Dharmlok

માનવદેહનો માલિક છે આત્મા અને સાધનરૂપ છે આપણી ઇન્દ્રિયો!

By GS Team
23 Sep 20266 mins read
માનવદેહનો માલિક છે આત્મા અને સાધનરૂપ છે આપણી ઇન્દ્રિયો!
  • આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

જ્ઞાનનો સૂર્ય ઊગે અને આત્માનું આખુંય આકાશ ઝળાહળા થઈ જાય એવી પરિસ્થિતિ સર્જાઈ. ઇન્દ્રભૂતિ ગૌતમને ભગવાન મહાવીર આગમ પ્રમાણથી આત્માના અસ્તિત્વને સાબિત કરી આપે છે. તેમજ પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ જેવા પ્રમાણોથી એને સમજાવે છે. એ વાતને આપણે વર્તમાન સંદર્ભમાં સમજીએ છીએ અને એના ત્રણ મુદ્દાઓ અગાઉ જોઈ ગયા, હવે એની વિશેષ વાત કરીએ.
(૪) અને પછી પ્રભુ મહાવીર કહે છે કે, 'તલમાં તેલ, પુષ્પમાં ગંધ, દૂધમાં ઘી હોવા છતાં પ્રત્યક્ષ દેખાતાં નથી, એ જ રીતે આત્મા શરીરમાં હોવા છતાં પ્રત્યક્ષ દેખાતો નથી. આત્મા અરૂપી છે, અમૂર્ત છે એટલે એ દેખાતો નથી, પણ એનો અનુભવ થાય છે.'
(૫) કાળી ઘનઘોર રાત્રી હોય, એટલો ગાઢ અંધકાર હોય કે આપણે આપણો હાથ જોઈ ન શકીએ અને છતાં 'હું છું' એવો અનુભવ તો થાય જ છે. આ જ આત્માની મોટી સાબિતી છે. ઘનઘોર અંધકારમાં દૂર દેખાતી વસ્તુ વિશે મનમાં શંકા થાય, પરંતુ એ સમયે પણ 'હું છું કે નહીં' એવો કોઈ સંદેહ મનમાં ઉત્પન્ન થતો નથી.
જેમ કોઈ ઘરમાંથી ટી.વી.નો અવાજ આવતો હોય, બહાર કોઈ ઝડપથી હોર્ન વગાડતું હોય તો તેનો અવાજ કે ધ્વનિ દેખાતો નથી, તેમ શરીરમાંથી નીકળી જતો આત્મા અરૂપી હોવાથી પ્રત્યક્ષ દેખાતો નથી.
(૬) રાત્રીના સમયે વ્યક્તિ કેવાં કેવાં સ્વપ્નો જોતો હોય છે ! એ સ્વપ્નના સંકેતો સમજાવતું સ્વપ્નશાસ્ત્ર પણ છે, પરંતુ એ પ્રાત:કાળે જાગે, ત્યારે એનાં ચિત્ર-વિચિત્ર સ્વપ્નો હોતાં નથી. ઊંઘમાં જે અનુભવ થાય છે, તે કોણ કરે છે ? એ સ્વપ્નો જોનાર આત્મા છે.
(૭) એક રીતે કહીએ તો જેમ આગ વગર ધુમાડાનું અસ્તિત્વ હોતું નથી તે જ રીતે ભોગી વગર ભોગ્યનું અસ્તિત્વ નથી હોતું. શરીર ભોગ્ય છે એટલે જ એના ભોગી તરીકે આત્મા હોવાનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
(૮) આપણા શરીરનો માલિક આત્મા છે અને મન મેનેજર છે. દવા કડવી હોય, હોઠ પર અડાડવાની પણ સહેજે ઇચ્છા ન હોય, છતાં બીમારી દૂર કરવા માટે તે લેવી પડે છે. એ માટેની પ્રેરણા આપે છે આત્મા. તમારા દેહનો દેહી છે આત્મા અથવા તો શરીરના મહેલનો માલિક છે આત્મા.
