રાજાએ કહ્યું, 'તમે અનાથ નથી, હું તમારો પિતા છું'

- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
જામનગરના જામસાહેબ રણજિતસિંહના ભત્રીજા, દત્તક પુત્ર અને ઉત્તરાધિકારી મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહજી જાડેજા બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન બનેલી એક ઘટના એમના જીવનના વ્યક્તિત્વના ઉત્કૃષ્ટ પાસાને ઉજાગર કરે છે. ૧૯૩૯માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં જર્મની અને સોવિયેટ યુનિયને પોલેન્ડ પર આક્રમણ કર્યું. હજારો પોલિશ પરિવારો વિખેરાઈ ગયા અને લાખો લોકોને સાઈબીરિયાની કઠોર શ્રમશિબિરોમાં મોકલી દેવાયા. ૧૯૪૧-૧૯૪૨ દરમ્યાન જ્યારે બાળકો અને સ્ત્રીઓને મુક્ત કરવામાં આવ્યા ત્યારે ભૂખમરો, કાતિલ ઠંડી અને બીમારીઓ વચ્ચે સેંકડો અનાથ બાળકો ટ્રેનો અને જહાજ દ્વારા આશ્રયની શોધમાં ભટકતાં હતાં. તે સમયે બ્રિટિશ હકુમત કે અન્ય મોટા દેશો આ શરણાર્થીઓને સ્વીકારવા તૈયાર ન હતા. આ નિર્દોષ અને અનાથ બાળકોની લાચારી જોઈ તેને શરણે લીધા. શરણાર્થીઓ માટે જામનગરથી પચ્ચીસ કિલોમીટર દૂર બાલાચડી અને એક હજાર જેટલા પોલિશબાળકો અને તેમના સહાયકો માટે આધુનિક કેમ્પ તૈયાર કરાવ્યા; એટલું જ નહીં, આ શરણાર્થી બાળકોને પોતાની ઓળખ-પ્રતિભા જાળવી રાખવા માટે શિબિરમાં પોલિશશિક્ષકો, પોલિશપુસ્તકો અને ચેપલની વ્યવસ્થા કરી. પોલિશ સંસ્કૃતિના જતનનું રાજાનું આ પગલું 'પરમત સહિષ્ણુતા'ના સિદ્ધાંતને નિજી જીવનમાં ચરિતાર્થ કરનાર શીલભદ્રતાનું દર્શન કરાવનાર હતું. કુપોષણથી પીડાતા બાળકો માટે વિશેષ ચિકિત્સા, સમુદ્રસ્નાન અને ફૂટબોલ સહિતની રમતોનું આયોજન કરવામાં આવ્યું.
જ્યારે બાળકો જામનગર પહોંચેલા ત્યારે મહારાજાએ એમને કહેલું કે, 'તમે તમારી જાતને અનાથ ન માનશો. હવેથી હું તમારો પિતા છું અને તમે નવાનગરના રાજકુમારો અને રાજકુમારીઓ છો.' આ વાક્યમાં ઉદ્ગારથી રાજવી એક હજાર બાળકોના પિતા બની ગયા. ૧૯૪૬માં યુદ્ધ પુરું થયા બાદ બાળકો વિદાય થયા, પરંતુ આજીવન મહારાજાને પિતા તરીકે યાદ રાખ્યા. પોલેન્ડ આજે પણ આ ઋણ ભૂલ્યું નથી. પોલેન્ડની રાજધાની વોર્સોમાં એક મુખ્ય ચોકને 'સ્કવેર ઓફ ધ ગુડ મહારાજા' નામ આપવામાં આવ્યું. વોર્સોની એક પ્રખ્યાત શાળા અને પાર્કને તેમનું નામ સમર્પણ કરાયું છે જ્યાં મહારાજાની પ્રતિમા સ્થાપિત છે. પોલેન્ડ સરકારે મહારાજાને મરણોપરાંત પોતાના દેશના સર્વોચ્ચ સન્માન પૈકીના એક 'કમાન્ડર્સ ક્રોસ ઓફ ઓર્ડર ઓફ મેરિટ'થી નવાજ્યા છે. માનવતાના ઇતિહાસમાં મહારાજા દિગ્વિજયસિંહનું આ કાર્ય રાજધર્મ અને કરુણાના સર્વોચ્ચ ઉદાહરણ છે. આ તકે ભારતની કેટલીય એવી પ્રતિભાવંત વ્યક્તિઓનું સ્મરણ થાય છે. જેમાં બ્રાઝિલમાં ભારતના ભાવનગરના ગૌભક્ત મહારાજા કૃષ્ણકુમારસિંહનું સ્મારક છે અને ચીન અને અન્ય દેશોમાં જીવના ભોગે સેવા કરનાર ડો. કોટનિસનું સ્મરણ થયા વિના ન રહે.
