Dharmlok
કોજાગરી પૂર્ણિમા - શરદ પૂનમ : આત્મ-જાગૃતિ અને પરમ ચૈતન્યના સાક્ષાત્કારની દિવ્ય રાત્રિ
By GS Team
21 Oct 20263 mins read

- વિચાર-વીથિકા - દેવેશ મહેતા
યા નિશા સર્વભૂતાનાં તસ્યાં
જાગર્તિ સંયમી ।
યસ્યાં જાગ્રતિ ભૂતાનિ સા
નિશા પશ્યતો મુને: ।।
સર્વ પ્રાણીઓને માટે જે રાત્રિ (સૂવાનો-અપ્રવૃત્તિનો) સમય છે તેમાં સંયમી પુરૂષો જાગે છે (પ્રવૃત્તિ કરે છે) અને જેમાં સર્વ પ્રાણીઓ જાગે છે તે આત્મ તત્વને જાણનારા મુનિ માટે રાત્રિ (અપ્રવૃત્તિ)નો સમય હોય છે. (અર્થાત્ સામાન્ય મનુષ્યો જે સાંસારિક આકર્ષણો, ભોગ-વિલાસ પરત્વે જાગૃત રહે છે તે તરફ આત્મજ્ઞાની પુરૂષ નિદ્રિત (વિરક્ત) રહે છે જ્યારે સામાન્ય મનુષ્યો જેને માટે નિદ્રિત (અપ્રવૃત્ત) રહે છે એવા આત્મજ્ઞાન અને પરમાત્માના ચિંતનમાં યોગી, મુનિ સદા જાગૃત રહી એ કાર્યમાં પ્રવૃત્ત રહે છે.
- શ્રીમદ્ ભગવદ્ ગીતા, અધ્યાય-૨, શ્લોક-૬૯
શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા, કોજાગ્રત પૂર્ણિમા, કૌમુદી પૂર્ણિમા, કુમાર પૂર્ણિમા અને નવઘણ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. અશ્વિન માસના શુકલ પક્ષની પૂર્ણિમા (આસો સુદ પૂનમ)ના રોજ આ ઉત્સવ ઉજવવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે શરદ પૂનમની રાત્રે માતા લક્ષ્મી પૃથ્વી પર વિચરણ કરે છે અને જુએ છે કે કોણ જાગે છે (દ્વ્ખ્ત દ્ર્।ચ્ણ) ? એના પરથી અપભ્રંશ થતાં કોજાગરી શબ્દ બન્યો હશે. બંગાળ, ત્રિપુરા, આસામ અને મિથિલામાં આ રાત્રિને કોજાગરી પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. બંગાળીમાં કોજાગરીનો અર્થ 'જાગૃત વ્યક્તિ' એવો થાય છે. આ રાત્રિ દરમ્યાન લક્ષ્મીજી જે વ્રતધારી જાગતા હોય અર્થાત્ જે જાગૃત ચેતના ધરાવતા હોય તેમને આશિષ આપે છે. કોજાગરી પૂર્ણિમા-શરદ પૂનમ આત્મ-જાગૃતિ પ્રાપ્ત કરી પરમ ચૈતન્યનો સાક્ષાત્કાર કરવાની દિવ્ય રાત્રિ છે. ઓડિશામાં આ શુભ દિવસને કુમાર પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે અપરિણીત સ્ત્રીઓ તેમને માટે યોગ્ય વર (કુમાર) મેળવવાની માન્યતા સાથે ઉપવાસ કરે છે. અપરિણીત સ્ત્રીઓ આ ઉત્સવની રાત્રિએ ચંદ્રની પૂજા કરે છે. કુમારિકાઓ ચંદ્રના પ્રકાશમાં રમતો રમે છે અને ગીતો ગાઈ નૃત્ય કરે છે.
