આત્મસ્વરૂપની ઓળખ અને મોક્ષ માર્ગનો સાધનાપથ

- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
આજે ડો.લી પુલોસની સર્જનાત્મક પ્રત્યક્ષીકરણની પદ્ધતિ અને એની છ પ્રયુક્તિઓ વિદેશી અધ્યાત્મ જિજ્ઞાસુઓમાં પ્રસિદ્ધ છે. પણ ખેર, આજે એ વિચારીએ કે કોઇ મુમુક્ષુ અધ્યાત્મકસાધક અષ્ટમંગલની આકૃતિઓનું પ્રત્યક્ષીકરણ કરે, તો આત્મજાગૃતિનું કેટલું અણમોલ પાથેય મળી રહે !
સામાન્ય રીતે શુભસૂચક એક ચિહ્ન હોય છે. એક મંગલ હોય છે. પણ અષ્ટમંગલમાં આઠ મંગલનું આલેખન છે, અષ્ટમંગલની આકૃતિમાં એક સાથે આઠ શુભનું દર્શન છે અને એ રીતે એનાથી દર્શનાર્થીની ભાવસૃષ્ટિમાં શુભ ભાવનું પ્રબળ સંચલન થાય છે. એમાંની આકૃતિ કોઈ એક નહીં, પણ આઠ આઠ ધર્મ-સંદેશ આપી જાય છે. આ પ્રતીકોમાંથી આત્મજાગૃતિ, આત્મચિંતન અને આત્મવિકાસના સંકેતો પ્રાપ્ત થાય છે, પણ સાથોસાથ આ પ્રતીકોમાં માત્ર 'સ્વ'નો જ વિચાર નથી. 'સર્વ'નો પણ વિચાર કર્યો છે અને તેથી એની સાથે વ્યાપક લોકહિત અને જનકલ્યાણની મંગલ ભાવના જોડાયેલી છે.
શ્વેતાબંર પરંપરામાં જિનાલયમાં અષ્ટમંગલની ધાતુની પાટલી જોવા મળે છે. એક સમયે અષ્ટમંગલની આકૃતિઓ દોરવામાં આવતી હતી. આજે એ અષ્ટમંગલની પટ્ટી કે સ્ટીકર જૈનોના દ્વાર (બારાશાખ) પર મળે છે, તે શુભભાવની અંગત અભિવ્યક્તિ છે. આજે તીર્થકર ભગવાનની પૂજા કર્યા પછી અંતે અષ્ટમંગલને આલેખવાનો રિવાજ છે. શ્વેતાંબર જૈન મંદિરમાં અષ્ટમંગલની પાટલી અવશ્ય હોય જ. મોટાં પૂજનો સમયે પણ પાટલાપૂજનમાં એક પાટલા પર અષ્ટમંગલની આઠ આકૃતિઓ ચાંદીના પતરામાં દોરેલી હોય છે.
અષ્ટમંગલનું દર્શન થાય છે, પણ વિશેષ આવશ્યકતા તો એના આંતરિક અનુભવની છે. હજારો વર્ષથી સ્વસ્તિક (સાથિયો) એ શુભ, મંગલ અને કલ્યાણકારી એવું ઉત્તમ મંગલ ગણાય છે. માત્ર જૈન પરંપરામાં જ નહીં, બલ્કે હિંદુ અને બૌદ્ધ પરંપરામાં પણ એનો આવો જ મહિમા છે. સ્વસ્તિ એટલે જે કલ્યાણ કરે અને આશીર્વાદરૂપ હોય. વળી એની આકૃતિ પણ એવી સરળ કે સહુ કોઈને આલેખવી સહજ બને. જિનાલયમાં અષ્ટમંગલની પાટલી પર કે ઘરના દ્વારે રાખેલી અષ્ટમંગલની પટ્ટીઓ પર જ્યારે સ્વસ્તિક જુઓ ત્યારે એ વિચારજો કે દેવ,મનુષ્ય, તિર્યચ અને નારકી એ ચાર ગતિમાં ભમતા આ જીવને વિશુદ્ધિ પ્રાપ્ત થાય. દ્રવ્ય- પૂજામાં સ્વસ્તિક પર ચોખાનો સાથિયો કરીને ત્રણ ઢગલી કરવામાં આવે છે. આ ઢગલી તે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર. એના પરની અર્ધચંદ્રાકાર આકૃતિ તે સિદ્ધશિલા અને તેના પરની નાની રેખમાં સિદ્ધ ભગવંતો હોય છે. આમ સ્વસ્તિકનાં ચાર પાંખિયા એ ચાર ગતિની વાત કરે છે અને એમાંથી કઈ રીતે ત્રણ રત્નો વડે મોક્ષ ગતિ પ્રાપ્ત કરી સિદ્ધશિલા પર પહોંચી શકાય અને ત્યાં અનંતકાળ માટે વિશુધ્ધ આત્મસ્વરૂપે સ્થિર થઈ શકાય એનો સંકેત આપે છે. આમ સ્વસ્તિક એ ચાર ગતિના જીવોને એના ઊર્ધ્વ જીવનપથનું દર્શન કરાવે છે.
