Dharmlok

કુસંસ્કારો ફેલાવનારી વિકથાઓથી દૂર રહીએ...સુસંસ્કારો ફેલાવનારી સત્કથાઓ અપનાવીએ...

By GS Team
23 Sep 20266 mins read
કુસંસ્કારો ફેલાવનારી વિકથાઓથી દૂર રહીએ...સુસંસ્કારો ફેલાવનારી સત્કથાઓ અપનાવીએ...
  • અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
  • ''સત્કથીને મોટો લાભ એ છે કે તે સ્વ - પર સહુના શુભના અનુબંધમાં નિમિત્ત બનતો હોવાથી એને શુભના અનુબંધની ખૂબ મજબૂત સંભાવના રહે કે જે એને સદ્ગતિ અને અંતે સિદ્ધગતિ તરફ લઈ જાય. વિકથીને મોટું નુકસાન એ કે તે સ્વ - પરના અશુભના અનુબંધમાં નિમિત્ત બનતો હોવાથી એને અશુભના અનુબંધની પ્રબળ સંભાવના રહે કે જે એને દુર્ગતિની પરંપરામાં ખેંચી જાય…''

'ધર્મરત્નપ્રકરણ' ગ્રન્થકાર ભગવંત શુદ્ધ ધર્મપ્રાપ્તિની ભૂમિકારૂપ જે એકવીશ ગુણો દર્શાવે છે તેના પરની ચિંતનયાત્રામાં આજે આપણે વિચારણા કરીશું ક્રમપ્રાપ્ત તેરમા ગુણ અંગે. એ ગુણ છે સત્કથાકારિતા.
પરસ્પર સામસામા અંતિમના ગણાય તેવા શબ્દો બે છે : વિકથા અને સત્કથા. જે કથા વ્યક્તિમાં વિષયો-કષાયો ઉત્તેજિત કરે છે, જે કથા મનને રાગ-દ્વેષથી સંક્લિષ્ટ બનાવે, જે કથા પારકી પંચાતરૂપ હોય તે છે વિકથા. આ વિકથામાં મનને બહેકાવે તેવી તમતમતી મસાલેદાર વાતો હોય. પરંતુ આત્માને લાભદાયી બને-વ્યક્તિને સંસ્કારિત કરે તેવી કોઈ બાબતો એમાં નિહાળવા ન મળે. આવી વિકથાઓના મુખ્ય ચાર પ્રકાર છે : રાજકથા - ભક્તકથા - દેશકથા - સ્ત્રીકથા. યોગશાસ્ત્ર ગ્રન્થમાં આનો નિર્દેશ આ પંક્તિ દ્વારા કરાયો છે કે 'ભક્ત - સ્ત્રી - દેશ - રાષ્ટ્રકથા:.'
રાજાઓના વૈભવ - વિલાસોની - ઐયાશીની - રાજખટપટોની - યુદ્ધખોરીની મસાલેદાર ચર્ચાઓ કરવી, આજની ભાષામાં કહીએ તો રાજકારણની નાની-મોટી બાબતોની ચર્ચામાં રચ્યા-પચ્યા રહેવું તે છે રાજકથા. ભક્તનો અર્થ છે ભોજન - ખાવા - પીવાની વાનગીઓ. 'સાઉથનાં આ ફરસાણો બહુ ટેસ્ટફુલ છે, બંગાળની આ મીઠાઈની વેરાયટીઓ એકદમ સ્વાદિષ્ટ છે, આ ફાસ્ટફૂડ ખૂબ સમય બચાવે તેવા છે' વગેરે ભોજનકેન્દ્રિત ચર્ચાઓ કર્યા કરવી તે છે ભક્તકથા.
