Dharmlok

આ નવરાત્રિએ મા જગદંબાની આરતી વિષે આટલું જરૂર જાણીએ

By GS Team
30 Sep 20263 mins read
આ નવરાત્રિએ મા જગદંબાની આરતી વિષે આટલું જરૂર જાણીએ
  • 'મા'ની આરતી કુલ ૩૬ પંક્તિ-લીટીઓની છે. દર બે લીટીના અંતે ૧૮ વખત જય હો જય હો મા જગદંબે બોલાય છે. દરેક લીટીના તૂક બે વખત બોલાય છે જે સંખ્યા ૩૬ થતાં કુલ ૯૦ પંક્તિ બોલાય છે

'આરતી' શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ આરત્રિક અને પ્રાકૃત શબ્દ આરત્તિય પરથી ગુજરાતી ભાષામાં પ્રચલિત બનેલ છે. આપણા ઇષ્ટ દેવી, દેવતા, ભગવાન, આરાધ્યની મૂર્તિ સમક્ષ નિયત પાત્રમાં દીપ પ્રાગટય કરી શાસ્ત્રોક્ત પદ્ધતિથી ગીત-સ્તુતિ-પ્રશસ્તિ ગાન વર્તુળાકાર દીપભ્રમણ શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવથી સ્વર-તાલ-સંગીતસહ કરવાને આરતી કહે છે.
આદૌ ચતુ : પાદતલૈક દેશે, દ્યૌ નાભિદેશે સકૃદાસ્ય મંડલે,
સર્વાંગદેશેષુ ચ સપ્તવારં, દેવાતિકં ભક્તજન: પ્રકૃયાત.
અર્થાત્ નાભિકમલની બે વખત, મુખની એક વખત, ત્યારબાદ મૂર્તિની સર્વાંગ સાત વખત એમ કુલ ચૌદ વાર આરતી ઉતારવાનું વિધાન છે.
આરતીના અનેક પ્રકાર, વિશેષતાઓ છે. નડીઆદ સંતરામ મંદિરમાં આખા વર્ષમાં માત્ર ૧(એક) જ વખત મહાસુદ પુનમે જ આરતી થાય છે. ગોંડલ ભુવનેશ્વરી માતાજીની આરતી ટાણે છત્ર-ઝુમ્મર આપો-આપ ઝુલવા માંડે છે અને સતાધાર આપાગીગાના સ્થાનકે સૌથી વધુ વજનદાર-પ્રજ્જવલિત આરતીની બોલબાલા છે.
વિક્રમ સંવત : ૧૬૫૭માં સુરતના વડનગરા બ્રાહ્મણ શ્રી.શિવાનંદ સ્વામીએ નવરાત્રિમાં ગવાતી મા જગદંબાની જે આરતીની રચના કરી જે ૪૨૫ (ચારસો પચીસ) વર્ષથી સમગ્ર વિશ્વમાં એક જ રાગમાં ગવાય છે. તેની પણ ઘણી ઘણી વિશેષતાઓ છે, જેની વિગતો ધર્મલોકના લાખો વાચકો સમક્ષ પ્રસ્તુત કરવાનો ઉપક્રમ છે જે ગમશે.
માની આરતી કુલ ૩૬ પંક્તિ-લીટીઓની છે. દર બે લીટીના અંતે ૧૮ વખત જય હો જય હો મા જગદંબે બોલાય છે. દરેક લીટીના તૂક બે વખત બોલાય છે જે સંખ્યા ૩૬ થતાં કુલ ૯૦ પંક્તિ બોલાય છે. સુમધુર સંગીત સાથે આરતી ધીમે ગવાય તો ૧૮ મિનિટ અને ઝડપથી ગવાય તો ૯ મિનીટ થાય છે.
આરતીમાં આદ્યાશક્તિ, જગદંબે, શિવશક્તિ, મા, મહાલક્ષ્મી માતા, દયા, ત્રિવેણી, તારિણી, ચતુરા, ચતુર્ભૂજ, ગુણપદ્મા, નારાયણી, નારી, સાવિત્રી, સંધ્યા, ગૌ, ગંગા, ગાયત્રી ગૌરી, ગીતા, આનંદા, અષ્ટભૂજાધારી, અધનાશિની, આનંદા, નવદુર્ગા, કાત્યાયની, કામા, કામદુર્ગા, કાલિકા, શ્યામા, રામા, બહુચર, અંબા, તુળજા, ચંડી, ચામુંડા, સિંહવાહિની- એમ કુલ ૩૮ નામોથી મા અંબાને નવાજ્યાં છે- જે શ્રદ્ધાપૂર્વક લઈ ગાનાર આનંદ પ્રાપ્ત કરે છે.
