સત્શ્રવણનું પરિણામ : નાસ્તિક બન્યો આસ્તિક

પ્રેરણાની પરબ-આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ
ચાતુર્માસ!!! ચોમાસારૂપે ઓળખાતો આ સમય ખેડૂતવર્ગ માટે જેટલો મહત્વનો છે એટલો જ ધર્મીજનો માટે પણ મહત્ત્વનો છે. જૈન અને હિન્દુ પરંપરામાં ચાતુર્માસ દરમિયાન સૌથી વધુ પર્વો અને આરાધનાઓનું આલંબન મળે છે. ધંધાની સીઝનમાં જેમ ગૃહસ્થ વ્યક્તિ તીવ્ર પરિશ્રમ કરીને ધંધો કરી લે છે તેમ ધર્મની સમ્યક સમજણ પામનાર વ્યક્તિ ચાતુર્માસના દિવસોમાં આરાધનાઓનું આલંબન પામીને મન મૂકીને ધર્મ કરી લેતી હોય છે, જૈન પરંપરા પ્રમાણે વર્તમાન વર્ષમાં ચાતુર્માસનો પ્રારંભ આષાઢ શુદિ-૧૪, તા. ૨૮ જુલાઈ, મંગળવારથી થઇ રહ્યો છે ત્યારે આપણએ ક્રમશ: બે લેખ દ્વારા ચાતુર્માસના બે મહત્વના કર્તવ્યો વિશે વિચારણા કરીએ:
આ બંને કર્તવ્યો એવા છે કે જે આરાધક આત્માનું અવશ્ય કલ્યાણ કરે અને તેને પ્રગતિની નવી ઊંચાઈ પર લઇ જાય. તેમાં પ્રથમ છે સત્શ્રવણ :- ચાતુર્માસમાં ધર્મનું-પ્રભુની વાણીનું શ્રવણ કરવું જોઇએ. આવું શ્રવણ આપણને અનેક અનિષ્ટોથી બચાવે છે - ગલત માર્ગે જતા અટકાવે છે - શુભકાર્યોમાં - શુભવાતાવરણમાં આપણને જોડે છે. અલબત્ત, અહીં ખ્યાલ રહે કે દવા જેમ ડીગ્રીધારી ડોક્ટર પાસેથી જ લેવાય તેમ આવું સત્શ્રવણ પણ વિનય-વિવેકપૂર્વક સદ્ગુરુ પાસે જઇને કરાય. અનધિકૃત સંસારી વ્યક્તિ પાસેથી યા મોબાઇલ આદિ દ્વારા જ જો આવું શ્રવણ કરી લીધાનો સંતોષ માનવામાં આવે તો તેનાથી વિશેષ લાભ ન થયા. યાવત્ તેને સત્શ્રવણ કહેવું પણ મુશ્કેલ બની જાય. ક્યારેક આ શ્રવણની આડઅસર એવી થાય કે વ્યક્તિનું જીવન ઉન્માર્ગગામી પણ બની જાય. એથી ઊલટું, વિનય-વિધિપૂર્વકનું સત્શ્રવણ આપણા જીવનને ચોક્કસ ઉન્નત બનાવનાર નીવડે. આ સંદર્ભમાં યાદ કરીએ એક હૃદયસ્પર્શી સત્યઘટના :
નવસારીનો એક જૈન પરિવાર. પિતા પરમ આસ્તિક-ધર્મનિષ્ઠ અને દીકરો પરમ નાસ્તિક-ધર્મવિમુખ. પિતાના લાખ પ્રયત્નો છતાં દીકરો ધર્મ તરફ ન વળ્યો. આખરે એક દિવસ પિતાનો અંતિમ સમય આવી ગયો. તેઓ મૃત્યુના બિછાને છે. મુખ પર ચિંતાની રેખાઓ છે. આસપાસ પરિવાર ખડો છે. દીકરો બાજુમાં છે. દીકરો નાસ્તિક છે પણ પિતાનો તો પરમભક્ત છે. પિતાના મુખ પર ચિંતાની રેખાઓ જોઇને તેણે લાગણીથી પૂછયું : ''પપ્પા! તમારા મુખ ઉપર ચિંતા કેમ છે ? તમારી કોઇ અંતિમ ઇચ્છા હોય તો કહો, હું ચોક્કસ પૂરી કરીશ.'' દીકરાની વાત સાંભળી પિતાને આશા બંધાઈ. તેમણે કહ્યું : ''બેટા! તું ચોક્કસ મારી વાત માનીશ?'' ''હા પિતાજી!'' જવાબ મળ્યો. ''તો સાંભળ. મને ચિંતા એ છે કે મારા ગયા પછી આ ઘરમાં ધર્મ નહિ રહે.'' દીકરો વાત સમજી ગયો. એણે કહ્યું : ''પપ્પા! આજે હું તમારી વાત માનીશ. મને કોઇ એક ધર્મ બતાવો, હું એ કરીશ. એકથી વધારે મારાથી નહિ થાય.''
પિતાના મુખ ઉપર સ્મિત રમી ગયું. તેઓ બોલ્યા : ''નવસારી વિસ્તારમાં ક્યાંય પણ કોઇ ગુરુભગવંતનું પ્રવચન હોય તો તારે શ્રવણ કરવા જવાનું.'' દીકરાએ વાત સ્વીકારી. પિતાના મૃત્યુ બાદ નિયમ બરાબર પાળ્યો. પરિણામ એ આવ્યું કે સત્શ્રવણના પ્રભાવે એ દીકરો પરમ આસ્તિક બનવા સાથે મહિનામાં ૧૯ દિવસ પૌષધ કરતો (સાધુ જેવું જીવન જીવતો) થઇ ગયો.
આવો, આ ચાતુર્માસમાં આપણે પણ આવું સત્શ્રવણ અપનાવીએ. જીવન પરિવર્તન માટે કદમ માંડીએ…