ફ્રાન્સનું એફિલટાવર જોવા જેવું છે, તો નાયગ્રાનો ધોધ જોવા જેવો છે; અમેરિકાની પ્રજા એકદમ બોલ્ડનેસ છે, તો સ્વીટ્ઝરલેન્ડ જાણે ધરતીનું સ્વર્ગ છે. આવી આવી દુનિયાભરની વાતો કર્યા કરવી તે છે દેશકથા. સ્ત્રીઓની - ઉપલક્ષણથી વિજાતીય વ્યક્તિની ચર્ચાઓ કરવી કે આનું રૂપ અતિશય આહ્લાદક છે - આનાં અંગોપાંગ આકર્ષક છે - આના હાવભાવ માદક છે. તો એ થઈ સ્ત્રીકથા (વિજાતીય કથા). આ ચારે ચાર કે એના જેવી અન્ય વિકથાઓ દ્વારા વ્યક્તિ આત્મિક દ્રષ્ટિએ - કોઈ લાભ તો પામી શકતી નથી, બલ્કે મોટાં નુકસાનો પામે - વ્યર્થ પાપો બાંધે. એના દ્વારા થાય માત્ર વિષય - કષાયનાં પોષણ, બંધાય માત્ર વગર કારણનાં પાપ. માટે જૈન શાસ્ત્રોએ આ વિકથાનો સમાવેશ અનર્થદંડનાં પાપકારણોમાં કર્યો છે.
આ વિકથાઓ કહેવાનું તો ખરું જ, પરંતુ સાંભળવાનું નુકસાન પણ કેવું ખતરનાક આવી શકે એ જાણવું છે ? તો વાંચો પ્રભુ મહાવીરદેવના સમયમાં થયેલ રાજર્ષિ પ્રસન્નચન્દ્રની આ રોમાંચક જીવન ઘટના :
ભરયુવાનવયે વૈરાગ્યની પરાકાષ્ઠાએ પોતનપુરના રાજવી પ્રસન્નચન્દ્ર પ્રભુ મહાવીરદેવના શ્રમણ થઈ રાજર્ષિ બન્યા. વફાદાર મન્ત્રીઓના ભરોસે એમણે પોતાના બાળપુત્રને રાજગાદી પર આરૂઢ કર્યો હતો. શ્રમણ બન્યા બાદ તેઓ એક વાર રાજગૃહીનગરની બહાર કાયોત્સર્ગ ધ્યાનમાં લીન હતા. ભરઉનાળે સૂર્ય સામે દ્રષ્ટિ રાખી આતાપના, એક પગ પર ઊભા રહેવું અને બે હાથો લાંબા ઊર્ધ્વ રાખવા : આવી કષ્ટમય શૈલીએ તેઓ શરીરમૂર્છાથી વિરક્ત રહી ધ્યાન ધરતા હતા. બરાબર એ સમયે રાજગૃહીના સમ્રાટ શ્રેણિકની સવારી પ્રભુ મહાવીરદેવની ધર્મદેશનાનાં શ્રવણ માટે ત્યાંથી પસાર થઈ.
સવારીમાં મોખરે જઈ રહેલ બે રાજસૈનિકો પૈકી દુર્મુખ નામે સૈનિકે રાજકથારૂપ વિકથા આદરતા એના સાથીએ કહ્યું : 'આ જે શ્રમણ ધ્યાન ધરે છે એ પોતનપુરના પૂર્વ રાજા છે. એમનાં રાજ્યમાં અત્યારે ભયાનક રમખાણ મચ્યું છે. શત્રુરાજાએ આમના વફાદાર મન્ત્રીઓને ફોડી નાંખી પોતાના પક્ષે કરી લીધા છે. શત્રુરાજાનાં આક્રમણમાં આપનો પુત્ર બાળરાજા બરાબરનો ફસાયો છે. એના જૂજ વફાદાર સૈનિકો લડત આપે છે. પણ એ બાળરાજા આજ-કાલમાં મર્યો કે મરશે એ નક્કી છે.'