આરતીમાં સંખ્યાવાચક શબ્દપ્રયોગ આરતીના ભાવાર્થ, ગુઢાર્થને સાર્થક કરે છે જેમકે પડવાથી પુનમ સુધીની ૧૫ તિથીઓ, શિવશક્તિ ૨ સ્વરૂપ, સત્ત્વ, રજ, તમ-૩ ગુણ, ત્રિભુવન એટલે આકાશ, પાતાળ, પૃથ્વી, ત્રિદેવમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ત્રિવેણી અર્થાત્ ગંગા, યમુના, સરસ્વતી સંગમ, ચતુર્ભૂજ-૪ હાથ, ચૌ દિશા- પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, પંચ ઋષિ એટલે અગત્સ્ય, દુર્વાસા, માર્કંડેય, વશિષ્ઠ અને વેદવ્યાસજીનો સમાવેશ થાય છે. હવે આગળ વધીએ.
પંચદેવ એટલે શિવ, શક્તિ, ગણેશજી, વિષ્ણુજી અને સૂર્ય. પંચ તત્ત્વ : પૃથ્વી, પાણી, પવન, પ્રકાશ, આકાશ. ૬ઠ્ઠી તિથિએ મા નારાયણી સ્વરૂપે પ્રગટ થયાં, સપ્ત પાતાળમાં અતલ, વિતલ, સુતલ, રસાતલ, મહાતલ, તલાતલ, અને પાતાળ. અષ્ટભૂજામાં ઘંટા, શૂળ, હળ, શંખ, મુશળ, ચક્ર, ધનુષ અને બાણ ધારણ કરેલાં છે. ૯ કુળ નાગમાં શેષનાગ, તક્ષક, વાસુકિ, કર્કોટક, ધનંજય, કાલિય, નહુષ, મહાસર્પ અને કુંજર છે. નવદુર્ગામાં શૈલપુત્રી, બ્રહ્મ-ચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની ગણતરી થાય છે. ૧૦ અવતારોમાં મત્સ્ય, ફૂર્મ, વરાહ, નૃસિંહ, વામન. પરશુરામ, રામ, કૃષ્ણ, ગૌતમ અને કલ્કિ છે. દશાનન ૧૦ માથાવાળો હતો. વિજયાદસમી તહેવાર દસમનો છે. ૧૧ અગિયારસ આંખ, કાન, નાક, જીભ, ત્વચા, હાથ, પગ, ગુદા, લિંગ, વાણી અને મનનો સંયમ રાખવાનું સૂચવે છે. ૧૪ લોકમાં ભૂ: ભુવ: સ્વ: જન, તપ, સત્ય, મહ, અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતાલ, પાતાળ, નો સમાવેશ થાય છે.
સમગ્ર આરતીમાં ૩૬ લીટીઓ, ૩૦૬ શબ્દો, ૬૧૨ અક્ષરો છે. નવરાત્રિ, નવદુર્ગા, મા જગદંબાની આરતી- મા ૯ અક્ષર છે. ૯ પૂર્ણાક છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, રાવણ, બટુક, ભૈરવ, વશિષ્ઠ, શિવાનંદ સ્વામી એમ કુલ ૯ નામોનો નામજોગ ઉલ્લેખ છે. જ્યારે બ્રહ્માંડ, ત્રિભુવન, સચરાચર, સાત પાતાળ, ચુંવાળ, ત્ર્યંબાવટી કૈલાસ, નર્મદા અને ત્રિવેણી સંગમ- એમ ૯ સ્થળોનો ઉલ્લેખ છે.
આમ આ આરતીમાં રચનાકારે ગાગરમાં સાગર ભરી દીધો છે. નવરાત્રિમાં આ આરતીગાન સૌ ગાનારને મા જગદંબા સુખી રાખે તેવી શુભ પ્રાર્થના સાથે વિરમું છું.
જય માતાજી.

  • પી.એમ.પરમાર