ગુરુદેવના નિર્ણયથી શિષ્યોને આશ્ચર્ય થયું !

- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
ગુરુદેવ નાનકની પ્રવચનયાત્રા ચાલી રહી હતી. ગુરુ શિષ્યની મંડળી સાથે એક ગામથી બીજે ગામ ફરીને લોકોને ઉપદેશ આપી રહ્યા હતા. એક ગામમાં થોડા દિવસ માટે ગુરુ પધાર્યા, એ સમાચાર મળતાં લોકોએ અતિઉત્સાહભેર સ્વાગત કર્યું અને બધાએ ભાવપૂર્વક ગુરુજીની વાણીમાંથી સ્ફૂર થયેલા સદ્બોધન સ્પંદનો ઝીલ્યાં. જ્યારે વિદાય વેળા આવી ત્યારે ગામલોકો બહુ જ ભાવુક થયા. ગુરુને વધુ રોકાવાનો આગ્રહ કર્યો. ગુરુજી કહે, 'મારે આગળના ગામમાં જવાનું છે, ફરી ક્યારેક જરૂરથી આવીશ.' અને વિદાય થયા.
બીજે દિવસે ગુરુજી બાજુના ગામમાં પધાર્યા. લોકોનો પ્રતિસાદ પાતળો હતો એટલે શિષ્યોને લાગ્યું કે, 'કાલે અહીંથી નીકળી જઈશું.' પણ એવું બન્યું નહીં. પાછળના ગામ કરતાં ગુરુજીએ અહીં બે દિવસ વધુ રોકાવાનો નિર્ણય કર્યો હતો. આગળના ગામના લોકોને વિદાય વેળાએ ગુરુએ તે લોકોને આશીર્વાદ આપતાં કહ્યું કે, 'ઉજડ જાઓ' અને પછીના ગામના લોકોને વિદાય વેળા આશીર્વાદ આપતાં કહ્યું કે, 'આબાદ રહો' આ કારણે શિષ્યોને આશ્ચર્ય થયું અનેપૂછયું કે, ગુરુજી પ્રથમ ગામવાળા લોકોએ તમને આટલું માન-સન્માન આપ્યું. તેમનો શિષ્ટાચાર અને ગુરુભક્તિ અપૂર્વ હતાં, છતાં આપે એમને 'ઉજડ જાઓ' એવા શબ્દો આશીર્વાદમાં કેમ કહ્યા ? ગુરુજી, શું એ શબ્દો આશીર્વાદ માટે વપરાય કે અભિશાપ માટે ? તે અમને સમજાતું નથી. વળી છેલ્લે જે ગામમાં ગયા ત્યાં આપનું સન્માન તો ન થયું અને અપમાનના શબ્દો પણ સાંભળવા મળ્યા. છતાં આપે ગામલોકોને વિદાય વેળાએ 'આબાદ રહો'ના ઉત્કૃષ્ટ આશીર્વાદ આપ્યા. વળી આગળના ગામવાળાએ આપને રોકાવા આગ્રહભરી વિનંતી કરી તેનો આપે સ્વીકાર ન કર્યો, જ્યારે પછીથી જે ગામ ગયા તે ગામવાળાએ આપને રોકાવાનો આગ્રહ કર્યો ન હતો છતાં આપ એ ગામમાં વધુ બે દિવસ રોકાવાનો નિર્ણય કર્યો. આપનો આ પ્રકારનો નિર્ણય અમારી સમજમાં આવતો નથી.'
