Dharmlok

નીચે નમીએ...ઊંચે જઈએ...

By GS Team
19 Aug 20263 mins read
નીચે નમીએ...ઊંચે જઈએ...
  • પ્રેરણાની પરબ-આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ

જ્યારે ભારતમાં ઠેર ઠેર નવાબી શાસન પ્રવર્તતું હતું ત્યારની વાત. એક મધ્યમ કદના નગરના એ નવાબ. સ્વભાવથી કરુણાળુ, દિલના દયાળુ, મનના માયાળુ. આ નવાબને રોજ યાચકોને દાન આપ્ય વિના ચાલે નહિ. રોજ સવારે પોતાની આવશ્યક ક્રિયાઓ પરિપૂર્ણ કરીને તેઓ યાચકોને પ્રેમપૂર્વક ખોબલે ખોબલે દાન આપે. તેમના આ ઉદારદિલ દાનની વાત રોજેરોજ પ્રસરતી ગઈ. અને તેથી યાચકોની કતાર પણ પ્રતિદિન વધતી ગઈ. અલબત્ત, નવાબ એ જ પ્રેમથી સૌને કલાકોપર્યંત દાન આપતા હતા.
એક દિવસ નવાબની આ કીર્તિ શ્રવીને એક ચારણ તેમનું દાન નિહાળવા આવ્યો. ઉદારતાથી થતી આ દાનપ્રવૃત્તિ નિહાળીને ચારણે એક વિશેષ નોંધ લીધી કે જેમે જેમ નવાબ દાન અર્પવા માટે પોતાનો હાથ ઉપર કરે છે તેમ તેમ તેમના નયનો નીચા ઢળતા જાય છે. પૂર્વે ક્યાંય નહિ નિહાળેલી આ અદ્ભુ દાનશૈલી જોઈને ચારણે પોતાના આગવા અંદાજમાં નવાબને પૂછયું કે 'શીખી કહાં નવાબને, ઐસી દૈની દેન! જ્યોં જ્યોં કર ઊંચો કરે, ત્યોં ત્યોં નીચો નૈન…' મતલબ કે નવાબસાહેબ આવું ક્યાંથી શીખી આવ્યા ? કે જેમ જેમ દાન આપવા માટે હાથ ઊંચા થતા જાય તેમ તેમ આંખો નીચી નમતી જાય. જવાબમાં નવાબે હળવું સ્મિત ફરકાવવા સાથે નમ્રતા શૈલીમાં જણાવ્યું કે 'દેનેવાલા ઔર હૈ, જો દેવત દિન-રૈન, લોગ ભરમ હમ પર કરે, તા તેમ નીચો નૈન…' અર્થાત્ આપવાવાળો ખરેખર બીજો જ છે - ઉપરવાળો છે જે દિવસ અને રાત અટક્યા વિના આપ્યા જ કરે છે. પરંતુ તકલીફ ત્યાં થાય છે કે લોકો દાતાર તરીકે ઉપરવાળાને ઓળખવાના બદલે મારા ઉપર ભ્રમ કરે છે કે નવાબ આ દાન આપી રહ્યાં છે. બસ આ ગલત પ્રસિદ્ધિ સાંભળીને મારા નેત્રો શરમના માર્યા ઝૂકી જાય છે. નવાબનો આ અદ્ભુત ઉત્તર સાંભળીને ચારણ તેમના પ્રત્યે શબ્દશ: નત મસ્તક બની ગયો.
યાદ રહે, મહાનતાને પ્રાપ્ત કરવી એટલી મુશ્કેલ બાબત નથી. પરંતુ મહાનતા મળ્યા પછી નમ્રતા જીવનસાત્ હોવી અત્યંત મુશ્કેલ બાબત છે. જીવનમાં ગમે તેટલું ઉત્તમ સુકૃત કર્યું હોય - ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરી હોય યા અઢળક દાનરાશિ અર્પણ કરી હોય… છતાંય મનને અહંકાર તલભાર જેટલો પણ ન સ્પર્શે એ માટે જૈન ધર્મમાં એક સરસ મજાના શબ્દનો પ્રયોગ ભરપૂર થાય છે 'દેવ-ગુરુપસાય.' મતલબ કે મેં જે કર્યું છે એ માત્ર ને માત્ર દેવ એટલે કે પ્રભુ અને ગુરુના પ્રસાદ-કૃપાથી કર્યું છે. એમાં મારી કોઈ વિશેષતા નથી. આપણને અહંકારમુક્ત રાખે એવો કેવો સુંદર મજાનો ભાવાર્થ સમાયો છે આ નાનકડા શબ્દોમાં ? જીવનમાં ઊંચાઈ પર પહોંચવાના ખ્વાબ તો સહુ કોઈ જુએ છે. પરંતુ એ ઊંચાઈને આંબવા માટેની આવી નમ્ર ફોર્મ્યુલા આપણને જૈન ધર્મ પાસેથી મળે છે. આવો, આપણે આ ફોર્મ્યુલાને માત્ર જાણીએ જ નહિ, બલ્કે જીવનમાં ઉતારીએ પણ ખરા. જેથી આપણું જીવન ઉન્નત-ઉત્તમ બન્યા વિના રહે નહિ. અંતે યાદ રાખીએ આ સંદેશ કે 'ઊંચે ઉડવા માટે પાંખોની જરૂર તો પંખીને પડે, માણસ તો જેટલો નીચો નમે તેટલો જ ઊંચે જાય…'