જ્યારે શ્રીવત્સ એટલે પુરુષની છાતીના મધ્યમભાગમાં, નાના ખાડા જેવા ભાગમાં જે વાળ ઉગે છે તે અંગને શ્રીવત્સ કહેવામાં આવે છે. જેમ સ્વસ્તિક ભગવાન સુપાર્શ્વનાથનું લાંછન છે, એ જ રીતે શ્રીવત્સ ભગવાન શીતલનાથનું લાંછન છે. તીર્થકરોની પ્રતિમામાં આ શ્રીવત્સ ચોક્કસ આકારે કલાત્મક રીતે ઉપસાવવામાં આવે છે. આ તીર્થકર ભગવાનની દેશના જેમાંથી પ્રગટ થઈ હતી એવું આ શ્રીવત્સ છે અને તેથી ભગવાનના હૃદયમાં રહેલા પરમ જ્ઞાનને વંદના કરવામાં આવે છે. એક અર્થમાં કહીએ તો સાધક પ્રભુને પ્રાર્થના કરે છે કે મારા આત્માની જ્ઞાનશક્તિ અને વીર્યશક્તિ આપના માર્ગે ચાલીને આપના જેવી બને એવી ભાવના સેવું છું.
નંદ્યાવર્તને 'સર્વતોભદ્ર' પણ કહેવામાં આવે છે. અરનાથ ભગવાનના લાંછન જેવા નંદ્યાવત એ સ્વસ્તિકનું વધુ વિકસિત અને કલાત્મક સ્વરૂપ છે. બૌદ્ધ અને જૈન પરંપરામાં આ પ્રચલિત છે અને તે સુખાકારી આપનારું છે. અહીં નંદી શબ્દનો અર્થ આનંદ છે અને આવર્ત શબ્દનો અર્થ પુન: અથવા ફરી ફરીને થવું તે છે અને એ રીતે નંદ્યાવર્ત એ સુખના આવર્તનરૂપ ગણાય છે. નંદ્યાવર્તને અક્ષયનિધિના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે.
જ્યારે ચોથું મગંલ વર્ધમાનક છે. વર્ધમાનક એટલે જે વૃદ્ધિ પામે તે. આ વર્ધમાનક તે નાના કે મોટા કોડિયા જેવું માટીનું વાસણ છે. જે સમયાંતરે ધાતુનું પણ થયું. આ વર્ધમાનકની આકૃતિ તંત્રસાધનામાં પણ ઉપયોગી ગણાય છે. જ્યારે પાંચમું મંગલ ભદ્રાસનમાં તીર્થકર પરમાત્મા સમવસરણમાં સિંહાસન પર બેસીને દેશના આપે છે. આ રીતે ભદ્રાસન એ ભદ્ર કરનારું મંગલ છે, કલ્યાણ કરનારું છે અને એ કલ્યાણ ત્યારે સધાય જ્યારે આસનની સ્થિરતા હોય. આમ આસનની સ્થિરતા દ્વારા ધ્યાનની સ્થિરતા સાધીને અંત શુક્લધ્યાન વડે જીવન કેવળજ્ઞાન પામે છે અને મોક્ષગતિ મેળવી શકે છે, તેવો આ પ્રતીકનો ભીતરનો ભાવ છે.