ગુરુ નાનકજીએ શિષ્યો સામે મર્માળુ સ્મિત કરીને કહ્યું કે, 'તમે સૌ જાણો છો કે, આગળ આપણે જે ગામમાં ગયા તે ગામના માણસો સજ્જન, સદાચારી અને પરોપકારી હતા. આવા માણસો એક જ ગામ રહે તેના કરતાં તે અલગ અલગ જગો પ્રસરી જાય તો જ્યાં જશે ત્યાંના લોકોની તે સેવા તો કરશે જ પણ સાથે સાથે તેમનામાં રહેલા ગુણોથી આકર્ષાઈ તે લોકોમાં પણ એવા જ ગુણોનું પ્રાગટય થશે. આવા સજ્જન લોકો જ્યાં જાય ત્યાં સદાચાર અને પરોપકારની સુરભિ ફેલાવતા જ રહે છે, માટે એ પ્રસરી જાય. છેલ્લે આપણે જે ગામમાં ગયા ત્યાંના લોકો દુરાચારી અને અસભ્ય હતા. ત્યાંથી આપણને માન-સન્માન ન મળ્યાં પણ આપણા અંતરપટ માન-અપમાનથી પર હોવા જોઇએ. સંતોનું પરિભ્રમણ માન મેળવવા માટે નથી હોતું, લોકોને સદાચાર અને ધર્મમાર્ગે વાળવા માટે હોય છે. પહેલા ગામ કરતાં અહીં વધુ રોકાવાની એટલે જરૂર હતી કે, પહેલા ગામના લોકો ઋજુ હતા. બીજા ગામના રૂક્ષ હતા. સંતોના જીવનમાં નિજી માન કે સગવડ કરતાં પરહિત ચિંતા મૈત્રીનો ભાવ હોવો જરૂરી છે માટે બે દિવસ વધુ રોકાયા. આ લોકોને 'આબાદ રહો'ના આશીર્વચન એટલે કહ્યા કે, તેમના ખરાબ સ્વભાવ અને અસદ્આચરણ લઇને એ અન્ય સ્થળે જાય તો તે ત્યાં પણ ઝઘડા-ટંટા અને દુરાચાર પ્રસરાવશે. આમ સમાજમાં દુર્ગુણ અને દુરાચાર ગુણક ગતિએ વધુ. તે ત્યાં રહે, તે બધા માટે સારું છે.' ગુરુજીના જવાબથી શિષ્યોને પરમ સંતોષ થયો સંતો અને સજ્જનો જ્યાં જાય ત્યાં પ્રેમ, કરુણા અને વાત્સલ્યની સુરભિ પ્રસરાવે. અંગૂલિમાલે એક હજાર લોકોની હત્યા કરી તેની આંગળીઓની માળા પહેરવાનો સંકલ્પ કરેલો. ૯૯૯ હત્યા થઇ ચૂકી હતી. આજુબાજુના તમામ વિસ્તારના લોકો ડરતા હતા, પરંતુ મહાત્મા બુદ્ધ અંગૂલિમાલ પાસે ગયા. અંગૂલિમાલે ત્રાડ પાડી 'રૂક જાવલ્લ. બુદ્ધ કહે, 'મેં તો રૂક ગયા, અંગૂલિમાલ તુમ કબ રૂકોગે?' અંગુલિમાલ બુદ્ધના અદમ્ય સાહસથી દંગ રહી ગયો. તથાગત બુદ્ધ કહે છે કે, 'હે અંગૂલિમાન, તું શક્તિશાળી હો તો સામેના વૃક્ષમાંથી પાંચ પર્ણો-પાન તોડીને લઇ આવ.' અંગૂલિમાન તુર્ત પર્ણ તોડીને લઇ આવે છે. બુદ્ધ કહે, 'હવે ખરેકર જો તારામાં સાચું શૌર્ય હોય તો એ પર્ણો-પાનને પાછાં તે જ વૃક્ષમાં જેમ હતાં તેમ જોડી દે.' અંગૂલિમાન કહે, 'અસંભવ… અસંભવ.' બુદ્ધ કહે, 'જેને તું જોડી શક્તો નથી તેને તોડવાનો તારો લેશમાત્ર પણ અધિકાર નથી.' બુદ્ધની દિવ્ય આભાથી અંગૂલિમાલના ભીતરનો અજ્ઞાનનો અંધકાર દૂર થતાં તલવાર ફેંકી બુદ્ધનું શરણું અંગીકાર કરે છે.
આમ સંતો વિચરણ કરીન સુરભિ ફેલાવે છે. મહાવીરને ચંડકૌશિક સર્પ ડંખ દે છે. જેના મુખારવિંદ પર પ્રશમ ભાવો અહર્નિશ છલકે એવા વીરનાં વચનો સાંભળી ચંડકૌશિક સર્પનું હૃદયપરિવર્તન થાય છે. એટલે જ કવિએ કહ્યું છે કે, 'હણો મા પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી.'
અહીં પાપીને નહીં પણ પાપને ધિક્કારવાની વાત અભિપ્રેત છે.




