Dharmlok
સંત કબીરની ગુરૂ પ્રાપ્તિની અદ્ભુત ઘટના
By GS Team
23 Jul 20263 mins read

વિચાર-વીથિકા-દેવેશ મહેતા
'ગુરૂ પારસ કો અન્તરો,
જાનત હૈ સબ સંત ।
વહ લોહા કંચન કરે,
યે કરિ લિયે મહન્ત ।।
'ગુરૂ અને પારસમણિમાં ફરક છે તે બધા સંતો જાણે છે. પારસમણિ તો લોખંડને સોનું જ બનાવે છે પરંતુ ગુરૂ શિષ્યને પોતાના જેવો મહાન બનાવી દે છે.'
- 'જ્ઞાાન સમાગમ પ્રેમ સુખ, દયા ભક્તિ વિશ્વાસ ।
ગુરૂ સેવા તે પાઈએ, સદ્ગુરૂ ચરણ નિવાસ ।।
જ્ઞાાન, સંત-સમાગમ, નિર્વ્યાજ પ્રેમ, આંતર-સુખ, દયા, ભક્તિ, વિશ્વાસ, સત્ય સ્વરૂપ અને સદ્ગુરુના શરણમાં નિવાસ આ બધું ગુરુની સેવાથી પ્રાપ્ત થાય છે.' - 'તબ હી ગુરૂ પ્રિય બનૈ કહી, શીષ બઢી ચિત પ્રીત ।
તે કહીયે ગુરૂ સન્મુખા, કબહૂં ન દીજૈ પીઠ ।।
શિષ્યના મનમાં વધેલો પ્રેમ જોઈને જ ગુરૂ મોક્ષદાયક ઉપદેશ આપે છે. એટલે ગુરૂની સન્મુખ રહો, ક્યારેય એમનાથી વિમુખ ન થશો.' - સંત કબીર
કબીરદાસ (કબીર) પંદરમી સદીના ભારતના રહસ્યવાદી કવિ અને સંત હતા. કબીર સાગર પ્રમાણે એમનું પ્રાગટય ઇ.સ. ૧૩૯૮ (સંવત ૧૪૫૫) માં જેઠ સુદ પૂનમના રોજ બ્રહ્મ મુહૂર્તના સમયે કાશીના લહરતારા તળાવમાં કમળ પુષ્પ પર થયું હતું. કાશીના એક મુસલમાન વણકર નીરુ અને તેમની પત્ની નીમાએ એ બાળકને જોયું એટલે તેને પોતાની પાસે રાખી લીધું હતું અને તેનું નામ કબીર રાખ્યું હતું.
કબીર મુસલમાન વણકરને ત્યાં ઉછર્યા છતાં તેમને હિંદુ ધર્મ માટે બહુ લગાવ હતો. તે હિંદુ સાધુ-સંતોને મળતા તેમ મુસ્લિમ ફકીરોને પણ મળતા. એ સમયે તેમણે સ્વામી રામાનંદની ખ્યાતિ સાંભળી અને તેમને ગુરૂ કરવાની ઇચ્છા થઈ. પણ સ્વામી રામાનંદ વૈષ્ણવ સંત હતા અને પોતે મુસલમાન વણકર. એમના મનમાં આશંકા ઉત્પન્ન થઈ કે આના લીધે કદાચ તે એમને શિષ્ય ન બનાવે અને ગુરૂ મંત્ર ન આપે તો કબીરને કોઈ પણ પ્રકારે એમની દીક્ષા લઈ ગુરૂમંત્ર જોઈતો જ હતો. એટલે તેમણે એક અદ્ભુત યુક્તિ કરી.
સ્વામી રામાનંદજીનો એક નિત્ય નિયમ હતો કે વહેલી સવારે સૂર્યોદય થાય તે પહેલાં ગંગાસ્નાન કરી લેવું. કબીરે આ વાત જાણી લીધી. એટલે તે એક દિવસે બ્રહ્મમુહૂર્તમાં પરોઢ થાય તે પહેલાં ગંગાના ઘાટ પર પહોંચી ગયા અને સ્વામી રામાનંદજી જે જગ્યાએથી પગથિયાં ઉતરી ગંગા સ્નાન કરવા જતા હતા ત્યાં ટૂંટિયું વાળીને સૂઈ ગયા હતા. થોડીવાર પછી રામાનંદજી પધાર્યા અને પગથિયાં ઉતરવા જતાં એમનો પગ કબીરના શરીર પર પડયો આનાથી કબીર ધન્યતા અનુભવવા લાગ્યા. તે ઊભા થયા એટલે રામાનંદજીએ તેમના માથા પર હાથ મૂકીને કહ્યું - 'વત્સ, રામનું નામ સતત જપતો રહે. રામ, રામ નિત્ય રટજે.' કબીર બોલી ઉઠયા - આપની કૃપાથી ધન્ય થયો. તમે આજ્ઞાા કરી તેમ કરતો રહીશ. પછી એમના ચરણસ્પર્શ કરી ચાલ્યા ગયા.
બીજે જ દિવસે કબીરજીએ પોતાને રામાનંદજીના શિષ્ય જાહેર કરી દીધા. તે બધાને કહેવા લાગ્યા - હું સ્વામી રામાનંદજીનો શિષ્ય છું. તેમણે મને દીક્ષા આપી છે અને ગુરૂમંત્ર પણ આપ્યો છે. બધાને નવાઈ લાગી. તેમણે સ્વામીને આ અંગે પૂછયું તો તેમણે જણાવ્યું - ના, મેં કોઈ કબીરને દીક્ષા આપી નથી. તેમણે કબીરને પોતાના આશ્રમમાં બોલાવ્યા અને આવું જૂઠું કેમ બોલે છે એ વિશે પૂછયું તો કબીરજી બોલી ઉઠયા - જબ હમ પોઢે થે ગંગા કે તીરા, ઠોકર લાગી હમારે શરીરા । તબ તુમ રામમંત્ર હમ દિન્હા । ગુરૂને પેલી ઘટના યાદ આવી ગઈ. કબીરજીએ કહ્યું - તમે મારા માથે હાથ મૂક્યો એટલે હું તમારાથી દીક્ષિત થયો કે નહીં ? તમે રામનું નામ નિત્ય જપવાનું કહ્યું એટલે ગુરૂમંત્ર આપ્યો જ ગણાય ને ?
સ્વામી રામાનંદજી કબીરની યુક્તિથી ખુશ થઈ ગયા. એમની ગુરૂભક્તિથી પ્રસન્ન થઈ એમણે કહ્યું - ગઈ કાલે તો અજાણતાં જ માથે હાથ મૂકી રામનું નામ જપવાનું કહ્યું હતું પણ આજે તો જાણી સમજીને તમારા માથે હાથ મૂકું છું અને તમને દીક્ષા આપી મારા શિષ્ય બનાવું છું. ગુરૂ મંત્ર તરીકે રામનું નામ આપું છું. આ રીતે કબીરજી સંત રામાનંદજીના શિષ્ય બન્યા હતા. કબીરજી હિન્દી સાહિત્યના ભક્તિકાળની નિર્ગુણ શાખાની જ્ઞાાનમાર્ગી ઉપશાખાના મહાન કવિ અને સંત હતા.









