"વેદ"ની વાણી .
- આ જન્મમાં જે જેવું કર્મ કરે છે તે પ્રમાણે આત્માના નવા જન્મની વ્યવસ્થા પણ થઈ જાય છે.
સામવેદ-૩૦૦ મા કહેવામાં આવ્યું છે -
કદાચન સ્તરીરસિ નેન્દ્ર સશ્ચિસિ દાશુષે।
ઉપોપેન્નુ મઘવન ભૂય ઈન્નુ તે દાનં દેવસ્ય પુચ્યતે ।।
પ રમેશ્વર ક્યારેય કોઈના કર્મને નિષ્ફળ કરતા નથી. અને કોઈ નિર્દોષને દંડ દેતા નથી. આ જન્મમાં અને પૂર્વજન્મમાં પ્રત્યેક માનવીને માટે કર્મફળની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. સંસારમાં બધા પ્રકારના કામકાજ ઈશ્વરીય સત્તા વડે જ નિયંત્રિત છે. માનવીના જીવનમાં જન્મથી લઈ મૃત્યુ સુધીના બધા ઘટનાચક્રો તેનાં પોતાના કર્મોના ફળસ્વરૂપે જ ન્યાયકારી ઈશ્વર વડે સંચાલિત છે.
પૂર્વ જન્મના કર્મો અનુસાર જ એ નક્કી થઈ જાય છે કે અમૂક આત્માને કયા દેશમાં, કયા કુટુંબમાં, કયા સ્તરનું અને કેટલું જીવન જીવવાનું છે. એક સમયે જન્મ લેનારા બે બાળકોમાં એક કોઈ રાજાને ત્યાં જન્મે છે અને બીજો ગંદી ઝૂંપડીમાં, એક જન્મજાત બુદ્ધિશાળી હોય છે ને બીજો મંદબુદ્ધિ, એક બળવાન હોય અને બીજો હંમેશા રોગી, એક દીર્ઘાયુ હોય છે અને બીજો અલ્પાયુ, એવું નથી કે ઈશ્વરે પક્ષપાત કરીને કોઈના જીવનમાં સુખસુવિધાઓ ભરી દીધી છે અને કોઈ નિર્દોષને અકારણ જ દુ:ખ દારિદ્રયની આગમાં નાખી દીધો છે. આ બધું કર્મફળના સિદ્ધાંત પ્રમાણે જ બને છે.
આ જન્મમાં જે જેવું કર્મ કરે છે તે પ્રમાણે આત્માના નવા જન્મની વ્યવસ્થા પણ થઈ જાય છે. આત્માને આ જીવન મરણના ચક્રમાંથી મૂક્તિ મળે છે અથવા ફરીથી ચોર્યાસી લાખ યોનિઓના ચક્રમાં ભટકવું પડે છે. તેનો આવતો જન્મ ફરીથી મનુષ્ય યોનિમાં જ થવાનો છે એવું ન કહી શકાય. કૂતરા, બિલાડા, સુવર, સાપ કે ઘૂવડના રૂપમાં પણ જન્મ મળી શકે. આ જન્મમાં જેવા કર્મ કર્યા હોય છે તેના અનુસાર આવતા જન્મમાં તેને સુખસુવિધા મળે છે. તથા દુ:ખ અને મુશ્કેલીઓના રૂપમાં પ્રાયશ્ચિત કરવાનો અવસર પણ મળે છે. આજકાલ સમાજની સ્થિતિ વિચિત્ર થઈ ગઈ છે. લોકો ન તો ઈશ્વરની ઉપર વિશ્વાસ રાખે છે કે ન તો તેમના કર્મફળની વ્યવસ્થા ઉપર શ્રદ્ધા ધરાવે છે. ફળ સ્વરૂપે તેઓ ઉચ્છંખલ અને સ્વેચ્છાચારી થઈ રહ્યા છે. દંડનો જ્યારે ભય જ ન હોય, આવતા જન્મમાં શું થશે તેની ચિંતા ન હોય તો પછી તેને રોકનારું કોણ ? વિવેકબુદ્ધિ પણ શા માટે સાથ આપે ? જે સારું લાગ્યું, જ્યાં કોઈ લાભ દેખાયો, જ્યાં મઝા આવી તે બાજુ આગળ વધવા લાગ્યા. પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે કોઈનું અહિત કરવું પડે તો પણ કોઈ ભય કે સંકોચ નથી થતો, કે લાજશરમ નથી આવતી. આ બધું તો પશુઓ પણ કરે છે. ભોજન અને પ્રજનન સિવાય બીજી કોઈ વાતની તેમને ચિંતા નથી. માનવીને ઈશ્વરે આટલી બધી કૃપા અને વરદાન આપ્યા છે તેમનો જો સદુપયોગ કરી શકે નહિ, પોતાના સ્વાર્થમાં પોતાને સાચા અર્થમાં માનવી બનાવી શકે નહિ, તો પછી આ માનવ યોનિમાં આવવાથી શો લાભ ? પાછલા જન્મનાં પાપકર્મોની સજા તો ભોગવવી જ પડે. તેના કારણે આ જીવનમાં દુ:ખ અને મુશ્કેલીઓ ભોગવવા પડે છે. થોડુંક પ્રાયશ્ચિત કરવાનું તો આપણાથી થઈ શકતું નથી. ઊલટાનું વધુ પાપકર્મોમાં ફસાઈએ છીએ. પરિણામ એ આવે છે કે બાકીનું જીવન પણ નારકીય થઈ જાય છે. અને આવતા જન્મમાં કોણ જાણે કયા ઉપમાં દંડ ભોગવવો પડશે. આ સત્ય ઉપર પણ વિચાર કરવો જોઈએ.
ઈશ્વરના આ ન્યાયકારી સ્વરૂપ અને કર્મફળની મહત્તાએ બરાબર સમજી લેવાથી માનવી હંમેશા સદ્વિચારો અને સત્કર્મોમાં જ રચ્યોપચ્યો રહે છે તથા કુવિચારો અને દુર્ભાવનાઓના આક્રમણથી બચી જાય છે.
- હરસુખલાલ સી. વ્યાસ