આ શબ્દો કાને અથડાતાં રાજર્ષિ પ્રસન્નચંદ્રની ધ્યાનધારા વિક્ષિપ્ત થઈ ગઈ. બાહ્ય મુદ્રા એની એ જ ધ્યાનાવસ્થાની જ રહી. પરંતુ ભીતર ધમસાણ મચી ગયું. પ્રસન્નચંદ્ર વીસરી ગયા કે હું શ્રમણ છું - ધ્યાનાવસ્થામાં છું. એ મનોમન પોતનપુરની યુદ્ધભૂમિમાં પહોંચી જઈ બાલપુત્રની તરફેણમાં માનસિક યુદ્ધ કરવા માંડયા. મનથી એકેક શત્રુ પર ઘા અને એ શત્રુ ખતમ : આ કલ્પનાવિશ્વમાં એમણે થોડી વારમાં અનેક શત્રુઓ હણીને બાળરાજાનો બચાવ કર્યો. પરંતુ મનની વિચારધારા અત્યંત સંક્લિષ્ટ-હિંસક બની ગઈ. બરાબર એ જ ક્ષણે સમવસરણમાં પ્રભુ મહાવીરદેવ સમક્ષ પહોંચેલ સમ્રાટ શ્રેણિક મુનિવરની અદ્ભુત સાધનાથી પ્રભાવિત થઈ પ્રભુને પ્રશ્ન કર્યો : 'આ ક્ષણે તે મુનિ કાલધર્મ (મૃત્યુ) પામે તો કઈ સદ્ગતિમાં જાય ?' સર્વજ્ઞા પ્રભુએ નિષ્પક્ષ ઉત્તર આપ્યો : 'અત્યારે એ કાલધર્મ પામે તો સાતમી નર્કે જાય.' શ્રેણિક સ્તબ્ધ થઈ ગયા આ ધારણા બહારની વાતથી.
પછી તો શુભ નિમિત્ત મળતાં તુર્ત જ મુનિ આ દુષ્ટ વિચારણાથી મુક્ત થઈ વૈરાગ્ય અને વિતરાગતા સુધી પહોંચી ગયા અને કેવલજ્ઞાન પામી અંતે મોક્ષે સિધાવ્યા. પરંતુ આ ઘટનાની મહત્વની નોંધપાત્ર બાબત એ છે કે આવા મહાન વૈરાગી ચરમદેહી મહામુનિને પણ વિકથાનાં શ્રવણે કઈ નિમ્ન ભૂમિકાએ પહોંચાડી દીધા ! વિકથાનું કથન હો કે શ્રવણન : એની નકારાત્મક તાકાત કેવી ખતરનાક છે એ પ્રસન્નચંદ્ર રાજાની આ ઘટનાથી સમજાય છે.
જેટલી ખતરનાક નકારાત્મક તાકાત વિકથાની છે, એટલી ગજબનાક સકારાત્મક તાકાત સત્કથાની છે. વિકથા માટે ધર્મરત્નપ્રકરણગ્રન્થની મૂળ ગાથામાં એક પંક્તિ લખાઈ છે કે 'નાસઈ વિવેગરયણં'. વિકથા વ્યક્તિનાં જીવનમાંથી વિવેક નામનું રત્ન નષ્ટ કરે છે. વિવેક એવું રત્ન છે કે એના ઝળહળાટમાં 'શું કરાય કે શું ન કરાય ? શું બોલાય કે શું ન બોલાય ? શું વિચારાય કે શું ના વિચારાય ?' આવી આવી અનેક બાબતો સ્વયં સ્પષ્ટ થઈ જાય. વિકથા જો આ વિવેકરૂપી રત્નને નષ્ટ કરનાર પરિબળ છે, તો સત્કથા વિવેકરૂપી રત્નની પ્રાપ્તિનું પ્રબળ કારણ છે, કારણ કે સત્કથામાં હંમેશા એવી વ્યક્તિઓની જીવનઘટનાઓ વણાય છે કે જેનું જીવન મહાન હોય, મૂલ્ય આધારિત હોય.
જૈન પરંપરામાં આ સત્કથાઓનું મહત્વ કેવું છે એનો અંદાજ આપણને શ્રાદ્ધપ્રતિક્રમણવંદિતુસૂત્રની એક ગાથા પરથી મળી રહે છે. ધ્યાનમાં રહે કે આ એ વંદિતસૂત્ર છે કે જેનો ઉપયોગ બારેય માસનાં સવાર-સાંજનાં તમામ પ્રતિક્રમણોમાં અચૂક-અનિવાર્યપણે કરવાનો નિયમ છે. આ સૂત્રની એક ગાથા આ છે કે :-
ચિરસંચિઅ પાવપણાસણીઈ, ભવસયસહસ્સ મહણીએ;
ચઉવીસ જિણવિણિગ્ગય, - કહાઈ વોલંતુ મે દીઅહા.
ભાવાર્થ કે ચિરકાલીન પાપોનો નાશ કરનારી… લાખો ભવોની પરંપરા ખતમ કરનાર… ચોવીશ શ્રી તીર્થંકર ભગવંતોના મુખમાંથી થયેલી… સત્કથાઓનાં શ્રવણમાં-વાચનમાં અમારા દિવસો પસાર થાઓ ! કેવી સરસ ભાવના/પ્રતિબદ્ધતા સત્કથા પ્રત્યે આમાં વ્યક્ત થાય છે ! સત્કથાની સરલ વ્યાખ્યા એ છે કે 'જેનાં કારણે જીવદયા - સત્યનિષ્ઠા - પ્રામાણિકતા - સંયમ - સચાદાર - સહાયવૃત્તિ - સહિષ્ણુતા - સમતા વગેરે ઉત્તમ ભાવો ખીલે એવા વૃત્તાંતો તો છે સત્કથા.' આ સત્કથાને જો પૂરી આસ્થાથી - શ્રદ્ધાથી ઝિલાય તો પરિણામ કેવું ઉત્તમ આવે તેનું નિકટના ભૂતકાળનું પ્રસિદ્ધ ઉદાહરણ આપવું હોય તો યાદ આવે મહાત્મા ગાંધીજી.
એમણે એમની આત્મકથા લખી છે 'સત્યના પ્રયોગો'. આ આત્મકથામાં તેઓએ પોતાની બાલ્યાવસ્થાની એક ઘટના આ ભાવની લખી છે કે 'મેં નાની બાલવયે સત્યવાદી હરિશ્ચન્દ્રનું નાટક જોયું. સત્યનાં પાલન માટે રાજા હરિશ્ચન્દ્રે જે ભયંકર દુ:ખો સહન કર્યા, સત્ય માટે એમણે જે બલિદાનો આપ્યાં એ જોઈને હું ખૂબ રડયો. એ રાત્રે મેં મનોમન નિશ્ચય કર્યો કે હું પણ ગમે તે ભોગે સત્યનું પાલન કરીશ.' શબ્દો એમના આ નથી, પણ ભાવ આ જ છે. સત્કથાનાં આ દર્શને - શ્રવણે, એમાંથી પ્રગટેલા દ્રઢ નિશ્ચયે, એમણે સામાન્યમાંથી અસામાન્ય બતાવ્યા !
છેલ્લે સત્કથાના સંદર્ભમાં અગત્યની વાત : સત્કથીને મોટો લાભ એ છે કે તે સ્વ - પર સહુના શુભના અનુબંધમાં નિમિત્ત બનતો હોવાથી એને શુભના અનુબંધની ખૂબ મજબૂત સંભાવના રહે કે જે એને સદ્ગતિ અને અંતે સિદ્ધગતિ તરફ લઈ જાય. વિકથીને મોટું નુકસાન એ કે તે સ્વ - પરના અશુભના અનુબંધમાં નિમિત્ત બનતો હોવાથી એને અશુભના અનુબંધની પ્રબળ સંભાવના રહે કે જે એને દુર્ગતિની પરંપરામાં ખેંચી જાય…