શ્રાદ્ધ એટલે શ્રદ્ધાથી તર્પણ, સમર્પણ અનેપરમાર્થ સુધીની દિવ્ય યાત્રા

ભારતીય સંસ્કૃતિ એ વર્તમાન, ભૂતકાળ તથા ભવિષ્યકાળનું અણમોલ જોડાણ કરનારી એક સુંદર ત્રિવેણી સંગમ સમાન છે. ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતા શ્રાદ્ધ પર્વ દ્વારા આ સંસ્કૃતિ આપણા પૂર્વજોની સ્મૃતિને જીવંત કરે છે. શ્રાદ્ધ પર્વ પિતૃઓ પ્રત્યે તર્પણ અને કૃતજ્ઞાભાવનું શ્રદ્ધાપૂર્વક સમર્પણ કરવાનું તેમજ પરોપકાર અને પરમાર્થના મહિમાને વહેતો રાખવાનું શીખવે છે. આસ્થાથી કરવામાં આવતું પવિત્ર શ્રાદ્ધકર્મ તથા સત્કર્મો એ માનવ માટે સ્મરણ ઉત્સવરૂપી દિવ્ય કર્મોનું ભાથું છે. શ્રાદ્ધ પક્ષ એ પૂર્વજોને યાદ કરીને શ્રદ્ધા, પ્રેમ, આદર, અનુકંપા તથા કૃતજ્ઞાતાના નિ:સ્વાર્થ ભાવથી કરવામાં આવતાં પિતૃઓના મોક્ષાર્થે તથા સમાજના હિતાર્થે કરવામાં આવતાં સત્કાર્યો છે. જે શ્રદ્ધાથી કરવામાં આવે તે શ્રાદ્ધ. પૂર્વજોને ભાવપૂર્વક અંજલી આપવાનો અનોખો અવસર એટલે શ્રાદ્ધ. આપણા પૂર્વજોએ આપેલા સંસ્કારો તથા જીવનમૂલ્યોને જીવંત રાખીએ તથા તેને ભૂલીએ નહીં એ પણ શ્રાદ્ધનો એક ભાગ છે.
આપણા વિવિધ પુરાણો તથા ધર્મશાસ્ત્રોમાં પિતૃઓના આત્માની શાંતિ તથા મોક્ષાર્થે તર્પણ, પિંડદાન તથા સદ્કાર્યો કરવાનું આલેખાયેલું છે. જીવનની ઉન્નતિ તથા પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞાતા વ્યક્ત કરવાનો પવિત્ર અવસર છે, મનોહર તથા દિવ્ય માર્ગ છે. શ્રદ્ધા, તર્પણ, સમર્પણ અને પરમાર્થ એ મહત્વના ચાર સ્તંભો છે. આપણા પૂર્વજો જેઓ ભલે સૂક્ષ્મ જગતમાં હોય, પણ શ્રદ્ધાભક્તિથી તેને આહુતિ આપવામાં આવે, તર્પણ અને પિંડદાન કરવામાં આવે તો અવશ્ય તેમને પહોંચે છે. પિતૃઓ પ્રસન્ન બને છે અને તેમના અદ્રશ્ય આશીર્વાદો માનવને મળતા રહે છે. આપણું અંત:કરણ શુદ્ધ થાય છે, અહંકાર ઓગળે છે, મન સંતોષ પામે છે તથા આનંદની અનુભૂતિ થાય છે. તર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. જળ, તલ, દૂધ આદિથી અપાતી અંજલિ છે. સાથે સાથે આપણા પૂર્વજોએ જે ઉચ્ચતમ જીવનમૂલ્યો આપ્યા છે, સંસ્કારો આપેલા છે, તેના પ્રત્યે કૃતજ્ઞાતાનો ભાવ પ્રગટ કરી તેમને જીવંત રાખીને આપણે આપણી યાત્રા કલ્યાણ તથા મોક્ષના માર્ગે આગળ ધપાવવાનો છે. ભાદરવાનો આ શ્રાદ્ધ પક્ષ ભાવથી ભગવાન સુધીની આ ભક્તિની, સમર્પણની, પરોપકારની અને પરમાર્થની ગૌરવવંતી આધ્યાત્મિક યાત્રા છે. શ્રાદ્ધકર્મની ધાર્મિક વિધિ સાથે હૃદયમાં કરૂણતા, દયા, માનવતા, અનુકંપા, પરોપકાર, પરમાર્થ અને કૃતજ્ઞાતાનો દીવો પ્રગટાવીને સત્કાર્યો તરફ જવાની તથા આત્મશુદ્ધિ કરી પરમાત્મા તરફ આગળ વધવાની યાત્રા છે. શ્રાદ્ધ કર્મથી તર્પણનું તેજ મળે છે, સમર્પણનું સુખ મળે છે, સમર્પણથી પરમ શાંતિ મળે છે, સાચો સંતોષ મળે છે તથા પિતૃઓનું હેત મળે છે. શ્રાદ્ધ પક્ષ માનવને સ્વાર્થથી મુક્ત બની પરમાર્થના પવિત્ર પંથ તરફ દોરી જાય છે. કૃતજ્ઞાતાની સૌરભનું અને આત્મીયતાનું અદ્વિતીય પર્વ છે.
આ પર્વમાં સ્મરણોનું આકાશ તથા પિતૃઓનો પ્રકાશ પ્રતિબિંબિત થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ ભૂખ્યાની જઠરાગ્નિ ઠારે છે, અસહાય ગરીબને શરીર ઢાંકવા વસ્ત્રો આપે છે, વૃદ્ધાશ્રમમાં જઈને એકલા અટૂલા વડીલોને નાસ્તો કરાવે, જમાડે કે તેમના ચહેરા ઉપર સ્મિત લાવે… તો આ સઘળું પરોપકારનું કાર્ય શ્રાદ્ધનો જ એક ભાગ છે, આ માનવતાનું મહાપૂજન છે. પરમાર્થનું કાર્ય સંતોષ, શાંતિ, સુખ તથા આનંદ આપે છે. આ પ્રકારનાં સત્કાર્ય કરવાથી આપણા પૂર્વજો પણ આશીર્વાદ આપે છે, જે અદ્રશ્ય આશીર્વાદો આપણા જીવનપથને પ્રકાશમાન બનાવે છે. શ્રદ્ધાથી પિતૃવંદના કરવાથી જીવન દીપકની જેમ પ્રકાશિત થાય છે.
પૂર્વજોનું તર્પણ તથા સ્મરણ અને સત્કાર્યોના સમર્પણનો આ સમય માનવ માટે પરમાર્થની પગદંડી છે, ભક્તિ, સેવા તથા શ્રદ્ધાનો સરિયામ સમય છે. અંજલિ અર્પીને પિતૃઓનું વંદન કરીએ તથા તેમણે આપેલા સંસ્કારોનું જતન કરીએ.
- દિનેશ એલ. જોષીપુરા