(૯) વાયુથી ભરેલી કોથળીને ખાલી કરીને તોડવા છતાં સ્થૂળ રીતે તેનું વજન ઘટતું નથી એ જ રીતે મૃતદેહના વજનમાં ઘટાડો થતો નથી, કારણ કે આત્મા અગુરુલઘુ ગુણવાળો છે. અંધારામાં શરીર દેખાતું ન હોય છતાં એવો કદી સંદેહ થશે નહીં કે હું નથી.
(૧૦) કોઈ અકસ્માતમાં હાથ કે પગ કપાઈ જતાં માનવી એ અંગવિહોણો હોય છે, પણ એ અવયવોનો અનુભવ એ ભૂલી શકતો નથી. હાથ તો નાશ પામ્યો છે, ત્યારે એનો અનુભવ પણ નાશ પામવો જોઈએ, પણ એવું થતું નથી એ જ બાબત આત્મા છે એમ સિદ્ધ કરે છે. અર્થાત્ દરેક ઇન્દ્રિયને ભિન્ન ભિન્ન વિષય હોય છે, પણ એ દરેકનું ભાન આત્માના ઉપયોગ દ્વારા જણાય છે.
(૧૧) ધારો કે ઇન્દ્રિયો વચ્ચે મતભેદ થાય, એમની વચ્ચે ઝઘડો જામે ત્યારે ન્યાય કોણ કરે છે ? આંખ એને ખાંડ કહે અને જીભ એને મીઠું કહે અને નાક એને અવગણે તો એ શું છે ? એનો આખરી નિર્ણય આત્મા કરતો હોય છે.
(૧૨) વળી આ ઇન્દ્રિયોનું ભાન વ્યક્તિ મૃત્યુ પામતાં ચાલ્યું જાય છે. ચેતનના સંચાર વગરના મૃતદેહમાં ઇન્દ્રિયો કંઈ જ કરી શકતી નથી. શરીરમાંથી એવું તે શું નીકળી જાય છે કે તેની બધી જ ક્રિયા બંધ થઈ જાય છે ! તેને આત્મા કહીએ છીએ અને જે તત્વ ગયું તે
આત્મા છે.
(૧૩) કોઈ પણ ગુણના પ્રત્યક્ષથી ગુણી પ્રત્યક્ષ કહેવાય છે. જેમ કે ઘડાનું રૂપ દેખાતાં ઘડો દેખાય છે, તેમ સ્મરણ, સુખ, દુ:ખ વગેરે ગુણથી આત્મા પ્રત્યક્ષ ગણાય છે.
(૧૪) માનવીની પાસે ધન હોય, સોનું હોય, રત્ન હોય, શરીર હોય, પણ એ એકેય પોતાની જાત પર મમતા રાખતા નથી. ત્યારે સવાલ એ છે કે 'આ મારું ધન', 'આ મારું શરીર' એવી મમતા કોણ રાખે છે ? - એ રાખે છે આત્મા.
શરીર એ પણ ધન-સંપત્તિની જેમ એક મૂડી છે. એ શરીરનું મમત્વ કરનાર કોણ ? પત્ની, પરિવાર, પૈસા એ તરફ મમત્વ કરતાં વ્યક્તિ દોડતી રહે છે. આ મમત્વ કરનાર હોય છે, આત્મા.
(૧૫) બત્રીસ પકવાન ધરાવતી થાળી તમારી સામે હોય, તમે ઘણા દિવસથી ભૂખ્યા હો, સામેનાં મિષ્ટાન્નને જોઈને તમારું મન એના પર આક્રમણ કરીને ધસી જવા ચાહતું હોય, પણ એવે જ સમયે એવા સમાચાર આવે કે તમારાં પિતા-માતા કે નિકટના સ્વજનનું અણધાર્યું અવસાન થયું છે, તો તમે ભારે ઉદાસ થઈ જાઓ છો. બત્રીસ પકવાન ધરાવતી થાળી પરથી તમારી દ્રષ્ટિ દૂર થઈ જાય છે. જીભનો સળવળાટ બંધ થઈ જાય છે. માથે હાથ દઈને બેસી જાઓ છો, ત્યારે વિચારો કે શોકમગ્ન કોણ બન્યું ? દુ:ખ કોને થયું ? શરીર તો સુખમાં હતું, પણ દુ:ખ આત્માને થયું, શરીરને નહીં.
