પરંપરા, ભક્તિ અને આધ્યાત્મિક જાગૃતિના મિલનનો ઉત્સવ એટલે જળઝીલણી એકાદશી

ભાદરવા સુદ અગિયારસ એટલે 'જળઝીલણી એકાદશી'. જેને 'વામન એકાદશી' પણ કહેવામાં આવે છે. ચાતુર્માસ દરમિયાન યોગનિદ્રામાં પોઢેલા ભગવાન શ્રીવિષ્ણુ આ પાવન દિવસે પડખું ફરે છે. તેથી તેને 'પાર્શ્વ પરિવર્તિની' એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ગામડાઓમાં અને શહેરના તળાવોમાં ઠાકોરજીને જળાશયમાં નૌકાવિહાર કરાવવાની ભવ્ય લોકપરંપરા સદીઓથી ચાલી આવી છે.
આ પર્વ બાહ્ય ઉત્સવ સાથે માનવીને આધ્યાત્મિક અને સામાજિક સંદેશ પણ આપે છે.
જેમ વિશાળ નદી કે સમુદ્રને પાર કરવા માટે મજબૂત નાવ અને નાવિકની જરૂર પડે છે, તેમ કામ-ક્રોધાદિ દોષો અને ચિંતાઓથી ભરેલા આ ભવસાગરને પાર કરવા માટે ભગવાનના 'નામ'રૂપી નાવ અનિવાર્ય છે.
ભગવાનનું પડખું ફરવું એ આપણને સંકેત આપે છે કે, આપણે પણ જીવનમાં આળસ, અહંકાર અને નકારાત્મકતા છોડીને સદ્વિચાર, સેવા અને સત્કર્મ તરફ વળવું જોઈએ.
જે જળમાં ભગવાન જળવિહાર કરે છે, તે જળ અને જળાશયોને પ્રદૂષણમુક્ત રાખવા અને વરસાદી પાણીનું જતન કરવું એ આજના યુગના નાગરિકની ફરજ બને છે.
જળઝીલણી એકાદશી એ સંસારમાં રહીને પણ જળમાં કમળની જેમ નિર્લેપ રહેવાની પ્રેરણા આપે છે.
આવો, અંતરના વિકારોને ધોઈને પ્રકૃતિનું જતન કરવાનો અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના નામસ્મરણ સાથે જીવનનૈયાને ભવપાર ઉતારવાનો દ્રઢ સંકલ્પ કરીએ.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ




