Dharmlok

નવરાત્રિ અને નવપદ : આરાધના અને ઉપાસનાનું પર્વ છે, વિરાધના અને વાસનાનું પર્વ નથી

By GS Team
14 Oct 20264 mins read
નવરાત્રિ અને નવપદ : આરાધના અને ઉપાસનાનું પર્વ છે, વિરાધના અને વાસનાનું પર્વ નથી
  • આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ

જંગલમાં ઠેર-ઠેર હાથી ઘોડા-ઊંટ-ગાય-ભેંસ-બકરી- હંસ- ચકલી-મોર વગેરે પડયા હતા. અર્થાત્ પાંદડામાં કોતરાયેલા હાથી-ઘોડા વગેરે હતા. અથવા તો એમ પણ કહી શકાય કે હાથી-ઘોડા વગેરે કોતરાયેલા હોય એવા પાંદડા ઠેર-ઠેર પડયા હતા.
આબેહૂબ હાથી-ઘોડા જેવી કોતરણી આ પાંદડાઓમાં હતી. જોનારા બંને જણા આ પાંદડા જોઈને આફરીન પોકારી ઊઠયા.. આવી અદ્ભુત કળા આજ પહેલાં ક્યારેય જોવામાં આવી ન હતી. કોઈક અદ્ભુત કલાકાર જ આવી કલાકારીગરી કરી શકે. પણ અહીં આ જંગલ જેવા વાતાવરણમાં એ કલાકાર શું કરતો હશે ? આવી કલા અહીં વેર-વિખેર કેમ હશે ? આ વિચારણા સાથે એ બે ય દ્રષ્ટા આગળ વધ્યા.
ત્યાં આસપાસના વૃક્ષોમાં રહેલા લીલા પાંદડા પણ આવી કલાકૃતિ સભર હતા. અનેક વૃક્ષોના પાંદડા આવી કલાકૃતિવાળા જોયા પછી એમને વિચાર આવ્યો.- 'શું આ વૃક્ષોના પાંદડા જ આવા હશે ?' બંને જણાએ એ વિચાર એકબીજા આગળ રજૂ કર્યો.
વાતની ખાતરી કરવા તેમણે વૃક્ષો બરાબર જોયા તપાસ્યા બધાં જ પાંદડા આવી કલાકૃતિ સભર ન હતા. પણ કેટલાક પાંદડા જ આવી કલાથી સુંદર બનેલા હતા.
'તો શું જીવાતોએ આ કલા કરી હશે ?' આ વિચારણા પછી બરાબર ધારી ધારીને જોવાથી ખ્યાલ આવ્યો કે આ કલા કોઈ જીવાતોની નથી.. પણ કોઈક માણસની જ છે… કોઈક માણસે જ આ બધી કલાકૃતિઓ ઉભી કરી છે. પણ ત્યાં કોઈ માણસ નજરે ચડયો નહીં.
હવે આ બંનેએ આ જંગલમાં માણસની શોધ આદરી. કહે છે કે શોધવાથી તો ભગવાન પણ મળી જાય. તો માણસ શું ચીજ છે. એ કેમ ના મળે ? અને આખરે એક માણસ મળી ગયો. એક નાનું ઝુંપડાં જેવું રહેવાનું સ્થળ હતું. અને બહારનો ચોગાન હરવા-ફરવા-બેસવા માટે સાફ કરેલો હતો.
આગંતુક વ્યક્તિએ તેનું નામ અને અહીં રહેવાનું જીવવાનું પ્રયોજન પૂછયું.
જંગલ-નિવાસી વ્યક્તિએ પોતાની નિષાદરાજના પુત્ર તરીકેની ઓળખાણ આપતા કહ્યું- 'હું અહીં ધનુષ્ય-વિદ્યા શીખવા માટે રહ્યો છું. દુનિયાનો અગ્રિમ હરોળનો ધનુર્ધર બનવાનો મારો પ્રયત્ન મારા ગુરૂદેવના પરમ આશીર્વાદથી પ્રગતિના પથ પર છે ?
'તારા ગુરૂ કોણ છે ? અને ક્યાં છે ?' આગંતુકે પ્રશ્ન યુગલની ભાષામાં બીજો પ્રશ્ન પૂછયો…
