ધર્મ ક્યારેય કોઈનું અહિત કરે નહિ

- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ
- હિત એ જ ધર્મનું લક્ષણ છે, હિત એ જ ધર્મનું મૂળ છે, હિત એ જ ધર્મનું ફૂલ-ફૂળ છે.
એક જોરદાર ઠોકર વાગી. એ છોકરો નીચે પડયો. હાથમાં રહેલું વાસણ દૂર ફંગોળાયું. વાસણમાં રહેલું ઘી નીચે ઢોળાયું. અને માટીમાં મળી ગયું.
કોઈકે જોયું. અને તે બોલ્યો - 'ઓહો, બોહો પડયો.'
છોકરાને પગે વાગ્યું. એનું વાસણ માટીવાળું થઈ ગયું. અને એનું ઘી તો કોઈ જ કામનું ના રહ્યું. એ રડવા લાગ્યો.
એને પગે વાગ્યું, ઘી ઢોળાયું અને વાસણ બગડયું. માત્ર એટલા માટે તે તે રડતો નહોતો. પણ એ જેને ત્યાંથી ઘી લાવ્યો હતો, તેને આપવા માટે તેની પાસે પૈસા નહોતા. કારણ કે એક વેપારી પાસેથી ઘી લઈને બીજા વેપારીને વેચતો. એમાંથી પહેલા વેપારીને પૈસા આપી દેતો. અને થોડીક કમાણી થતી, તેનાથી તે આખો દિવસ ઘર ચલાવતો.
હવે આજે એની પાસે ઘી ઢોળાઈ જવાને લીધે પૈસા નહોતા આવ્યા. પહેલા વેપારીને પૈસા ક્યાંથી આપવાના અને ખાવા માટે પણ ક્યાંથી પૈસા લાવવાના ? માટે તે રડતો હતો. ત્યાં જ બેઠો બેઠો તે આંસૂ સારતો હતો.
એક જણ બોલ્યો કે બોહો પડયો…ઓહોહો બોહો પડયો…
આ સાંભળી બીજા બે-ત્રણ જણાંએ બોહા સામું જોયું. બોહાને ખાલી અને બગડેલા વાસણ સામું પણ જોયું. અને માટીમાં ભળી ગયેલા ઘી ને જોયું.
એ બધા બોહાને ઓળખતા હતા.
રાજસ્થાનના ચિત્તોડની પાસે નાનકડા વડગામમાં રહેનારો આ બોહો એક ગરીબ ઘરનો છોકરો હતો. સ્વભાવનો સાદો અને મનનો ભોળો- ઘી-તેલ વેચીને જે કંઈ મળે એનાથી ગુજરાન ચલાવે. એક દિવસ ચાલે તેટલું કમાય. તે પછી તે ધર્મ-સાધના કરતો. ખૂબ જ સંતોષી જીવડો.
દરરોજનો તેનો આ નિત્યક્રમ…સવારે ભગવાનના દર્શન-પૂજન… પછી ઘી નો વ્યાપાર… પછી જમવાનું બપોરના સામાયિક કરવાના. સાંજે પ્રતિક્રમણ કરવાનું - રાત્રે ધ્યાન ધરવાનું.
ચોમાસામાં વિશેષપણે આ સાધના કરવાની…
બોહાને ઓળખનારા તે બે-ત્રણ જણાને બોહા પર દયા આવી. તેના વાસણને સાફ કરી, તેમાં બીજું ઘી ભરી આપ્યું.
મનના સાફ માણસની બગડેલી બાજી સાફ કરવમાનું કોઈકને કોઈક મળી રહે છે. દિલનો સાફ હોય ત્યાં કર્મ રહેમદિલ બની જાય છે.
ભગવાન પર વહેમ રાખનારો ક્યારેય ભગવાનની રહેમ પામતો નથી.
બોહો બોઘો કે બાઘો નહોતો. એ સીધો-સાધો છોકરો હતો. તે ઘી આપનારને ધન્યવાદ આપી, ઘીના વાસણને હાથમાં લઈને ચાલતો થયો.
પણ આજે તેનું ભાગ્ય ક્યાંક ઝંખવાણું પડયું હતું. તેથી તેની ઝંખના માટીમાં મળી જતી હતી. ખૂબ સાચવીને તે ચાલી રહ્યો હતો, તે છતાંય ફરીવાર તેને ઠોકર વાગી. તે નીચે પડયો અને ઘી માટીમાં મળી ગયું.
