સાચા સુખની ઓળખ

- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ
જે મહાપુરુષની ૩૦૦મી પુણ્યતિથિ ભાદરવા વદ-૪, તા.૩૦-૯-૨૦૨૬ના રોજ હતી, તે મહાપુરુષ, નામે આચાર્ય શ્રી જ્ઞાાનવિમલ સૂરીશ્વરજી મહારાજાની અનેકાનેક કાવ્યકૃતિઓ જિનશાસનમાં સુપ્રસિદ્ધ છે… કદાચ બીજા અનેક મહાપુરુષો કરતાં લોકભોગ્ય કાવ્યકૃતિઓ આ મહાપુરુષની વધુ પ્રસિધ્ધ છે.
શતાધિક પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ કૃતિઓ પૈકી એક કૃતિ છે… સુખીયાની…'સુખીયાની સમઝાય' નામે આ અપ્રસિદ્ધ કૃતિમાં પૂજ્યશ્રી 'સુખીયા જીવ'ના લક્ષણો બતાવી રહ્યા છે…
તેઓ શ્રીમદ સુખી જીવના પ્રથમ લક્ષણ તરીકે જણાવી રહ્યા છે. 'તે સુખીયા ભાઈ તે સુખીયા, જે પરદુ:ખે દુ:ખીયાજી.'
જે માણસના હૈયામાં બીજાનું દુ:ખ જોયા પછી દુ:ખનું કંપન થતું હોય, બીજાને દુ:ખી જોયા પછી જેના હૈયામાં એક દુ:ખનું વેદન થતું હોય તે માણસ વાસ્તવમાં સુખી છે. બીજાનું દુ:ખ જોયા પછી જેના હૈયામાં કોઈ વેદન જ ના થતું હોય, તેને પરંપરાએ સુખ ન મળતું હોવાથી વાસ્તવમાં તે સુખી નથી.
આગળ વધીને તેઓશ્રી જણાવે છે અને જૈનધર્મ પણ તેણે જ જાણ્યો કહેવાય, જે બીજાનું સુખ જોઈ આનંદ અનુભવે… બીજાનું સુખ જોઈ તે સંતોષની લાગણી અનુભવે છે. અન્યનું સુખ જોઈ, જે અંદરથી બળતો હોય, તે સુખી પણ નથી. અને તે સાચો જૈન પણ નથી.
વાંચો, તે પૂજ્યશ્રીના શબ્દો-
'પરસુખ દેખી જે સંતોસિયા, તેણે જૈનધર્મ ઓળખીયાજી..'
વિ.સં.૧૭૭૦માં સુરતથી શત્રુંજય મહાતીર્થ છ'રીપાલક યાત્રાસંઘનું ભવ્ય આયોજન કરનાર સંઘપતિપ્રેમજી પારેખને નિશ્રા આપનાર આ પૂજ્યશ્રી પોતાની કૃતિમાં આગળ વધતાં કહે છે-
'જ્ઞાાનાદિક બહુ ગુણના દરિયા, ઉપશમરસજળ ભરીયાજી,
જે પાળે નિત્ય શુદ્ધ કિરિયા, ભવસાગર તે તરીયાજી…'
જ્ઞાાન-દર્શન-ચારિત્ર આદિ ગુણોનો જયાં દરિયો હોય, શાંત રસના જળથી જે ભરેલો હોય અને શુદ્ધ ક્રિયા જે કરતો હોય તે ભવસાગરને તરી જાય છે… એટલે એ જીવ સાચા સુખનો અધિકારી બને છે. એટલે જ્ઞાાન, સમતા અને શુદ્ધક્રિયા એ સુખના કારણો છે.
વળી આગળ કહે છે -
'દાનતણા જે રંગે રાતા, શીલગુણે કરી માતા રે,
સાવે જગજીવને દિવે જે શાતા, પર વનિતાના ભાતા રે…'
બીજાને દાન આપીને જે રાતો થયો હોય, શીલ-બ્રહ્મના પ્રભાવે જે મજબૂત બન્યો હોય, સર્વ જીવને જે શાંતિ આપતો હોય અને પરસ્ત્રી માટે જે ભાઈ જેવો હોય, એ જ વાસ્તવમાં સાચો સુખી છે.
