Dharmlok

''ગોવર્ધન લીલા અને છપ્પન ભોગનો દિવ્ય મહિમા''

By GS Team
4 Nov 20263 mins read
''ગોવર્ધન લીલા અને છપ્પન ભોગનો દિવ્ય મહિમા''
  • હે કનૈયા! આપની આંગળીએ આખો ગિરિરાજ સમાયો
  • ભગવાન શ્રીકૃષ્ણને આસો વદ અમાસ એટલે કે દિવાળીના બીજે દિવસે નૂતન વર્ષના પ્રારંભે અન્નકૂટના શુભ દિવસે 'છપ્પન ભોગ' ધરાવવાનો આ સુંદર મહોત્સવ શ્રીગિરિરાજની પૌરાણિક કથા સાથે જોડાયેલો છે.

ભારત દેશમાં દ્વાપર યુગમાં ઉત્તર પ્રદેશની પવિત્ર તથા ભવ્ય ભૂમિ મથુરા નગરીમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણે અવતાર ધારણ કર્યોહતો. શ્રીકૃષ્ણની દિવ્ય તથા અલૌકિક લીલાઓથી સમગ્ર વ્રજભૂમિ ધન્ય બની છે. મથુરા, ગોકુળ, વૃંદાવન, ગોવર્ધન, બરસાના, નંદગ્રામ અને કુસુમ સરોવર જેવા મનોહર સ્થાનોથી વિભૂષિત આ ભૂમિ ખરેખર વંદનીય તથા પ્રસંશનીય ભૂમિ છે. પવિત્ર યમુના (કાલિંદી) નદી અને ગોવર્ધન પર્વત જેવા પ્રાકૃતિક સૌંદર્યથી શોભતી આ વ્રજભૂમિ પૃથ્વી પર વૈકુંઠ સમું તીર્થધામ છે. આ પુનિત ક્ષેત્રમાં કલકલ વહેતી કાલિંદી તથા ગિરિરાજ ગોવર્ધનની વનરાજી ભૂમિ આકર્ષણનું અને દિવ્યાનુભૂતિનું પ્રવેશદ્વાર છે, ભક્તિરસનું કેન્દ્ર છે. વ્રજભૂમિ વહાલા કનૈયાની સ્મૃતિઓથી ઝગમગે છે. કાનુડાની દિવ્ય સ્મૃતિઓ આ ધરતી પર મઘમઘે છે. ભગવાન શ્રીકૃષ્ણની આ લીલા ભૂમિ સૌંદર્યનું, આસ્થાનું અને આધ્યાત્મિકતાનું હૃદયસ્પર્શી તીર્થધામ છે.
કૃષ્ણભક્તિના અખંડ રસથી તરબતર વ્રજની પાવન ધરા પર ગિરિરાજ ગોવર્ધન પ્રકૃતિનું અણમોલ ઘરેણું છે. પરમ પૂજનીય તથા મંગલકારક ગિરિરાજ પર્વતની રજે રજમાં કનૈયાના બંસરીના સંગીતમય દિવ્ય સૂર આજે પણ અવિરતપણે ગુંજી રહ્યાં છે. આ અનાહત નાદ એ કોઈ ભૌતિક ધ્વનિ નથી, પરંતુ એક દિવ્ય સ્પંદન છે. જે માનવ પરમાત્માના અનન્ય પ્રેમમાં નિમગ્ન છે, તે પુણ્યશાળી સાધક આ અલૌકિક સૂરને પોતાના હૃદયમાં અનભવવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે.
દ્વાપર યુગમાં વ્રજવાસીઓ દેવોના રાજા ઈન્દ્રની પૂજા, પ્રાર્થના તથા અર્ચના કરતા હતા. વ્રજભૂમિ પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના આગમનથી વ્રજભૂમિમાં નૂતન ઉર્જા તથા દિવ્ય ચેતનાનો સંચાર થયો. ભગવાને વ્રજવાસીઓને સમજાવ્યા કે : ''આપણું સાચું પાલનપોષણ કરનાર, વિવિધ ઔષધિઓ આપનાર, લીલુછમ ઘાસ આપનાર શ્રીગિરિરાજ ગોવર્ધન પર્વત છે. માટે ગોવર્ધન પર્વત કે જે પ્રકૃતિનું જીવંત પ્રતીક છે તેની પૂજા કરવી જોઈએ.'' પરમાત્માના