(૧૬) એક પિતાના બે સંતાનોમાં એક અભ્યાસમાં તેજસ્વી હોય અને બીજો સાવ સામાન્ય હોય, એક શુભ માર્ગે કાર્ય કરતો હોય અને બીજો અવળાં કામો કરતો હોય, તો તે બંનેમાં આવો ફેર કેમ ? કારણ કે એ બંનેનાં શરીરમાં આત્મા જુદો જુદો
વસે છે.
(૧૭) એકાએક ઘરમાં આગ લાગે છે અને માણસ જીવ બચાવવા દોડી જાય, એ ઘટના જ સૂચવે છે કે સહુ કોઈને પોતાનો આત્મા વહાલો છે. એને સુખ, શાંતિ, લાભ અને સન્માન મળે છે. દુ:ખ, અશાંતિ, હાનિ કે અપમાન પસંદ નથી.
(૧૮) જેમ મને આત્મા પ્રત્યક્ષ છે, તેમજ તારા મનના સંદેહને પણ હું પ્રત્યક્ષ જાણી શકું છું. કોઈ ફ્રાન્સના એફિલ ટાવરનું વર્ણન કરે કે પછી ચીનની દીવાલની વાત કરે, તો તે હોવા છતાં દરેક વ્યક્તિને એ પ્રત્યક્ષ હોતી નથી પણ એનો અર્થ એ નથી કે આ બધું જગતમાં નથી. એ જગતમાં તો છે જ.
(૧૯) જો કોઈ કહે કે અમે પ્રત્યક્ષ હોય તેને જ માનીએ છીએ, બીજાનું જોયેલું માનતા નથી. તો આપણે એમને પૂછવું જોઈએ કે તમે ખરેખર બુદ્ધિશાળી છો, પણ જરા બુદ્ધિ કાઢીને બતાડશો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વિકાસ થયો, છતાં એ પણ આજે એય માનવીનું બુદ્ધિ બહાર કાઢીને બતાવી શકતું નથી.
(૨૦) અજ્ઞાન અને અલ્પજ્ઞાતાને કારણે આત્મા દેખાતો ન હોય, પણ એ જ્ઞાનીના અનુભવમાં અને સર્વજ્ઞાના જ્ઞાનમાં જણાયો છે.
આગમ પ્રમાણથી અને પ્રત્યક્ષ પ્રમાણથી આત્માના અસ્તિત્વની વાત જાણ્યા પછી અનુમાન પ્રમાણથી અપાતી સાબિતી જોઈએ.
(૨૧) આ કાયાનો માલિક કોણ ? એની શોધ કરશો તો તમને આત્મા દેખાશે. માનવીના દેહના મહેલનો માલિક છે આત્મા. સામાન્ય માન્યતા એવી છે કે માનવીનો માલિક આત્મા નથી, પણ મન છે. પણ હકીકત એ છે કે મનને ન ગમે એવી ઘણી બાબત આત્મા દ્વારા થતી હોય છે. જેમ કે, લાંબા સમયના ઉપવાસ કરવા, સાધુજનો દ્વારા થતા લોચ, વિહાર આદિ કષ્ટો સહન કરવાં. આ બધાં શારીરિક કષ્ટો મનને ક્યાંથી ગમે ? એને તો કદાચ પીડતાં પણ હોય, પણ તે આત્માને ગમે છે અને તેથી આત્મા એ માનવીના મનનો માલિક છે.
(૨૨) ઇન્દ્રિયો એ સાધન છે અને આત્મા રૂપી માલિક એ સાધનોથી કામ લે છે. જેમ ચપ્પાથી કલમ ઘડાય છે, દાતરડાથી કપાય છે, એ જ રીતે આમાં ઘડતર અને કાપનાર જુદાં છે. તે પ્રમાણે ઇન્દ્રિયો જુદી છે અને તેને ગ્રહણ કરનાર જુદા છે. હજી આત્માના અસ્તિત્વ વિશે વધુ પ્રમાણો હવે પછી જોઈશું. (ક્રમશ:)