Dharmlok

પ્રભુ પ્રાપ્તિની પ્રબળ ઇચ્છા

By GS Team
30 Sep 20262 mins read
પ્રભુ પ્રાપ્તિની પ્રબળ ઇચ્છા
  • યુવાને સંતને કહ્યું : 'ગુરુદેવ! આપ મને મારવા તો ન જ ઈચ્છો, તો આવું કેમ કર્યું?' સંતે પ્રશ્ન કર્યો: 'જ્યારે તારું ગળું મેં પાણીમાં ડૂબાડયું ત્યારે સૌથી વધારે તને શેની જરૂર હતી?'

પ્રભુ મેળવવાની આપણે વાતો તો કરીએ છીએ, પણ ખરેખર પ્રભુને મેળવવા માટે આપણી ભીતર તલસાટ છે… ? નાનકડા ઉદાહરણ દ્વારા આ તલસાટને સમજવાનો પ્રયાસ કરીએ.
એક સંત. ખૂબ વિદ્વાન. લોકો તેઓની પાસે પોત-પોતાની પરેશાની લઈને આવે. જેની જે પણ સમસ્યા હોય, સંત તેનું સુચારુ સમાધાન આપે.
એક દિવસ એક ભક્ત સંતની પાસે આવ્યો. તેણે કહ્યું : 'ગુરુદેવ ! વર્ષોથી હું પ્રભુભક્તિ તો કરું છું, આટ-આટલી પ્રભુભક્તિ કર્યા પછી હજી સુધી પ્રભુનું મિલન થતું નથી. આપ ઉપાય બતાવો, પ્રભુને મેળવવા મારે શું કરવું જોઈએ?'
સંતે યુવાનને કહ્યું : 'ચાલ, આપણે નદીકિનારે જઈએ. ત્યાં તને પ્રભુપ્રાપ્તિનો ઉપાય બતાવીશ.'
સંતની પાછળ પાછળ યુવાન પણ નદી કિનારે ગયો. સંત યુવકને લઈને નદીની અંદર ગયા. બંને નદીમાં એટલા અંદર ગયા કે હવે માત્ર માથું જ બહાર હતું. બાકી આખું શરીર અંદર હતું. સંતે યુવાનને આંખ બંધ કરવા માટે કહ્યું. જેવી યુવાને આંખ બંધ કરી કે તરત જ સંતે તેનું ગળું પકડીને નદીમાં ડૂબાડી દીધું. અચાનક આવું થવાથી યુવાન હેબતાઈ ગયો. પાંચ-દસ સેકન્ડ પછી શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. એટલે પોતાનું મસ્તક પાણીમાંથી બહાર કાઢવા તે મહેનત કરવા લાગ્યો, પણ સંતે તો ગળું મજબૂત રીતે પકડી રાખ્યું હતું કે તે બહાર કાઢી જ ના શકે. સમય વધતા તે તરફડવા લાગ્યો. હવે ન રહેવાતા તેણે વધુ મહેનત કરીને પણ પોતાનું ગળું બહાર કાઢયું. જેવું ગળું બહાર નીકળ્યું. ત્યારે તેને શાંતિની અનુભૂતિ થઈ.
યુવાને સંતને કહ્યું : 'ગુરુદેવ ! આપ મને મારવા તો ન જ ઈચ્છો, તો પછી આવું કેમ કર્યું?'
સંતે સરસ ઉત્તર આપતા પ્રશ્ન કર્યો: 'જ્યારે તારું ગળું મેં પાણીમાં ડૂબાડયું ત્યારે સૌથી વધારે તને શેની જરૂર હતી?'
'શ્વાસ લેવાની.'
'બસ, મારે આ જ કહેવું હતું કે શ્વાસ લેવા માટેની ખૂબ ઇચ્છા થઈ, તે માટે તું તરફડવા લાગ્યો. તેવી જ રીતે આટલા વર્ષો સુધી તેં પ્રભુની પૂજા-ભક્તિ વિગેરે ખૂબ કર્યું પણ પ્રભુ મેળવવાની આટલી પ્રબળ ઇચ્છા ક્યારેય થઈ ખરી ? પ્રભુ મેળવવા માટે ક્યારેય તું તરફડયો છે ખરો ? જો આવો તરફડાટ જાગશે, આવી પ્રબળ ઇચ્છા થશે, ત્યારે પ્રભુ તને અવશ્ય મળી જશે!'
સદ્દગુરુના પ્રેક્ટિકલ ઉત્તરથી યુવાનને ખૂબ સંતોષ થયો.

  • રાજ સંઘવી