદેવ પાસે માત્ર એક પાત્ર જ બાકી બચ્યું હતું, એ જ જળ જે તેમના પ્રાણ બચાવી શકતું હતું. તેમણે તે પણ આપી દીધું અને બોલ્યા :
'મને ન તો રાજ્ય જોઈએ છે, ન સ્વર્ગ, ન મોક્ષ; મને માત્ર એટલું જ જોઈએ છે કે તમામ જીવોના કષ્ટ મારા પર આવી જાય અને તેઓ સુખી થાય.'
આ નિ:સ્વાર્થ ભાવથી દેવતાઓ પ્રસન્ન થઈ ગયા અને રાજા રંતિદેવને અક્ષય કીર્તિ તથ મોક્ષની પ્રાપ્તિ ગઈ.
ઉપનિષદો કહે છે, 'અભયં સર્વભૂતેભ્ય: એટલે કે તમામ જીવોને અભય આપવું એ સર્વોચ્ચ દાન છે. રંતિદેવ આ જ અભયના દાતા છે. તેઓ બીજાને જળ આપીને તેમના જીવનનો ભય હરી લે છે અને પોતે મૃત્યુના ભયમાંથી મુક્ત થઈ જાય છે. આ એક વિલક્ષણ મનોવૈજ્ઞાનિક સત્ય છે. દાન આપનાર વાસ્તવમાં પોતાના ભયનું દાન કરે છે.
જ્યારે દાન, ધર્મનો પર્યાય
બની જાય છે
મહાભારતના અનુશાસન પર્વમાં ભીષ્મે યુધિષ્ઠરને કહ્યું હતું, 'ન દાનાત્ પરમો ધર્મ:,' અર્થાત્ દાનથી મોટો કોઈ ધર્મ નથી. આ માત્ર એક નૈતિક ઉપદેશ નથી, પરંતુ આ એ સત્યની ઘોષણા છે જે રંતિદેવની કથામાં જીવંત થાય છે. દાન અહીં માત્ર કોઈ વસ્તુની આપ-લે નથી, પરંતુ તે અહંકારના વિસર્જનની પ્રક્રિયા છે. રંતિ જ્યારે પોતાનું અંતિમ જળ-પાત્ર એ તરસ્યા પથિકને આપે છે ત્યારે તેઓ માત્ર જળ નથી આપતા, તેઓ પોતાના જીવનનો અધિકાર પણ સોંપી દે છે. અને આ જ ક્ષણ તેમના ધર્મની પરાકાષ્ઠા છે.
દાન વિરુદ્ધ ત્યાગ, એક સૂક્ષ્મ ભેદ
રંતિદેવની કથાનું સૌથી ઊંડું દાર્શનિક પાસું એ છે કે તેમનું દાન કોઈ પણ અપેક્ષા વગરનું છે. તેઓ સ્વર્ગ નથી માંગતા, મોક્ષની કામના નથી કરતા, યશની લાલસા નથી રાખતા. ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે. : 'કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન'
અર્થાત્ કર્મ કરવા પર જ તારો અધિકાર છે, તેના ફળ પર ક્યારેય નહીં. રંતિદેવ આ સૂત્રના જીવંત પ્રમાણ છે. સામાન્ય મનુષ્ય દાન કરે છે અને પરિણામની પ્રતીક્ષા કરે છે - પુણ્યની, કીર્તિની અથવા ઓછામાં ઓછી કૃતજ્ઞાતાની. રંતિદેવનું દાન આ બધાથી પર છે. આ એ અવસ્થા છે જેને વેદાંતમાં 'નિષ્કામ કર્મ' કહેવામાં આવે છે.
દાન એક રાજકીય કાર્ય પણ છે
રંતિદેવ એક રાજા છે. તેમનું દાન માત્ર વ્યક્તિગત ધર્મ નથી, આ એક રાજ્યના ધર્મની પણ પરીક્ષા છે. અનુશાસન પર્વમાં ભીષ્મે વારંવાર કહ્યું છે કે રાજાનો પ્રથમ ધર્મ પ્રજાનું પાલન કરવાનો છે. જ્યારે રંતિદેવ પોતાની ભૂખને બાજુ પર મૂકીને યાચકને અન્ન આપે છે, ત્યારે તેઓ એ સંદેશ આપે છે કે સત્તાનો અર્થ સંગ્રહ કરવો નથી, પણ વિતરણ કરવું છે. આજના સંદર્ભમાં આ પ્રશ્ન વધુ તીવ્ર બને છે કે શું આપણી વ્યવસ્થાઓ રંતિદેવના ધર્મને માને છે, કે તેનાથી વિપરીત ચાલે છે ?
ભયમાંથી મુક્તિનું નામ દાન છે
રંતિદેવ મૃત્યુની નજીક છે અને એ જ ક્ષણે તેઓ દાન કરે છે. આ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ અસાધારણ છે. સામાન્ય રીતે મનુષ્ય જ્યારે સંકટમાં હોય છે ત્યારે વસ્તુઓનો સંગ્રહ કરે છે, ભય તેને સંકુચિત કરે છે. પરંતુ રંતિદેવનું મન આ ભયથી મુક્ત છે. ઉપનિષદો કહે છે, 'અભયં સર્વભૂતેભ્ય: ા' તમામ જીવોને અભય આપવુંએ સર્વોચ્ચ દાન છે. રંતિદેવ આ જ અભયના દાતા છે. તેઓ બીજાને જળ આપીને તેમના જીવનનો ભય હરી લે છે અને પોતે મૃત્યુના ભયમાંગી મુક્ત થઈ જાય છે. આ એક વિલક્ષણ મનોવૈજ્ઞાનિક સત્ય છે. દાન આપનાર વાસ્તવમાં પોતાના ભયનું દાન કરે છે.
આજનો રંતિદેવ, શું આપણે તેને ઓળખીએ છીએ ?
આજના સમયમાં રંતિદેવની વાર્તા એક પ્રશ્ન બનીને સામે ઉભી રહે છે. આપણે એવા યુગમાં છીએ જ્યાં દાનનો અર્થ મોટાભાગે ટેક્સ બેનિફિટ સામાજિક છબી અથવા રાજકીય પ્રતિષ્ઠા સુધી સીમિત થઈ ગયો છે. અનુશાસન પર્વનો સંદેશ એ છે કે સાચું દાન એ છે જે આપનારને ખાલી નહીં, પણ પુર્ણ કરે.
શું આપણે આપણા જીવનમાં એક ક્ષણ માટે પણ એવો અનુભવ કરી શકીએ છીએ જ્યારે 'આપવું' એ 'મેળવવા' કરતાં વધુ મોટું અને આનંદદાયક લાગે ?