શરદ પૂર્ણિમા હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર, શુભ, દિવ્ય રાત્રિ માનવામાં આવે છે. એની ધાર્મિક અને આધ્યાત્મિક ઉપાદેયતા સર્વાધિક માનવામાં આવી છે.
શ્રીમદ્ ભાગવત પુરાણના દશમ સ્કંધના રાસ પંચાધ્યાયી તરીકે ઓળખાતા (અધ્યાય ૨૯ થી ૩૩) પાંચ અધ્યાયોમાં વર્ણન કરાયું છે કે શરદ પૂનમની રાત્રે જ ભગવાન શ્રીકૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓ સાથે 'મહારાસ' રચાવ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણે પોતાની દિવ્ય શક્તિથી આ રાતને બ્રહ્માજીની રાત જેટલી લાંબી અને અલૌકિક બનાવી દીધી હતી. 'ભગવાનપિ તા રાત્રી: શરદોત્ફુલ્લ મલ્લિકા: । વિક્ષ્ય રન્તું મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિત: ।। જે રાત્રિઓમાં શરદ ઋતુના પ્રભાવથી મોગરાના સુંદર પુષ્પો ખીલ્યાં હતાં અને ચારેય તરફ સુગંધ પ્રસરી રહી હતી તે (શરદ પૂર્ણિમાની) રાત્રિઓને જોઈને સ્વયં ભગવાને પણ પોતાની યોગમાયાનો આશ્રય લઈને (ગોપીઓ સાથે) રાસલીલા કરવાનો સંકલ્પ કર્યો. (ભાગવત-૧૦, ૨૯, ૧) ગોપીઓ એ જીવાત્મા છે અને શ્રીકૃષ્ણ એ પરમાત્મા છે. જીવાત્મા જ્યારે માયા, મોહ અને સંસારના દોષો તથા અહંતા-મમતાના બંધનોમાંથી મુક્ત થઈને ઇશ્વરના પ્રેમમાં તલ્લીન થાય તે દિવ્ય સ્થિતિ એટલે જ રાસલીલા. શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધના ૩૩ મા અધ્યાયના અંતમાં શુકદેવજી કહે છે કે જે મનુષ્ય પરમ શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણની આ મહારાસ લીલાનું શ્રવણ કે પઠન કરે છે તેના હૃદયમાંથી કામરૂપી હૃદયરોગ (વાસના) હંમેશ માટે નષ્ટ થઈ જાય છે અને તેને ભગવદ્ ચરણોમાં પરાભક્તિ પ્રાપ્ત થાય છે.
શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પોતાની તમામ સોળ કળાઓથી પૂર્ણ થઈને પૃથ્વી પર અમૃત વર્ષા કરે છે. એટલે શરદ પૂનમની રાત્રે સાકર મિશ્રિત દૂધ-પૌઆ અથવા દૂધ-ચોખાની ખીર બનાવીને ખુલ્લા આકાશમાં ચંદ્રના કિરણો તેના પર પડે તે રીકે રાખવામાં આવે છે. ચંદ્રના કિરણો દ્વારા આ દૂધ-પૌઆ કે ખીરમાં અમૃતના ગુણો ભળે છે. મધ્યરાત્રિ પછી તેનો પ્રસાદ આરોગવાથી પિત્ત શાંત થાય છે. રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યૂનિટી) વધે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે. શરદ પૂર્ણિમાએ ભગવાન શ્રીકૃષ્ણે અલૌકિક મહિમા પ્રદાન કર્યો હતો, તે અત્યારે પણ અખંડ, અક્ષુણ્ણ છે. આ દિવસ ભક્તિ અને આરાધના માટે સર્વોત્તમ કહેવાયો છે. શરદ પૂર્ણિમાની રાત્રિ દરમિયાન કરેલી ઉપાસના પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપાનંદની અનુભૂતિ કરાવે છે. આ રાત્રે ગરબા-રાસ રમવાનું તાત્પર્ય પણ આ જ છે.