આજ સુધી તેને એક પણ ઠોકર વાગી ન હતી. આજે ઉપરાઉપરી બે વાર ઠોકર વાગી. ક્યારેક સહજે પણ નુકસાન ન કરનારાનું આજે બે વાર નુકશાન થયું.
ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ… ખુદા છાપરું તોડીનાંખે તો કાંઈક આપીને જ રહે છે.
સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ઘમઘમ…ગુરુ સોટી ફટકારે તો વિદ્યા આપીને જ રહે છે.
આદમી ઠોકર ખાકે ઠાકોર બનતા હૈ… કુદરત ઠોકર ખવડાવે તો સમજી લેવાનું કે એ આપણને ઠાકોર બનાવવા માગે છે.
બોહાને મન આ ઠોકરમાં કાંઈક ભેદ છુપાયો લાગ્યો. એણે મનને મનાવી લીધું. જે થાય તે સારા માટે…. જે થાય તે મારા સારા માટે… કાંઈક સારું થવાની આ નિશાની છે.
એણે મન ધર્મમમાં-ધ્યાનમાં પરોવી દીધું. ધર્મથી જ આ દુનિયામાં સારું થાય છે. જ્યાં ક્યાય પણ સારું જણાય છે તે બધાં જ ધર્મનો પ્રભાવ છે. ધર્મ ક્યારેય કોઈનું અહિત કરે નહિ. હિત એ જ ધર્મનું લક્ષણ છે. હીત એ જ ધર્મનું મૂળ છે અને હિત એ જ ધર્મનું ફળ-ફૂલ છે.
બોહાને તે સમયના સમર્થ વિદ્વાન જૈનાચાર્ય શ્રી યશોભદ્રસૂરીશ્વરજી મહારાજા મળે છે. તેમનો સમાગમ તેનાં કાંઈક હિત માટે જ થયો હતો. આત્મા અને કર્મનું ઊંડું જ્ઞાન મેળવ્યું. નવતત્વના રહસ્યને પ્રાપ્ત કર્યું. માનવતત્વ મહામાનવ બનવા માટે સર્જાયું છે. જન્મ-મરણનું ચર્મ સમજાયું.
જીવનના તત્વને જાણ્યું અને તત્વસભર જીવનને માણ્યું.
ગુરુદેવ પાસે સંયમનો સ્વીકાર કર્યો.
સાધુનો સમાગમ મળ્યો - ફળ્યો…. એમણે આગમનું જ્ઞાન મેળવ્યું. જ્ઞાનીનો સમાગમ આગમજ્ઞાની બનાછે.
જ્ઞાનના રહસ્યને જાણ્યું તો રહસ્યભર્યા જ્ઞાનને પણ જાણ્યું.
જ્ઞાનના તત્વને પામ્યા તો તત્વના જ્ઞાનને પણ પામ્યાં.
જ્ઞાનના અવગ્રહમાં જીવ્યા હતો
જ્ઞાનથી અભિગ્રહો પણ જીવ્યા.
પ્રભાવના
સંપૂર્ણ જીવનમાં એક જ દિવસમાં બે વાર ઠોકર ખાઈને સંયમમાર્ગે આગળ વધનારા એ ઋષિ દીક્ષા પછી બે નામે ઠાકોર તરીકે પ્રસિદ્ધિ પામ્યાં.
૩૦ વરસની ઊંમરે દીક્ષા લીધી, ૭ વર્ષ ગુરુ-સેવા કરી તે પછી ૫૩ વર્ષ સુધી જીવનમાં અભિગ્રહપૂર્વકની તપસ્યાઓ કરી. અને તે પછી એવી શક્તિઓ - લબ્ધિઓ મેળવી કે તેઓશ્રીના ચરણોદક (તેમના પગ ધોયેલ પાણી) થી - ચરણજળ છાંટવાથી યા પીવાથી સાંપના ઝેર ઉપરી જતા. ગાંડા હાથી વગેરે શાંત થઈ જતાં.
આ ઋષિના નામ હતા - બોહા ઋષિ, અને ખીમા ઋષિ…