જે બીજાને શાંતિ ના આપતો હોય અને પરનારી તરફ આંખ માંડતો હોય, એ માનવી જીવનમાં સુખ ક્યાંથી પામી શકે ? દુ:ખ આપનારો સુખી હોય ? દુ:ખ આપે તે સુખને માપે ? ના…ના…ના…
સુખી થવા માટેના લક્ષણો બતાવતા પૂજયશ્રી કહે છે-
'જેણે છાંડયા ઘરના ધંધા, જે પરધન લેવા અંધા રે,
જે નવિ બોલે બોલ નિર્બંધા, તપ તપવે જે જોધા રે…લ્લલ્લ
ઘર ફોડવાના જે ધંધા કરતો નથી, બીજાનું ધન જે લેતો નથી, મર્યાદા વગરના વચનો જે બોલતો નથી. એ જ વાસ્તવમાં જોરદાર તપને કરી રહ્યો છે. બીજાને નુકશાનકારી કાર્યો જે કરતો નથી, તે સુખી બન્યા વગર રહેતો નથી. અન્યને પીડાકારી ના બનવું એ મોટો તપ છે. અને આવા ભીષ્મ તપસ્વીઓ જ પરમસુખને પામે છે.
સુરત શહેરના સૈયદપુરાના શ્રી ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનના જિનમંદિરમાં નંદીશ્વરદ્વીપની અદ્ભૂત અને આબેહૂબ રચનાની પ્રેરણા આપનારા પૂજ્યશ્રી સત્યાંશની પ્રેરણા આપતા કહી રહ્યા છે.
'પરમેશ્વર આગળ જે સાચા, જે પાળે સુદ્ધ વાચાજી,
ધર્મ કામે કબ હિન પાછા, જિન ગુણ ગાવે જાચાજી..'
પ્રભુ આગળ જે સાચો બનીને રહે છે, વાણી પણ જે બધે શુદ્ધ બોલે છે, ધર્મકાર્યમાં જે પાછો પડતો નથી અને ભગવાનના ગુણોને જે સાચી રીતે ગાય છે, તે સાચા સુખને અવશ્યમેવ પામે છે. તે સુખને સાચી રીતે પામે છે.
આગળ વધીને બે કડીમાં તેઓ કહે છે-
જે પાપોના બધાં જ દૂષણો છોડે છે, પોતાના નિયમોને જે હરહંમેશ યાદ રાખે છે, કામ-ક્રોધ આદિ દુશ્મનોને જે સ્વાહા કરી જાય છે, પોતાના આત્મપ્રદેશોમાં જે અજવાસ પાથરે છે, નીચે જોઈને જે જપણાપૂર્વક ચાલે છે, સ્ત્રીના અંગો તરફ જે નજર નથી કરતો, શુદ્ધ-શુકલ ધ્યાન જે ધરે છે. તપસ્યા કરીને શુદ્ધ બને છે. તેઓ સાચા સુખના અધિકારી બને છે.
તે પછીની મહત્ત્વની કડી છે.
'જે નવિ બોલે પરની નિંદા, જીભ અમીરસ કંદાજી,
જેણે તોડયા ભવના ફૂંદા, તસ દેખત પરમ આનંદાજી..'
જે ક્યારેય કોઈની નિંદા કરતો નથી અને જેની જીભના મૂળમાં અમૃતરસનું સિંચન થયેલું છે, તેવો માણસ સંસારના-દુ:ખોના ફંદા તોડી નાંખે છે અને પરમ આનંદ તેની નજરોથી કદી ઓઝલ થતો નથી…
હવે છેલ્લી કડીમાં પૂજ્યશ્રી કહે છે- હું તે માણસનો નોકર થવા તૈયાર છું, જે વ્યક્તિ જિનેન્દ્રની પૂજા કરે છે, ચંદ્ર જેવા સૌમ્ય ગુણોને જે ધારણ કરે છે અને ધર્મમાં ધીરજ રાખે છે..
આ કડીમાં પૂજયશ્રીએ પોતાના ગુરુ 'ધીરવિમલ'નું નામ પણ ગૂંથી લીધું છે અને 'ધર્મમાં ધીરજ રાખે છે, તે લાંબોકાળ આનંદ પામે છે. કહીને ધીરગુરુ પણ લાંબોકાળ આનંદ પામે તે સૂચન પણ કર્યું છે.
પોતાને બંદા બનાવતી એ પંક્તિને ખાસ વાગોળીશું…
' જે પૂજે ભાવે જિન-ઇંદા, સૌમ્યગુણે જિમ ચંદાજી,
ધર્મ ધીર ગુરુ ચિર નંદા, નય કહે હું તસ બંદાજી..'




