Dharmlok

ધર્મ તો સત્ય સ્વરૂપ જીવવાની પધ્ધતિ

By GS Team
19 Aug 20262 mins read
ધર્મ તો સત્ય સ્વરૂપ જીવવાની પધ્ધતિ
  • માનવ જીવનમાં કોઈ કોઈને પરમ જ્ઞાન આપી શકતું જ નથી તે તો માણસે પોતાના આત્મામાંથી જ ધ્યાની સાધન દ્વારા જ અર્જિત કરવાનું રહે છે

અનુભૂતિ જન્ય સત્ય ધર્મનું અનુસરણ અને આચરણ એ તો આત્મિક સ્વરૂપ થઈને આત્મસ્થ અને હૃદયસ્થ થઈને સત્ય સ્વરૂપ જીવવાની રીત છે, અનુભૂતિ જન્ય ધર્મને અને બહિરમૂર્ખતાને કોઈ પણ જાતનો સબંધ જ નથી, એટલે કે તે અનુભૂતિ જન્ય સત્ય ધર્મનું અનુસરણ કે આચરણ નથી, એટલું હૃદયસ્થ અને આત્મસ્થ થઈને જાણો, અને પૂરી અંતરની જાણકારી પછી જ ધર્મનું આચરણ કરો.
આમ અનુભૂતિ જન્ય સત્ય ધર્મ એટલે પોતાના જ આત્મિક સત્યમાં પુરા પરિવર્તીત થઈને જીવનમાં આત્મિક સત્યનું આચરણ કરવું આમ ધર્મ એ તો સત્યસ્વરૂપ જીવન જીવવાની રીત છે, પદ્ધતિ છે, માનવ જીવનમાં રોજિંદા જીવનની સત્યની આંતરિક સમજ છે, અને અંતરની સત્યની શોધ એ તેનો મૂળભૂત મંત્ર છે.
આત્મિક સત્યનો અનુભવ અને અનુભૂતિ એજ સત્ય ધર્મ, આમ સ્વ જ્ઞાન દ્વારા સત્યની શોધ એજ સાચી સત્ય સ્વરૂપ ધાર્મિક્તા છે, અને પોતાની જાતને પોતાના સ્વભાવને પોતાના સ્વધર્મને આંતર ધ્યાન દ્વારા જ પળે પળનું સત્ય જોઈ શકે છે, જાણી શકે છે, એનું નામ અનુભૂતિ જન્ય સત્ય ધર્મનું આચરણ અને અનુસરણ છે. જીવનમાં સ્વને જાણીને સ્વ સ્વરૂપ થઈ પોતાના જ સત્ય, અનુસાર જીવે જવું એજ અનુભૂતિ જન્ય સત્ય ધર્મનું અનુસરણ છે.
એટલે સંસાર છોડી બહાર સવાયો સંસાર ઊભો કરીને લોકોને ભય, ભ્રમ અને ભ્રમજાળ યુક્ત કરવા અને સ્વાર્થ સાધવો તે અનુભૂતિ જન્ય સત્ય ધર્મનું આચરણ નથી. માનવ જીવનમાં કોઈ કોઈને પરમ જ્ઞાન આપી શકતું જ નથી તે તો માણસે પોતાના આત્મામાંથી જ ધ્યાની સાધન દ્વારા જ અર્જિત કરવાનું રહે છે.
માણસે સંસારમાં રહીને પોતાની પરમ ચેતનામાં આંતર ધ્યાન દ્વારા સ્થિર થઈને જીવનમાં જાગૃતિપૂર્વક અનાસક્ત ભાવમાં સ્થિર થઈને કર્તા ભાવથી મુક્ત થઈ અહંકારને મનમાંથી વિદાય કરીને આત્મિક સત્ય સ્વરૂપ થઈને જીવનના તમામ કર્મો કર્યા જ કરવા અને કોઈને પણ બનાવ્યા વિના જીવન જીવે જવું અને ધન કમાવું અને મિલકતો વસાવવી બધું જ અને પોતાના મનને સંતુલિત કરી સમતામાં સ્થિર કરી અનાસક્ત ભાવે જીવવું એજ અનુભૂતિ જન્ય સત્ય ધર્મનું અનુસરણ છે.

  • તત્વચિંતક વિ. પટેલ