ધરતીનું વૈકુંઠ એટલે જગન્નાથ ધામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકામાં દ્વારકાધીશ તરીકે ઓળખાયા, એ જ ભગવાન કૃષ્ણ પંઢરપુરમાં ભગવાન પાંડુરંગ, ભગવાન વિઠ્ઠલ અથવા વિઠોબાના રૂપમાં ઓળખાયા. એ જ રીતે ભગવાન શ્રીકૃષ્ણ પુરીમાં શ્રી જગન્નાથ ભગવાન તરીકે ઓળખાયા. જે ભગવાન કૃષ્ણ જગતના ઇશ્વર એટલે જગદીશ્વર છે જે જગતના નાથ છે તેઓ ઓરિસ્સાના પુરીમાં શ્રી જગન્નાથના નામે પ્રતિષ્ઠિત છે.
પરમ ધામ ઃ ભગવાનની લીલા ભૂમિ હોવાના કારણે જ જગન્નાથ પુરી ભગવાનના પવિત્ર ધામ તરીકે જગવિખ્યાત બન્યું. જગન્નાથ પુરીધામ આ વૈષ્ણવ સંપ્રદાયના ચારધામોનું એક ધામ છે. તે ભગવાન શ્રી જગન્નાથને સમર્પિત છે. જગન્નાથ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ, તેમના મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની સાથે વિરાજમાન છે.
નીલાંચલ પર્વત ધરતીમાં સમાઈ ગયો. ત્યાર પછી દેવો તેમની મૂર્તિને અહીં આ સ્થાનમાં લઈ આવ્યા. તેથી આ સ્થાન નીલાંચલના નામથી ઓળખાય છે. અહીં લક્ષ્મીપતિ ભગવાન શ્રી વિષ્ણુએ અનેક પ્રકારની લીલાઓ કરી હતી. બ્રહ્મપુરાણમાં અને સ્કંદપુરાણ અનુસાર ભગવાન વિષ્ણુના અવતાર એવા ભગવાન શ્રીકૃષ્ણ જ નીલમાધવના રૂપમાં અહીં અવતરીત થયા. એ જ નીલમાધવ એટલે કે ભગવાન શ્રીકૃષ્ણ અહીં ભગવાન જગન્નાથ તરીકે ઓળખાય છે. એવી એક માન્યતા પણ છે કે પુરાતન કાળમાં નીલમાધવ આ નીલાંચલ પર્વત ઉપર નિવાસ કરતા હતા.
વિશાળ મંદિરનું નિર્માણ ઃ એકવાર માળવાના રાજા ઇન્દ્રિદ્યુમ્ન નિલાંચલ પર્વત ઉપર ભગવાનનાં દર્શન કરવા માટે ગયા. ત્યારે ભગવાન નીલમાધવ અચાનક અદ્રશ્ય થઈ ગયા. રાજાએ તેમને દર્શન આપવા માટે ખૂબ જ પ્રાર્થના કરી ત્યારે એક રાત્રે ભગવાને તેમને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે હું તને અવશ્ય દર્શન આપીશ, પરંતુ તું પહેલા અહીં એક વિશાળ મંદિરનું નિર્માણ કરાવ.
રાજાએ ત્યાં મંદિર બનાવડાવી દીધું, પછી ભગવાનને મંદિરમાં વિરાજમાન થવા માટે પ્રાર્થના કરી ત્યારે ભગવાને રાજાને સ્વપ્નમાં કહ્યું કે તું મારી મૂર્તિ બનાવવા માટે સમુદ્રમાં તરી રહેલા ઝાડના એક મોટા ટૂકડાને લઈ આવ. તે લાકડાનો ટુકડો દ્વારિકામાંથી સમુદ્રમાં વહીને અહીં પુરી તરફ આવી રહ્યો છે. રાજાના સેવકો એ તે વૃક્ષના ટુકડાને શોધી તો કાઢયો, પરંતુ તેઓ બધા મળીને તેને ઉંચકી શક્યા નહિ. ત્યારે રાજાને સમજાયું કે નીલમાધવનો અનન્ય ભક્ત સબર-કબીલાઓનો સરદાર વિશ્વાસુ જ આ કામ કરી શકશે. રાજાએ વિશ્વાસુને એ ટુકડો લઈ આવવા વિનંતી કરી. વિશ્વાસુ જ્યારે એ ખૂબ જ ભારે લાકડાંને ઊંચકીને મંદિર સુધી લઈ આવ્યો તે જોઈને બધા આશ્ચર્યમાં પડી ગયા.
હવે લાકડામાંથી મૂર્તિ ઘડવાની હતી. રાજાના કારીગરોએ ખૂબ જ કોશિશ કરી, પરંતુ એકેય કારીગર એ લાકડાનું એક છોડું પણ કાઢી શક્યો નહિં. પછી ત્રણેય લોકનાં કારીગર ભગવાન વિશ્વકર્મા એક વૃદ્ધ માણસનું રૂપ લઈને આવ્યા. અને તેમણે રાજાને કહ્યું કે હું મૂર્તિ બનાવી શકું છું, રાજાએ તેમને મૂર્તિ બનાવવાનું કહ્યું. વૃદ્ધના રૂપમાં રહેલા વિશ્વકર્માએ ભગવાનની મૂર્તિ બનાવી ત્યારે ભગવાને સ્વપ્નમાં રાજાને દર્શન દીધા અને કહ્યું કે હવે આજથી હું લાકડાની એ મૂર્તિમાં પ્રગટ થઈને જગન્નાથના રૂપમાં દર્શન આપીશ. રાજાએ ભગવાનની ઇચ્છાને માન આપીને એ મૂર્તિઓની મંદિરમાં સ્થાપના કરી દીધી. ત્યારથી માંડીને આજ સુધી એ ત્રણેય ભાઈ બહેન જગન્નાથ મંદિરમાં એ જ રૂપે રહે છે. આ સ્થાનમાં શંકરાચાર્યે પણ પડાવ નાખ્યો હતો. અને ગોવર્ધન મઠની સ્થાપના કરી છે. એ આદિશંકરાચાર્યજીએ જ જગન્નાથની ગીતાનાં પુરુષોત્તમના રૂપમાં ઓળખ આપી હતી.
ચૈતન્ય મહાપ્રભુ ઃ પુરીમાં રહેતા ત્યારે શ્રી ચૈતન્ય મહાપ્રભુ ભગવાન કૃષ્ણનાં વિયોગમાં, તેમના વિરહમાં રાત-દિવસ વ્યાકુળ રહેતા હતા. તેઓ ક્યારેક હસતા તો ક્યારેક રડતા હતા. ક્યારેક નાચતા અને ક્યારેક કીર્તન કરતા હતા. તેઓ નિરંતર ભગવાન શ્રીકૃષ્ણની સુંદરતા, સુંદર અને મધુરતાનો આનંદ લેતા હતા તેમને એવું લાગતું કે જાણે પોતે પોતાના હાથથી ભગવાનનો સ્પર્શ કરી રહ્યાં છે. તેઓ જ્યારે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા જતા ત્યારે તેમનો ભાવ ગોપીઓના જેવો થઈ જતો હતો.
આ રીતે જગન્નાથ પુરીમાં ભક્તો, સંતો અને ઉપાસકો, ભગવાન શ્રી જગન્નાથજીનાં દર્શન કરવા આવતા હતા અને તેમના દર્શન કરીને તૃપ્ત થઈ જતા હતા.
વાંછા કલ્પતરૂ ભ્યધ્ય
કૃપા સિન્ધુભ્ય એવરા
પતિતાનાં પાવનેભ્યો
વૈષ્ણવેભ્યો નમો નમઃ ।।
કલ્પવૃક્ષની જેમ સૌ કોઈની ઈચ્છાઓને પૂર્ણ કરી શકે તેવા, પતિત જીવોને પાવન કરનારા અને કૃપાના સાગર જેવાં વૈષ્ણવ ભક્તોને દંડવત પ્રણામ હો… પ્રણામ હો….
- ડૉ. ઉમાંકાત જે. જોષી




