Dharmlok

નિ:સ્વાર્થ સેવા ! : પરસેવા એ પ્રાર્થનાનું પ્રથમ સોપાન છે

By GS Team
8 Jul 20262 mins read
નિ:સ્વાર્થ સેવા ! : પરસેવા એ પ્રાર્થનાનું પ્રથમ સોપાન છે

'ખબર નહીં કેમ પણ હમણાં ત્રણ, ચાર દિવસથી હું આખો દિવસ ટોપલીની રાહ જોઈને બેસું છું, તો પણ ટોપલી આવતી નથી… તે મને આપતી નથી. હવે મારે મારો નિર્વાહ કરવો કઈ રીતે?'
એક સંત. સરિતા કિનારે વૃક્ષની નીચે રહે. ગામમાંથી ભિક્ષા લઈને આવે, શેષ સમય આત્મસાધના કરે. કોઈ યોગ્ય પાત્ર આવે તો ઉપદેશ પણ આપે.
તેમને લોકોપકારમાં ખૂબ રસ. પરસેવાનું નિમિત્ત મળે તો આનંદ આનંદ થઈ જાય. પ્રતિદિન સવારે એક કલાક પ્રાર્થના કરીને ત્યાં સરિતા કિનારે ઉગેલા વાંસની બે-ત્રણ ટોપલી બનાવે. તેમાં અડધો કલાક જતો રહે. સૂર્યોદય સમયે તે ટોપલી સરિતામાં વહાવી દે. મારી આ ટોપલી કોઈને તો કામમાં આવશે - એમ વિચારીને તેઓ ખુશ થાય. વર્ષો સુધી આ પ્રક્રિયા ચાલી. કેટલી આશ્ચર્યની વાત છે કે, હું જે સેવા કરું છું, તેનો કોને લાભ થાય છે ? તે પણ ખ્યાલ નથી, છતાં સેવા કરવાનું ચાલું જ છે. આપણે આવી સેવા ના કરી શકીએ, અને તેમાં પણ સેવા કર્યા પછી પણ તે ઉપયોગી થતી હોય તોય જો તેની કદર ના થાય, તો પણ આપણે સેવા ના કરીએ.
એક દિવસ સંત બિમાર પડયા. તેથી સવારે વાંસની ટોપલી ન બનાવી શક્યા. આમ બિમારીમાં બે-ત્રણ દિવસ પસાર થયા. જો કે પછી સ્વસ્થ તો થઈ ગયા પણ પછી બીજા દિવસે સહજ આળસનાં કારણે ટોપલી ના બનાવી. તે દિવસે સ્વાસ્થ્ય થોડું સારું હતું, એટલે સરિતા કિનારે કિનારે પરિભ્રમણ કરવા નીકળ્યા, જેથી મન થોડું પ્રફુલ્લિત થાય. આ દિશામાં આવવાનું આમ ક્યારેય થતું ન હતું. અઢી-ત્રણ કિલોમીટર ચાલ્યા પછી ત્યાં નદી કિનારે એક ઝૂંપડી હતી. તેમાં કોઈ વૃદ્ધા રહેતી હતી. તે કિનારા ઉપર બેઠી હતી. તેની મુખાકૃતિ મ્લાન હતી.
કરુણાભાવે સંતે સહજ પૂછયું :? 'માં ! કેમ આપ ઉદાસ છો ?' તો વૃદ્ધા બોલી : 'આ સરિતા રોજ મને સૂર્યોદય પછી ત્રણ ટોપલી આપે છે. હું તે ટોપલી વેચીને મારો નિર્વાહ કરું છું. ખબર નહીં કેમ પણ હમણાં ત્રણ-ચાર દિવસથી સરિતા નારાજ થઈ ગઈ લાગે છે. હું આખો દિવસ ટોપલીની રાહ જોઈને બેસું છું, તો પણ ટોપલી આવતી નથી… તે મને આપતી નથી. હવે મારે મારો નિર્વાહ કરવો કઈ રીતે ?'
સંતે પ્રેમથી વૃદ્ધાને કહ્યું : 'માં ! ચિંતા ન કરો. સરિતા સાથે મારો સારો પરિચય છે. હું તમારી વાત સરિતાને જણાવીશ, અને તે તમને અવશ્ય ટોપલી પહોંચાડશે, અને અત્યાર સુધી ત્રણ જ આવતી હતી ને…! પણ હવેથી પાંચ ટોપલી આવશે.' કહી સંત પાછા વળ્યા, અને ત્યારથી રોજ વહેલી સવારે એક કલાક પ્રાર્થના કર્યા પછી પાંચ ટોપલી બનાવવા લાગ્યા. તેમાં બીજો એક કલાક વ્યતીત થવા લાગ્યો.? સંતને લાગ્યું કે મારા બે કલાક પ્રાર્થનામાં વ્યતીત થાય છે…! પરસેવા એ પ્રાર્થનાનું પ્રથમ સોપાન છે.

  • રાજ સંઘવી