શિવમહિમા

- ભૈરવ એમનો વૈભવ છે, નંદી એમનું વાહન છે, રૂદ્રાક્ષમાળા આરોગ્યની પાઠશાળા છે, બીજનો ચંદ્ર ભૂષણ છે, નાગ ગળાનો કિંમતી હાર છે, ભસ્મ-રાખ એમનો શણગાર છે. જટા એમની છટા છે. ભાગીરથી મુગુટમણિ છે, કાચબો સંયમનું પ્રતીક છે અને ડમરૂ એમનું સંગીત છે, ત્રિશૂળમાં સત્વ, રજસ, તમસ્ પ્રતીક છે અને આધિ વ્યાધિ ઉપાધિનું મારણ છે, શિવલિંગ સૌનું તારણ છે
ઓમ નમ : શિવાય, હર હર મહાદેવ, જય ભોળાનાથ ના નાદ કાને પડે એટલે પવિત્ર શ્રાવણ માસના શ્રીગણેશાય નમ: શરૂ થઈ ગયા છે એમાં શંકાને કોઈ સ્થાન રહેતું જ નથી. શિવજી આદિ-અનાદિ છે. એ સૌ દેવોના દેવ મહાદેવ છે. આ જગતજનની જગદંબા પાર્વતીજીના પ્રેમાળ પતિ છે. કાર્તિકેયજી અને ગણેશજીના પુણ્યશાળી પિતાજી છે, દક્ષ પ્રજાપતિના એ જમાઈરાજા છે, ભૂતોના નાથ ભૂતનાથ છે, શિવ સ્વરૂપે સાકાર છે તો લિંગ સ્વરૂપે નિરાકાર છે, એમનું મંદિર શિવાલય છે, કાયમી સરનામું હિમાલય છે, જૂનાગઢનું ભવનાથ એમનું કાર્યાલય છે.
ભૈરવ એમનો વૈભવ છે, નંદી એમનું વાહન છે, રૂદ્રાક્ષમાળા આરોગ્યની પાઠશાળા છે, બીજનો ચંદ્ર ભૂષણ છે, નાગ ગળાનો કિંમતી હાર છે, ભસ્મ - રાખ એમનો શણગાર છે. જટા એમની છટા છે. ભાગીરથી મુગુટમણિ છે, કાચબો સંયમનું પ્રતીક છે અને ડમરૂ એમનું સંગીત છે, ત્રિશૂળમાં સત્વ, રજસ, તમસ્ પ્રતીક છે અને આધિ વ્યાધિ ઉપાધિનું મારણ છે, શિવલિંગ સૌનું તારણ છે.
શિવપુરાણ એમની આત્મકથા છે તો નીલંકઠ સમુદ્રમંથનની વ્યથા છે. રીઝે છે તો રાવણને તારી દે, ને ખીજે તો કામદેવનેય બાળી દે છે. સત્યમ્ શિવમ્ સુંદર એમનો શિલાલેખ છે, મહામૃત્યુંજય મંત્ર સર્વ ભક્તોનું વસિયતનામું, તાંડવના એ તજજ્ઞા છે, પ્રેમના એ રસજ્ઞા છે. ગૌમુખી લક્ષ્મણરેખા છે તો મહાશિવરાત્રિ એમની જીવનરેખા છે. મહાદેવ, ભોળાનાથ, શિવ નીલકંઠ, ભોલે, પિનાકપાણિ, મહેશ, ચંદ્રમૌલિ આશુતોષ, અર્ધનારીશ્વર, ભૂતનાથ, નટરાજ આ બાર નામ અને દ્વાદશ (બાર) સ્વયંભૂ જ્યોતિર્િંલગ - નું સ્મરણ, રટણ કરો કે તુરજ બધાં દુ:ખોના તત્કાલ બાર વાગી જાય.
કાર્તિકેયજી, આનંદ, પ્રમોદ, રિદ્ધિ, સિદ્ધિ, લાભ, શુભ, ગણેશજી, નંદી, યક્ષ, ગંધર્વ, પાર્વતીજી અને શિવજી-આખેઆખો પરિવાર પૂજાય એવા વિશ્વના આ એક માત્ર ભગવાન છે. 'શ' - એટલે નિત્ય, 'વ' એટલે અમૃત અને 'ઈ' - એટલે પુરુષ - જે સદા ભક્તો ઉપર સુખામૃતની અખંડ વર્ષા કરે છે એ શિવ શ્રી રામચંદ્ર ભગવાનના એ ઈષ્ટ દેવતા છે, તો વળી શિવજીના ઈષ્ટ દેવતા શ્રી રામચંદ્ર ભગવાન છે. બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે. જીવ એજ શિવ છે. મંત્રગાન કરી વિરમીએ.
ત્ર્યમ્બકં યજામહે, સુગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ્
ઉર્વારૂકમિવ બંધનાત, મૃત્યોર્મુક્ષીય મામૃતાત્ - જય ભોળાનાથ
- પી.એમ. પરમાર