ભારતે બાંગ્લાદેશના શરણાર્થીઓને સહાય પણ કરેલી. સોળમા તીર્થંકર શાંતિનાથ ભગવાનના પૂર્વભવમાં તે મેઘરથ રાજા હતા. બાજના ડરથી એક કબૂતર રાજાના ખોળામાં બેસી ગયું. બાજે આવીને રાજાને કહ્યું કે, 'એ મારો ખોરાક છે, મને આપી દ્યો.' રાજા કહે, 'શરણે આવાનું રક્ષણ કરવું મારો ક્ષાત્ર ધર્મ છે.' બાજના ખોરાક માટે કબૂતરના વજન જેટલું પોતાના જ શરીરનું માંસ ત્રાજવામાં તોળીને આપવાનું શરૂ કર્યું.
રાજગૃહી નગરીમાં અર્જુનમાળી યક્ષના આવેશમાં રોજ સ્ત્રી-પુરુષની હત્યા કરતા. જ્યારે ભગવાન મહાવીર નગરમાં પધાર્યા ત્યારે લોકોએ શરણે આવીને આ ભયની વાત કરી. ભગવાનની સામે અર્જુનમાળી મારવા આવ્યો ત્યારે મહાવીરના શાંત અને કરુણામય મુખમંડળ જોતાં શાંત થઈ ગયો. જૈન પુરાણોમાં ચક્રવર્તી ભરત અને સગરનાં દષ્ટાંતો છે. મગધનરેશ રાજા શ્રેણિક, સોલંકી વંશના રાજા કુમારપાળ, મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય અને ચેદી વંશના કલિંગના સમ્રાટ ખારવેલ વગેરે રાજાઓ શરણાર્થીઓને ક્ષમા અને રક્ષણ આપતા. શરણે આવેલા પ્રજા માટે અંગુલિમાલથી ભગવાન બુદ્ધે રક્ષા કરી. ભગવાન શ્રીરામે શરણે આવનાર વિભીષણને શ્રીરામે શરણ આપીને છેલ્લે લંકાના ભાવિ રાજા તરીકે રાજતિલક કર્યું. સીતાજીને નુકશાન પહોંચાડનાર કાગાસુર (જયંત) જ્યારે રામને શરણે આવ્યો ત્યારે પોતાનો ભયંકર અપરાધ હોવા છતાં માત્ર એક આંખ દંડરૂપે લઈને જીવતદાન આપ્યું. રામને શરણે જનાર સુગ્રીવને ભગવાન શ્રીરામને કિષ્કિંધાનું રાજ પાછું અપાવ્યું. દ્રૌપદીનાં ચીરહરણ સમયે લાચાર થઈને શ્રીકૃષ્ણનું શરણ સ્વીકારતાં શ્રીકૃષ્ણે તેને વસ્ત્ર પૂરાં પાડી લાજનું રક્ષણ કર્યું.
ઋષિ ગાલવનું અપમાન કરનાર ગંધર્વ ચિત્રસેનનો વધ કરવા શ્રીકૃષ્ણ કટીબદ્ધ બન્યા. ચિત્રસેન કુંતીમા અને અર્જુનને શરણે જતાં અર્જુન શરણાર્થી માટે શ્રીકૃષ્ણ સામે લડવા તૈયાર થયા. અર્જુનની શરણાગત ધર્મપાલનની કસોટી પૂર્ણ થતાં ચિત્રસેનને શ્રીકૃષ્ણએ ક્ષમા આપી. શ્રીકૃષ્ણે શરણાગતિ ધર્મના પાલનમાં ઉત્તરાના ગર્ભ (રાજા પરીક્ષિતના જીવ)નું રક્ષણ કર્યું.
આમ, ભારતીય સંસ્કૃતિમાં શરણાગતિને રક્ષણ આપવાની ઉજળી પરંપરા ઇતિહાસનાં સુવર્ણ પૃષ્ઠોમાં અંકિત છે.