છઠ્ઠું મંગળ કળશ દ્વારા માનવદેહના કળશને આત્મજ્યોતિથી સભર કરવાની વાત છે, તો બીજી દૃષ્ટિએ કળશ એ વિશુધ્ધિ અને પૂર્ણતાનું પ્રતીક છે. તીર્થકર ભગવાનના જન્મ સમયે સ્નાત્ર મહોત્સવની ઉજવણી વખતે દેવો વિવિધ ધાતુના કળશ ભરીને ભગવાનને મેરુશિખર પર સ્નાન કરાવે છે. મંદિર પર કળશ ચડાવવામાં આવે તે કરેલા પુરુષાર્થ કે કાર્યની પૂર્ણાહુતિનું પ્રતીક છે. હસ્તપ્રતોમાં પણ લહિયાઓ હસ્તપ્રત લખાઈ જતાં કળશની આકૃતિ દોરતા હતા. બીજા અર્થમાં કહીએ તો જેમ પાણીનો આધાર કળશ છે, એ જ રીતે સર્વ પ્રાણીઓના જીવનનો આધાર પ્રભુ છે.
સાતમું મગલ છે મીનયુગલ. આમાં નર અને માદા તરીકે બે માછલી બતાવવમાં આવી છે. સામાન્ય અર્થમાં તે સુખનું પ્રતીક છે. હસ્તરેખા શાસ્ત્રમાં પણ મત્સ્યની આકૃતિ ધરાવનાર વ્યક્તિ ભાગ્યશાળી ગણાય છે. મત્સ્ય (માછલી)માં મત્સ્યગલાગલન્યાય પ્રવર્તતો હોય છે. મોટી માછલી નાની માછલીને મારી નાખતી હોય છે. ત્યારે અહીં દર્શાવવામાં આવ્યું છે કે સબળે નિર્બળની રક્ષા કરવી જોઈએ. પોતાની શક્તિથી નિર્બળોને પીડવા કે હણવા જોઈએ નહીં. આને સૂક્ષ્મ અર્થમાં જોઈએ તો જગતમાં પ્રવર્તતા મત્સ્યગલાગલન્યાયને જોઈને સાધકે વિચારવું જોઈએ કે મારે મારાથી જે નિર્બળ છે અને નિ:સહાય છે, એના તરફ ઉપેક્ષા કે ધિક્કારનો ભાવ છોડીને ઉદારતા કે અનુકંપા રાખવી જોઇએ. માણસ એ પ્રાણીજગતમાં સૌથી બળવાન છે, તેથી જ એણે પ્રાણીઓની હત્યા કરવાને બદલે એની રક્ષા કરવી જોઈએ. આમ વિચારીને જીવનમાં અહિંસા અપનાવી. અન્ય પ્રાણીઓને અભયદાન આપવું જોઈએ એનો સંકેત મત્સ્યયુગલમાં મળે છે.
આઠમું મંગલ છે દર્પણ. આજના માનવીના જીવન સાથે દર્પણ જોડાયેલું છે. પણ હકીકતમાં એ પોતાની જાતને દર્પણમાં જોઈને ભીતરમાં રહેલા પરમાત્માનો વિચાર કરતો હોય છે. અથવા તો પોતાના અંત:કરણમાં પ્રભુનું પ્રતિબિંબ ઝીલતો હોય છે. આત્મદર્શનની ઓળખ મેળવવા માટે માણસને જાગ્રત કરતું દર્પણ મંગલમય ગણાય છે. દર્પણમાં ભગવાનનાં દર્શન કરવાની પ્રથા પણ પ્રવર્તે છે. આ દર્પણ એવો પણ સંકેત કરે છે કે ભલે તું અત્યારે તારા નશ્વર બાહ્યરૂપને જો, પણ સાથોસાથ તેમાં ભીતર વસેલા આત્મતત્ત્વનું દર્શન કર. આમ રૂપને જોઈને અરૂપીને પામવાનો આમાં પ્રયાસ છે.
અષ્ટમંગલનાં આ આઠેય મંગલ એક અર્થમાં કહીએ તો સાધકને સંસારની ભંગુરતા આત્મસ્વરૂપની ઓળખ અને મોક્ષમાર્ગ પ્રત્યેની ગતિનો આધ્યાત્મિક સાધનાપથ છે.




