શુભતાનો સનાતન સંકેત ચાર દિશા, એક કેન્દ્ર જીવનને સંતુલન આપતું પ્રતીક - સ્વસ્તિક

વ્યવસાયમાં વૃદ્ધિ, ઘરમાં સુખ અને મનની શાંતિ માટે સ્વસ્તિકના અનેક ઉપાયો કહેવાયા છે.
હિન્દુ ધર્મમાં કોઈપણ શુભ કાર્યની શરૂઆત સ્વસ્તિકથી થાય છે. 'સુ' એટલે સારું અને 'અસ્તિ' એટલે હોવું. એટલે સ્વસ્તિકનો અર્થ જ છે ''શુભ હો''. તે માત્ર ચિહ્ન નથી, તે આપણી સંસ્કૃતિની ભાવના છે.
સ્વસ્તિકની ચાર સમાન ભુજા ઓ અનેક રહસ્યો છુપાવે છે. કેટલાક તેને ચાર દિશા-પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ માને છે. કેટલાક તેને ચાર વેદ-ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ સાથે જોડે છે. તે ચાર પુરુષાર્થ-ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને ચારઆશ્રમનું પણ પ્રતીક છે. કેન્દ્રનો બિંદુ બ્રહ્માંડના સર્જનનું કેન્દ્ર દર્શાવે છે. ભુજાઓની ઘડિયાળની દિશામાં ગતિ સૂર્યની ગતિ અને જીવનની સકારાત્મક પ્રગતિનું પ્રતીક છે. આથી જ વર્તુળ સાથેનું સ્વસ્તિક સૂર્યદેવનું સ્વરૂપ પણ ગણાય છે.
સ્વસ્તિકનું મહત્ત્વ માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં. બૌદ્ધ ધર્મમાં તે ભગવાન બુદ્ધના પદચિહ્ન અને કરુણાનું પ્રતીક છે. જૈન ધર્મમાં તે સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથનું ચિંહ્ન અને અષ્ટમંગળમાંનું એક છે. હડપ્પા સંસ્કૃતિથી લઈને પ્રાચીન ગ્રીસ, યુક્રેન અને પર્શિયા સુધી સ્વસ્તિક મળી આવે છે. તે વિશ્વભરમાં શાંતિ અને સદભાગ્યનું પ્રતીક રહ્યું છે.
પરંતુ વીસમી સદીમાં નાઝીઓએ તેનો દુરુપયોગ કર્યો. જે ચિહ્ન હજારો વર્ષથી શુભતાનું પ્રતીક હતું. તે થોડા સમય માટે યુદ્ધ સાથે જોડાઈ ગયું. છતાં તેનું મૂળ સ્વરૂપ આજે પણ પવિત્ર છે. વાસ્તુમાં સ્વસ્તિકને ખૂબ મહત્ત્વ છે. દરવાજે લાલ કુમકુમનું સ્વસ્તિક નકારાત્મકતા દૂર કરે છે. હળદરનું પીળું સ્વસ્તિક શાંતિ આપે છે. વ્યવસાયમાં વૃદ્ધિ, ઘરમાં સુખ અને મનની શાંતિ માટે સ્વસ્તિકના અનેક ઉપાયો કહેવાયા છે. લાલ રંગ શક્તિ અને મંગળનું પ્રતીક હોવાથી સ્વસ્તિક લાલ રંગથી જ દોરવામાં આવે છે.
સ્વસ્તિક આપણને એક જ વાત શીખવે છે - ચારે તરફ જાવ, પણ કેન્દ્રમાં સ્થિર રહો. જીવનમાં શુભતા રાખો, તો સફળતા આપોઆપ આવશે.
- યશપાલસિંહ ટી. વાઘેલા









