જતું કરવામાં જ જીવવાની મજા

- ફક્ત સ્વાર્થ માટે જતું કરવું તેના કરતાં કોઈ અંગત સ્વાર્થ નથી છતાં મારે જતું કરવું એ ભાવના ઉત્તમ છે. પરિસ્થિતિનો સહજ સ્વીકાર કરશો તો સરળતાથી જીંદગી જીવી જશો
આજકાલ સમાજમાં અહંકાર, ગુસ્સો (ક્રોધ), બતાવી દેવું, સહનશક્તિનો અભાવ, પ્રેમ-ભાવનાનો અભાવ જોવા મળે છે. નાની-નાની વાતમાં મિથ્યા અહંકાર તેમજ સત્તા અને સંપત્તિના નાદમાં માણસ ખૂબ જ આત્મકેન્દ્દીત બનનો જાય છે. જેના કારણે દોડતો રહેલો માણસ અંદરથી વધુને વધુ ખોખલો બનતો જાય છે. સત્તાના નાદમાં નાચતો રહેલો મનુષ્ય અહંકાર ના કારણે કોઈની સાથે વાત કરવી એકબાજુ રહી પણ સામે જોવા કે ઉભા રહેવા પણ તૈયાર નથી. એટલું બધું બાહ્ય આડંબર તેના પર હાવી થાય છે કે તેના સ્ટેટસ માટે બીજાને નુકશાન થાય તેવી પરવા ના કરતાં પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. આ ઉપરાંત ધર્મના ઓઠા નીચે પણ પોતાનું પાખંડ છોડવા તૈયાર નથી બાહ્ય દ્રષ્ટિએ ધાર્મિકતા નો ડોળ કરી રહેલો મનુષ્ય અંદરથી સંતોષનો અનુભવ કરી શક્તો નથી.
તો જતું કરવું એટલે શું ? ઘણા લોકો આ માણસની નબળાઈ સમજે કે તેનાથી થાય તેવું નથી માટે સહન કરે છે પણ તેવું નથી. આપણા મનના સુખ અને સમાધાન માટે, પ્રસન્નતા મેળવવા માટે જો હું આ શીખી જાઉં તો હંમેશાં શાંતિનો અનુભવ થશે પણ આ એટલું સહેલું પણ નથી. જો તેનો ધીમે ધીમે અભ્યાસ કરવામાં આવે તો એટલું કઠિન પણ નથી. જ્યાં સુધી 'હુ' પણું ઓગળે નહીં ત્યાં સુધી અહંકાર લીસો થતો નથી તમારા ઉપર હું હાવી થયેલો હોય તે ફણીઘર નાગને સરળતાથી ઉતારીને ઝેરને ફેંકી દો. તો જીવનને જીતી શક્શો.
આ માટે મનુષ્યે જીવનમાં ધર્મના વિચારો આત્મસાત કરવા જરૂરી છે. જો સારું પકડશો તો બીજું છૂટી જશે. ઉ.દા. નાના બાળકના હાથમાં ચપ્પું આવી જાય અને તમે છોડવા પ્રયત્ન કરો તો છોડશે નહીં પણ વાગી જશે પણ એક રમકડું આપશો તો ચપ્પુ આપોઆપ છૂટી જશે. તેમ એક સારો વિચાર તમારી જિંદગીની બાજી સુધારી શકે. મારો મત જ સાચો, હું કહું તેમ જ થાય અને ના થાય તો ક્રોધ આવે. આ બધું ના માનતાં બીજાના વિચારોને પણ સ્વીકારતાં શીખવું.
ફક્ત સ્વાર્થ માટે જતું કરવું તેમ ના કરતાં કોઈપણ અંગત સ્વાર્થ નથી છતાં મારે જતું કરવું એ ભાવના ઉત્તમ છે. ગમે તે પરિસ્થિતિનો સહજ સ્વીકાર કરશો તો સરળતાથી જીંદગી જીવી જશો. જતું કરવામાં અહંકાર ઓગળે ભાવના પ્રધાનતા આવે, પ્રસન્નતા, સુખ, શાંતિ, સમાધાન, સરળતા, તૃપ્તિ, સંતોષ જેવા ગુણો જીવનમાં ખીલવાથી જીવન જીવવાની મજા લઈ શકીએ. અને આ રસ્તે ચાલવા સૌ કટીબદ્ધ થઈએ.
- પ્રો.શર્મિષ્ઠા જી. પટેલ




