'મારી પાસે શું છે ? એ વિચારો, શું નથી' એ નહિ

- પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ
રેલ્વે સ્ટેશન ઉપર ટ્રેન આવે અને જાય. પરંતુ ટ્રેનમાં બેસીને દિલ્હી પહોંચવું કે મુંબઈ પહોચવું એ તમારા હાથમા છે. તમે દિલ્હીની ટ્રેન પકડશો તો દિલ્હી પહોંચશો અને મુંબઈની ટ્રેન પકડશો તો મુંબઈ પહોંચશો. બસ એ જ રીતે જીવનમાં ઘટનાઓ અનેક પ્રકારની બનતી રહે છે. એ ઘટનાઓનાં માધ્યમે દુ:ખ અનુભવવું કે સુખ અનુભવવું તે આપણા હાથની વાત છે. જો ઘટનાને સકારાત્મક દૃષ્ટિકોણથી નિહાળીશું તો ઘટના દુ:ખદાયી હોવા છતાં આપણું મન ઉચાટ નહિ અનુભવે-દુ:ખી નહિ થાય અને જો ઘટનાને નકારાત્મક દૃષ્ટિકોણથી નિહાળીશું તો એ ઘટના વાસ્તવમાં એટલી દુ:ખદાયક નહિ હોવા છતાં આપણાં મનને પારાવાર દુ:ખનો અનુભવ થઈને જ રહેશે. આવો, એક વાસ્તવિક ઉદાહરણ દ્વારા આ વાતને સ્પષ્ટ કરીએ :
સવાર સવારનો સમય. મહેશભાઈ ઉતાવળી ચાલે પોતાની ઓફિસે જવા માટે નીકળ્યા. મનમાં ઓફિસે જઈને કરવાના અર્જન્ટ કાર્યોની નોંધ ચાલુ હતી. માર્ગમાં હોસ્પિટલ આવતા મહેશભાઈ પોતાના નિકટના સંબંધીની ખબર લેવા માટે હોસ્પિટલ તરફ વળ્યા. ઉતાવળમાં ધ્યાન ન રહ્યું અને હોસ્પિટલ પરિસરમાં પડેલા ધારદાર કાચ ઉપર મહેશભાઈનો પગ આવી ગયો. કાચ પગની આરપાર નીકળી ગયો. એમને તુરત હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા. પગ ઉપર નાનકડી સર્જરી કરવામાં આવી અને સપ્તાહપર્યંત હોસ્પિટલમાંથી બહાર જવાની મનાઈ ફરમાવવામાં આવી. સંબંધીની ખબર લેવા આવેલા મહેશભાઈ ખુદ ખબર લેવા યોગ્ય થઈ ગયા. અર્જન્ટ કાર્યોનું લીસ્ટ બાજુ પર રહી ગયું. સેકંડો બચાવીને દોડતા મહેશભાઈને સાત દિવસનો કમ્પલસરી રેસ્ટ આવી ગયો. આ પરિસ્થિતિનાં કારણે મહેશભાઈનું મન અત્યંત દુ:ખી થઈ ગયું. તેઓ મનોમન ભગવાનને ઠપકો આપી રહ્યા. હોસ્પિટલમાં સર્જરી બાદ ઉદાસ ચહેરા સાથે તેમને વ્હીલચેરમાં બેસાડીને રૂમમાં શીફ્ટ કરવામાં આવી રહ્યાં હતા. ત્યારે મહેશભાઈએ સામેથી વ્હીલચેરમાં બેસીને આવતા યુવાનને નિહાળ્યો. તેઓ સ્તબ્ધ બની ગયા યુવાનને જોઈને. કારણ કે તેનો એક પગ કાપી નાંખવામાં આવ્યો હતો છતાં ય એ પ્રસન્ન હતો - ગીતો ગાઈ રહ્યો હતો. બન્નેને વ્હીલચેર આજુબાજુમાં આવી એટલે મહેશભાઈએ વ્હીલચેર અટકાવીને યુવાનને પૂછયું :- ''દોસ્ત! તું હજી યુવાન છે. જિંદગી હજી લાંબી છે અને તારો એક પગ કપાઈ ગયો છે છતાંય તું ખશ છે ? ગીતો-ગાય છે ?'' યુવાને અદ્ભુત ઉત્તર આપતા કહ્યું :- ''મિત્ર! હું માત્ર ગીતો ગાઉં છું એટલું જ નહિ, બલ્કે ભગવાનનો હૃદયથી આભાર માનું છું. કારણ કે એક્સિડંટ એટલો ભયંકર હતો કે જેમાં મારા બચવાની સંભાવના હતી જ નહિ. છતાં ય હું બચ્યો છું. મારો પગ ભલે કપાયો, પરંતુ ભગવાને મને જીવન તો આપ્યું જ છે ને !'' યુવાનની વાત સાંભળતા સાંભળતા મહેશભાઈનું દુ:ખ સુખમાં તબદિલ થઈ ગયું. યુવાનનો આ જવાબ આપણને દૃષ્ટિકોણ હંમેશા સકારાત્મક રાખવાની પ્રેરણા આપે છે. પૂર્ણાહૂતિ સમયે આ જ અનુસંધાનમાં યાદ આવે છે શેક્સપીયરનો મસ્ત ક્વોટ કે 'હું નાનો હતો ત્યારે પગરખા ન મળવાનાં કારણે ખૂબ રડયો હતો, પણ જેને પગ નહોતા મળ્યા, એવી વ્યક્તિ મારા જોવામાં આવી ત્યારે મારું રડવું બંધ થઈ ગયું…'




