દેવર્ષિ નારદજીએ ભગવાન શ્રીરામજીને વર્ણવેલો નવરાત્ર વ્રત મહિમા

આપણા દરેક અવતારોએ શક્તિની ઉપાસના કરી છે. ભગવાન શ્રીરામજીએ, ભગવાન શ્રીકૃષ્ણએ પણ નવરાત્ર વ્રત અનુષ્ઠાન કર્યાં છે. શ્રીમદ્ દેવી ભાગવતના તૃતિય સ્કંધના છેલ્લા ત્રણ અધ્યાયો ૨૮, ૨૯ અને ૩૦ - આ અધ્યાયોમાં ભગવાન શ્રીરામજીનું ચરિત્ર વર્ણવ્યું છે. સીતા માતાજીનું રાવણે અપહરણ કર્યું તે સમયે સીતા માતાજીની શોધ કરતાં-કરતાં ભગવાન શ્રીરામજી ઋષિમુખ પર્વત ઉપર આવ્યા. સુગ્રીવ સાથે મિત્રતા કરી, વાલીનો વધ કરી સુગ્રીવને કિષ્કિન્ધાનું રાજ્ય આપ્યું. તે પછી ભગવાન શ્રીરામજી ચાતુર્માસ કરવા માટે પ્રવર્શન પર્વત ઉપર ગયાં. સીતા માતાજીના વિરહમાં ભગવાન શ્રી રામજી દુ:ખી હતાં તે સમયે દેવર્ષિ નારદજીનું આગમન થયું. દેવર્ષિ નારદજીએ ભગવાન શ્રીરામજીને કહ્યું કે, 'રાવણ ગમે તેટલો શક્તિશાળી હશે પણ વિજ્ય તમારો જ થશે પણ એના માટે તમારે નવરાત્ર વ્રત કરવું પડશે. ભગવતીની ઉપાસના કરવી પડશે.' તે સમયે ભગવાન શ્રીરામજીએ કહ્યું કે, 'મને ભગવતીનો મહિમા વર્ણવો. જેમની હું ઉપાસના કરવાનો છું તે માતાજીનું સ્વરૂપ કેવું છે.?'
નારજી બોલ્યાં - 'હે રામ ! સાંભળો, આ દેવી આદ્યશક્તિ છે. તે નિત્ય અને સનાતન છે. તેમની કૃપાથી બધી જ કામનાઓ પૂરી થાય છે. તેમની આરાધના કરવાથી તે દુ:ખોને સહજ રીતે દૂર કરે છે. હે રઘુનંદન ! બ્રહ્માદી સંપૂર્ણ જગતનાં તે આદિકારણ છે. તેમના એટલે કે, તે આદ્યશક્તિ વિના કોઈ કશી પણ ચેષ્ટા કરવા સમર્થ નથી. મારા પિતા બ્રહ્માજી સૃષ્ટિની રચના કરે છે, વિષ્ણુ પાલન કરે છે અને શંકર સંહાર કરે છે, તેમનામાં જે ઉત્પત્તિ, પાલન અને વિનાશની શક્તિ છે, તે જ આ દેવી આદ્યશક્તિ છે. ત્રિલોકમાં સત્-અસત્ જે કોઈ વસ્તુની સત્તા, તેની ઉત્પત્તિમાં આ દેવી સિવાય બીજું કોઈ કારણ નથી. જ્યારે કોઈની પણ સત્તા ન હતી ત્યારે પણ આ પ્રકૃતિશક્તિ દેવી પૂર્ણરૂપે બિરાજમાન હતાં.'
યુગના આરંભમાં તેમની શક્તિથી જ એક પુરુષ પ્રગટ થાય છે અને તેની સાથે તેઓ આનંદથી વિહાર કરે છે. ત્યારે આ શક્તિ નિર્ગુણ રૂપે ઓળખાય છે. ત્યારપછી તે દેવી સગુણસાકાર રૂપે પ્રગટ થઈને ત્રણ લોકને ઉત્પન્ન કરે છે. તેના દ્વારા સર્વ પ્રથમ બ્રહ્માજી વગેરે દેવતાઓનું સર્જન થાય છે અને તેમનામાં શક્તિરૂપે તે બિરાજમાન હોય છે. આ દેવી તત્ત્વનું જ્ઞાાન થતાં મનુષ્ય જન્મ-મરણરૂપી સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે. આ દેવી તત્ત્વનું જ્ઞાાન આવશ્યક છે. વેદ તો પછીથી પ્રગટયાં. અર્થાત્ વેદોની રચના આ દેવીએ જ કરી છે. બ્રહ્માદિ દેવતાઓએ ગુણ અને કર્મના ભેદથી આ દેવીના અનંત નામો વર્ણવ્યાં છે. 'અ' થી 'ક્ષ' સુધીના સ્વરો તથા વર્ણો(વ્યંજનો)ના સંકલનથી ભગવતીના અનેક નામો થાય છે. નારજી બોલ્યાં - હે રામ ! તમે માતા ભગવતી જગદમ્બાની આસો માસની નવરાત્રિ સુધી ઉપાસના-આરાધના કરો. તેમની વિધિ-વિધાનથી પૂજા-વિધિ કરો. નારદજીના કહેવાથી શ્રી રામજીએ વિધિપૂર્વક નવરાત્ર-વ્રત કર્યું. પવિત્ર કિષ્કિન્ધા પર્વત પર આ વ્રતનો આરંભ કર્યો. નવ દિવસ સુધી વિધિપૂર્વક આ શ્રેષ્ઠ વ્રત શ્રદ્ધા સાથે કર્યું. આઠમના દિવસે રાત્રિના સમયે દેવી ભગવતી સિંહ પર બેસીને પ્રગટ થયાં. માતાએ શ્રીરામ અને લક્ષ્મણને દર્શન આપ્યાં અને તેઓએ માતાજીના આશિર્વાદ પ્રાપ્ત કર્યાં. તો આવો, આપણે પણ માતા ભગવતીની ભક્તિ પૂર્વક પૂર્ણ શ્રદ્ધાથી આરાધના કરીએ અને તેમના આશિર્વાદ મેળવીએ અને આપણા જીવનને સફળ બનાવીએ એ જ અભ્યર્થના ભાવ સહ.. અસ્તુ.
- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી




