Dharmlok

મનની શક્તિ પ્રગટાવવાની ચાવી : પોઝિટિવિટી

By GS Team
8 Jul 20263 mins read
મનની શક્તિ પ્રગટાવવાની ચાવી : પોઝિટિવિટી

પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ
જગતની અત્યંત શ્રીમંત વ્યક્તિ પાસે જેમ અઢળક સંપત્તિનો ખજાનો હોય છે, જગતની મહાન વિદ્વાન વ્યક્તિ પાસે જેમ અઢળક જ્ઞાનનો ખજાનો હોય છે, તેમ મન પાસે છે અઢળક શક્તિનો ખજાનો. જગતની લગભગ દરેક વ્યક્તિ પાસે આ ખજાનો ઉપલબ્ધ છે. પરંતુ તેમાંની મહદંશ વ્યક્તિઓને આ ખજાનો પોતાની પાસે ઉપલબ્ધ હોવાનો ખ્યાલ જ નથી. તો ઘણીખરી વ્યક્તિઓ પાસે આ ખજાનો ખોલવાની કોઈ ચાવી નથી. આજે આપણે અહીં વિચારવા છે મનની શક્તિને પ્રગટ કરે તેવા ચાવીરૂપ સરળ ઉપાયો : (૧) નિરંતર પ્રયત્નશીલ રહો : કોઈ વ્યક્તિ સતત દ્વાર ખટખટાવતી હોય ત્યારે અંદર રહેલી વ્યક્તિને ઇચ્છા ન હોય તો પણ આખરે દ્વાર ખોલવા જ પડે છે એમ નિરંતર પોતાની લક્ષ્યસિદ્ધિ માટે પ્રયત્નશીલ વ્યક્તિના સપોર્ટમાં મનની શક્તિને આવીને ઊભા જ રહેવું પડે છે. (૨) હંમેશા પોઝિટિવ રહો :- યાદ રહે કે મનની શક્તિ માત્ર પોઝિટિવરૂપે જ નહિ, બલ્કે નેગેટિવરૂપે પણ કાર્યરત બને છે. ઉદાહરણરૂપે એક વ્યક્તિ જો હંમેશા એમ વિચાર્યા કરે કે 'મારું કાર્ય સફળ નહિ બને તો ? મને નુકસાની આવશે તો ? મને તકલીફ આવશે તો ?' તો ત્યારે મનની અપાર શક્તિ બને છે નેગેટિવરૂપે કાર્યરત અને તેના વિચારો પ્રમાણે વ્યક્તિનું કાર્ય સફળ બનતું નથી - નુકસાની આવે છે તેમજ તકલીફ પણ આવે છે. એથી ઉલટું, વ્યક્તિના વિચારો જો હમેશા પોઝિટિવ હોય કે 'હું કોઈપણ ભોગે સફળ બનીશ જ. મારી તકલીફો દૂર થશે જ.' તો મનની શક્તિ પોઝિટિવરૂપે કાર્યશીલ બને છે અને હજારો વિઘ્નોને ઓળંગીને પણ એ વ્યક્તિ સક્સેસફુલ બને છે. અલબત્ત, એ માટે અત્યંત વિપરીત પરિસ્થિતિમાં પણ આપણા વિચારો પૂર્ણ સકારાત્મક જોઈએ. કેવી પોઝિટિવિટી હોવી જોઈએ. આપણામાં એ સમજવું છે ? તો વાંચો પ્રખર વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસનની આ સત્ય ઘટના:
જગતની લગભગ સૌથી વધુ શોધો કરનાર એડિસને પોતાની એક વિશાળ પ્રયોગશાળા બનાવી હતી. એકવાર રાત્રે અચાનક તેમાં આગ લાગી. એડિસનને સમાચાર મળતા તેઓ તુરંત ત્યાં પહોંચ્યા. આગ ઠારવાના નિષ્ફળ પ્રયાસો ચાલી રહ્યા હતા. એડિસન દૂર ઊભા ઊભા વિકરાળ આગને અને તેમાં રાખ થઈ રહેલા પોતાના સંશોધનકાર્યને જોઈ રહ્યા હતા. સૌને ચિંતા હતી કે એડિસન આ આઘાતને જીરવી નહિ શકે. પણ આ શું ? એડિસનને પીઠ પર હાથ પસવારીને આશ્વાસન આપતી પત્નીએ એડિસનનો ચહેરો જોયો ને એ સ્તબ્ધ થઈ ગઈ. મુખ પર નહોતી કોઈ વેદના કે નહોતી હતાશા. એડિસન સ્વસ્થ દેખાતા હતા. આખરે પત્નીથી ન રહેવાતા એડિસનને પૂછી લીધું : 'તમારી વર્ષોની મહેનત આજે રાખ થઈ ગઈ. તમને દુ:ખ-અફસોસ નથી થતો ?' ત્યારે પોતાનું સર્વસ્વ ગુમાવનાર એડિસને સ્મિત સાથે કહ્યું :- 'વ્હાલી ! આમાં વેદના શું ? આ તો દયાળુ પ્રભુની કૃપા છે.' 'કૃપા ?' 'હા, મેં સંશોધનકાર્યોમાં સેંકડો ભૂલો પણ કરી હતી. મારા દયાળુનાથે બધી ભૂલો બાળી નાંખી. હવે દુનિયાને એ ભૂલો નહિ દેખાય તેથી મારે કોઈ ચિંતા નહિ. કાલથી ડબલજોશથી કામ શરૂ કરીશ…'
આવો, એડિસન જેવી પોઝિટિવિટી આપણે પણ વિકસાવીએ… એના માધ્યમે મનની અપાર શક્તિને પ્રગટ કરીએ… ઉત્સાહ-ખંત અને ડબલ જોશથી કાર્યમાં લાગી જઈએ… તો સફળતા આપણી સહચરી બન્યા વિના રહેશે નહિ..