આ અર્થસભર ઉપદેશને શિરોમાન્ય રાખી પ્રજાજનો દેવરાજ ઈન્દ્રને બદલે ગિરિરાજ ગોવર્ધન પર્વતની પ્રાર્થના તથા પૂજા કરવાનું શરૂ કર્યું. તેથી દેવરાજ ઈન્દ્રને આ ગમ્યું નહીં. અહંકારમાં અંધ બનેલા ઈન્દ્રદેવને પ્રકૃતિસન્માનનો આદરભાવ ગમ્યો નહિ તેથી તેમણે વ્રજભૂમિ પર મૂશળધાર વરસાદ વરસાવવાનું શરૂ કર્યું. પ્રલયકારી વરસાદથી વ્રજવાસીઓ ભયભીત બનીને શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી. ભગવાન શ્રીકૃષ્ણ વ્રજના લોકોની દ્રઢ શ્રદ્ધાથી પ્રભાવિત થઈ, ભક્તોની આર્તવાણી સાંભળીને તેમના રક્ષણ માટે કરુણાસાગર પ્રભુ શ્રીકૃષ્ણે માત્ર એક ટચલી આંગળી પર વિશાળ ગોવર્ધન પર્વતને છત્રની જેમ ધારણ કરી લીધો. સાત દિવસ અને સાત રાત્રિ સુધી આ સંકટ સમયે વ્રજવાસીઓનું રક્ષણ કર્યું. તથા ગોપ-ગોવાળોએ કૃષ્ણપ્રેમમાં મગ્ન બની પોતાની લાડકીઓનો ટેકો આપ્યો. આ દિવ્ય લીલાપ્રસંગ માનવજાતને સંદેશ આપે છે કે ગમે તેવડી મોટી સમરસ્યા કે આપત્તિ સર્જાય પણ જો પરસ્પર એકતા, સંપ, સહકાર અને સહાનુભૂતિથી કાર્ય કરવામાં આવે તો મહાન સંકટ આવે તો તેને પાર કરી શકાય છે. માનવ સંપ અને સહકારથી જીવન જીવે તો કઠિન કાર્ય પણ સુગમ બની જાય છે. કહ્યું છે કે, ''ઝાઝા હાથ રળિયામણા'' અને ''સંપ ત્યાં જંપ''. આ પ્રકારની સકારાત્મક શીખ દિવ્ય-લીલાનો પ્રસંગ આપે છે. પ્રકૃતિ-પૂજા તથા પર્યાવરણના સંરક્ષણનો સુંદર બોધ આ પ્રસંગ નિરૂપે છે. જ્યારે ઈન્દ્રદેવનો અહંકાર ઓગળ્યો અને વરસાદ બંધ થયો, ત્યારે વ્રજવાસીઓ ભયમુક્ત થયા. વ્રજવાસીઓએ ભગવાન પ્રત્યે કૃતજ્ઞાતા કે આભાર વ્યક્ત કરવા માટે પર્વત સમાન વિવિધ ચોસઠ પ્રકારની વાનગીઓનો ઢગલો કરીને ભોગ ધરાવેલો હતો, ત્યારથી આ અન્નકૂટ મહોત્સવનો પ્રારંભ થયો હતો. જે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવ તરીકે અમર થઈ ગયો, મથુરા-વૃંદાવન, શ્રીનાથજી (રાજસ્થાન) ગુજરાતના સ્વામિનારાયણ મંદિરો, કાશી વિશ્વનાથ મંદિર (વારાણસી), જગન્નાથપુરી (ઓડિશા) અને દક્ષિણ ભારત, ગુજરાતના વૈષ્ણવ સંપ્રદાયમાં, અયોધ્યા તથા ભારતભરમાં અન્ય સ્થળોએ આ મહોત્સવ ભાવપૂર્ણ રીતે છપ્પન ભોગ ભગવાનને ધરીને ભક્તિભાવથી ઉજવવામાં આ છે. વિશિષ્ટ શણગારનું પણ અયોજન થાય છે. આ મહોત્સવ માનવજાતને પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞાતા, અહંકારનો નાશ અને પરમાત્મા પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા તથા શરણાગતિનો સંદેશ આપે છે.
દિનેશ એલ. જોષીપુરા