'મારા પૂજયપાદ એ ગુરૂદેવનું નામ છે- દ્રોણાચાર્યજી અને તેઓ મારા ચોગાનમાં બિરાજમાન છે.' આ રહ્યા..' કહીને તેણે એક મૂર્તિ તરફ ઇશારો કર્યો.
આગંતુક બંને વ્યક્તિ તેની તરફ અને તે મૂર્તિ તરફ જોતાં જ રહી ગયા. આ બંને આગંતુક વ્યક્તિમાં એક હતા. દ્રોણાચાર્યજી અને બીજા હતા. શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુન..
અહીં પ્રસિદ્ધ પ્રસંગ એવો આવે છે કે એક ભસતા કૂતરાનું મોં બાણથી ભરી દે છે અને આ દ્રશ્ય જોઈને અર્જુન અને દ્રોણાચાર્યજી એ વ્યક્તિને મળે છે. જેને દુનિયા એકલવ્ય તરીકે ઓળખે છે.
અહીં એક ગ્રંથ છે- 'ઉપદેશ-પ્રાસાદ'. આચાર્ય શ્રી વિજયલક્ષ્મીસૂરીશ્વરજી મહારાજાએ બનાવેલ આ ગ્રંથમાં ૩૬૦ પ્રવચનો-વ્યાખ્યાનો આખ્યાનો છે. જેમાં ૧૮૭માં દિવસના પ્રવચનમાં આ એકલવ્યની વાર્તા છે.
'ગુજરાત વિદ્યાપીઠ- અમદાવાદ' દ્વારા પ્રકાશિત જોડણીકોશ મધ્યે એકલવ્યની ઓળખમાં જણાવ્યું છે કે તે નિષાદરાજનો પુત્ર છે. તો દ્રોણાચાર્ય અને અર્જુનના મિલન પછી એ એકલવ્ય તરીકે પ્રસિદ્ધિને પામે છે. એવું વિધાન ઉપદેશ પ્રાસાદ નામે મહાગ્રથમાં છે.
અહીં એકલવ્યની આ કળા જોયા પછી અર્જુન ગુરૂ દ્રોણાચાર્યને કહે છે - આપે મને સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બનાવવાની ઇચ્છા દર્શાવી હતી. પણ મને એમ લાગે છે કે આપના આશિર્વાદ અહીં વળી ગયા છે.'
ગુરૂ દ્રોણાચાર્ય કહે છે- 'વત્સ ! આના દ્વારા એક બોધ અહીં શીખવા જેવો છે- વ્યક્તિ કરતાં પણ તેની મૂર્તિ શક્તિશાળી સાબિત થઈ છે. ભગવાન જે ન આપી શકે તે ભગવાનની મૂર્તિ આપી દે છે. મૂર્તિમાં ભગવાન બમણી તાકાત લઈને બેઠા હોય છે. મૂર્તિને ક્યારેય ઓછી ના આંકતો… મૂર્તિપૂજા પણ જીવંત પૂજા છે.'
તે પછી અર્જુનનું મન મનાવવા કપટથી ગુરૂ દ્રોણાચાર્ય એકલવ્ય પાસે ગુરૂદક્ષિણામાં જમણા હાથનો અંગૂઠો માંગે છે. અને સહર્ષ પોતાનો અંગૂઠો કાપીને એકલવ્ય આપી દે છે…
જે એકલવીર છે અને એકલવ્યથી આગળ વધે છે, તે જ એકલવ્ય બને છે.
પ્રભાવના
'ઉપદેશપ્રાસાદ' નામે ગ્રંથમાં ચૈત્ર સુદ-૧ થી વાર્તા-પ્રવચનની શરૂઆત થાય છે. એટલે નવપદનો પ્રારંભ દિવસ ૧૮૭મો આવે છે. જેમાં ભગવાનની ભક્તિ કરવાની વાત જણાવતાં ગ્રંથકાર કહે છે કે આ ઓળીના દિવસોમાં દેવો-ઇન્દ્ર પણ ભગવાનના જિનાલયમાં જઈને ભગવાનની મૂર્તિની પૂજા-ભક્તિ કરે છે. એકલવ્યની જેમ એકલક્ષ્ય સાથે આગળ વધવું જોઈએ.
આ નવરાત્રિના અને નવપદના દિવસો આરાધના અને ઉપાસનાના દિવસો છે. એને વિરાધના અને વાસનામાં ફેરવવાનું ઘોર મહાપાપ કયારેય ના કરતા.