આ શરીર 'પંચાયતન' છે

શિવજીનાં મંદિરોમાં શિવજીના લિંગ ઉપર સતત પાણી વડે જલાભિષેક કરવામાં આવે છે. માનવજીવન તપ માટે છે. તપશ્ચર્યાનો અધિકાર મનુષ્યોને છે
આ શરીર પંચાયતન છે… એટલે કે પાંચ તત્વોનું બનેલું છે. માનવ-દેહ લઈને આવનારે આ પાંચ તત્વોને જાણવા જોઈએ.
શરીરને ફક્ત માંસ, હાડકાં, લોહી, ચામડી કે નસોનું ખોખું માનવાની જરૂર નથી. પણ તેમાં રહેલાં દિવ્ય-પાંચ તત્વોથી આપણે વાકેફ હોવા જોઈએ.
(૧) પૃથ્વીતત્વ (૨) જળ તત્વ (૩) તેજ તત્વ (૪) વાયુ તત્વ (૫) આકાશ તત્વ -
આ પાંચ તત્વોથી બનેલું છે…
ચાલો, આ પાંચ તત્વોનો સંક્ષિપ્તમાં પરિચય મેળવી લઈએ.
(૧) પૃથ્વી તત્વ : આ તત્વના દેવ છે'ગણેશજી'. ગણેશજીની ઉપાસનાથી વિઘ્નોનો નાશ થાય છે.
ગણેશ વિઘ્નહર્તા છે. જીવન દરમ્યાન ગણપતિના પૂજનથી પ્રત્યેક સત્કાર્યમાં વિઘ્ન આવતું નથી. તેથી તો ગણેશજી 'વિઘ્નહર્તા' કહેવાય છે.
(૨) જળતત્વ : શિવજી આ તત્વના દેવ ગણાય છે. શિવજીની ઉપાસનાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. શિવજી સદ્ગુરુ ગણાય છે. આ શરીર ભસ્મ થવાનું છે. તેને અતિશય લાડ કરવાનું છોડો. એ શિવજીનો ઉદ્દેશ્ય છે. શિવજીનાં મંદિરોમાં શિવજીના લિંગ ઉપર સતત પાણી વડે જલાભિષેક કરવામાં આવે છે. માનવજીવન તપ માટે છે. તપશ્ચર્યાનો અધિકાર મનુષ્યોને છે.
ભાવશુદ્ધિ એ મોટું તપ છે.
(૩) તેજતત્વ : સૂર્યદેવને તેજના દેવ ગણ્યા છે. સૂર્યની ઉપાસના નિરોગી બનાવે છે. સૂર્યદેવ આરોગ્ય આપે છે.
સૂર્ય પૃથ્વી ઉપરના સાક્ષાત્ પ્રત્યક્ષ દેવ છે. સૂર્યદેવનું દરરોજ દર્શન કરવું જોઈએ. 'સૂર્યનમસ્કાર'ની પદ્ધતિ પણ બતાવેલી છે.
(૪) વાયુતત્વ : આ તત્વનાં દેવ 'માતાજી' ગણાય છે. તેમની ઉપાસનાથી 'ધન' પ્રાપ્ત થાય છે. સાત્વિક શક્તિઓને વેગ મળે છે.
(૫) આકાશતત્વ : આ તત્વના દેવ 'વિષ્ણુ' ગણાય છે. વિષ્ણુ ભગવાનની ઉપાસના શુદ્ધ પ્રેમભાવ પ્રાપ્ત થાય છે.
માનવજીવનનું લક્ષ્ય ભોગ નથી પણ ભજન છે… સમભાવ અને સદ્ભાવ સિદ્ધ કરવા માટે સત્સંગની જરૂર છે. મનુષ્ય વિવેકથી ભોગ ભોગવી તપશ્ચર્યા પણ કરી શકે છે. દુ:ખ સહન કરીને પણ સત્કર્મ થાય તો તે તપ છે. સર્વમાં ઇશ્વરનો ભાવ રાખવો એ 'તપ' છે. માનવ શરીરમાં રહેલા પાંચ દેવો એક જ છે. તેમાં ભેદબુદ્ધિ ન રાખવી.
'મનખા' દેહ ધરીને,
'મનવાં ! તેં શું સુકૃત કીધું ?
ધન્ય બનાવ્યું જીવન કે પછી, શું વૃથા ગુમાવી દીધું ?




