Dharmlok

જૈનસમાજ : આ પડકારો સામે જાગશે કે પછી...!

By GS Team
29 Jul 20266 mins read
જૈનસમાજ : આ પડકારો સામે જાગશે કે પછી...!
  • આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

પ્રત્યેક દેશમાં જૈન સમાજ પોતાની રીતે કાર્યરત છે. જૈન દેરાસરો, ઉપાશ્રયો અને સેન્ટરો દ્વારા એ એકજૂથ રહ્યો છે, પરંતુ ધીરે ધીરે આમાં ઓટ આવી રહી છે. ભવ્ય જિનાલયો હોય, પણ એમાં આવનારા જૈનોની સંખ્યા ઘટતી જાય છે. એનું મુખ્ય કારણ એ છે કે વિદેશમાં વસતી ત્રીજી પેઢીને જૈન ધર્મ સાથે જોડી રાખવામાં નિષ્ફળ ગયા છીએ. એ પેઢીના યુવાનોને જૈન જીવનસાથી પસંદ કરવા માટે બહુ જૂજ આયોજનો થાય છે. કેટલાક પોતાને હિંદુ તરીકે ઓળખાવે છે, તો કેટલાક અન્ય ધર્મોના સરળ આચાર-વિચારને કારણે એ તરફ દોરવાઈ જાય છે. બીજી બાજુ આ ત્રીજી પેઢીના યુવાનોની આસપાસ જુદા જુદા ધર્મોનું એટલું પ્રેશર હોય છે કે એમને એમની આઈડેન્ટટી બતાવી શકે એવી કોઈ વ્યવસ્થા કે કોઈ માધ્યમ નથી. વળી કેટલાક આ ધર્મનાં વ્રત, જપ, બાધા અને ક્રિયાકાંડને કારણે એનાથી થોડા અલિપ્ત થઈ જાય છે. વળી અન્ય ધર્મોનાં જીવનસાથી મળ્યા હોય ત્યારે લગ્ન પછી બહુ ઓછા યુવકો જૈન ધર્મના આરાધના સ્થળે આવતા હોય છે. કેટલાક શ્રીમદ્ રાજચંદ્રજીના ઉપદેશો, દાદા ભગવાનની વાણી, પ્રજાપતિ બ્રહ્માકુમારી સંસ્થા કે સ્વામીનારાયણ સંપ્રદાયમાં વધુ શ્રદ્ધા ધરાવે છે.
વિદેશમાં હવે મહારાષ્ટ્રિયન અને પંજાબી જ નહીં, પણ અમેરિકન, યહૂદી કે કોરિયન સાથે પણ લગ્ન થતાં હોય છે, ત્યારે અન્યધર્મી યુવક કે યુવતીને જૈન ધર્મની વિશેષતા બતાવવામાં નિષ્ફળતા મળી રહી છે. આપણી પાસે એવું કોઈ આયોજન કે સ્થાન નથી, જ્યાં અન્ય ધર્મના સંદર્ભે જૈન ધર્મની વિશેષતા દર્શાવી શકાય. એના આચારોનું હાર્દ, એનાં મૂલ્યોનું મહત્ત્વ કે એના તત્ત્વવિચારની ગહનતા બતાવી શકાય. જૈન ધર્મની આહારશૈલી અને વિશેષે શાકાહાર દ્વારા માનવસમાજ પર પ્રભાવ પાડી શક્યા હોત, પણ એવું કશું કરવાને બદલે આજે 'જૈન ફૂડ' મોટા ભાગની એરલાઈન્સમાં મળે છે, એમ કહીને આપણે ગર્વ ધારણ કરીએ છીએ.
વિશ્વમાં ચાલતાં યુદ્ધોના સમયે જૈન ધર્મની અહિંસાની પ્રસ્તુતતાનો અવાજ ક્યાંય સંભળાતો નથી. કોરોના મહામારીથી રિબાતા જગતને આપણે પ્રાણીહત્યાના પરિણામે સર્જાતા માનવવિનાશને બતાવી શક્યા નથી. વિશ્વની જુદી જુદી તત્ત્વધારાઓમાં અનેકાંત સિદ્ધાંતની વિશેષતા કે ભૌતિકવાદમાં ઘેરાયેલા જગતને અપરિગ્રહની જીવનશૈલી ક્યાં આપણે કોઈને આપી છે ! મોટે ભાગે આપણે પોતે જ આપણી પરબનાં પાણી પીએ છીએ અથવા તો એ પરબનાં પાણી આપણી પાસે હોય છે તેમ છતાં આપણે પણ પીતા નથી. આજે વિદેશમાં સ્કૂલ, કોલેજ અને જોબમાં એ જુદા જુદા ધર્મના લોકો સાથે કામ કરવું પડે છે, ત્યારે જૈન ધર્મનાં મૂલ્યોથી આગવું ખમીર દાખવવાની ઘટના કેટલી જાણવા મળે છે ?
ખ્રિસ્તી, ઇસ્લામ અને બૌદ્ધ ધર્મે એનો પ્રભાવ જગતમાં વધાર્યો છે. જૈન ધર્મ પછી બૌદ્ધ ધર્મનો પ્રાદુર્ભાવ થયો છતાં આજે બૌદ્ધ ધર્મ વિશ્વના અનેક દેશોમાં પ્રસર્યો છે, ત્યારે કોઈએ એનાં કારણોમાં જવાનો પ્રયત્ન કર્યો છે ખરો ? બલ્કે બન્યું છે એવું કે બિહાર, ઝારખંડમાં વસતી સરાક જાતિ આપણી ઉપેક્ષાને કારણે જૈન ધર્મથી વિખૂટી થઈ ગઈ હતી, જેને આજે જૈન ધર્મ તરફ લાવવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. આજે આપણી પાસે જુદા જુદા દેશોમાં કેટલા જૈનો વસે છે, એના ચોક્કસ આંકડા નથી એ પણ એક કરુણતા ન કહેવાય? દેશ-વિદેશની સંસ્થાઓની ડિરેક્ટરી, જૈન પ્રોફેશનલની ડિરેક્ટરી કે જૈન વિદ્વાનો કે અગ્રણીઓની ડિરેક્ટરી પણ નથી.
એક સમયે ભારતથી વિદેશ ગયેલી વ્યક્તિઓ વતનઝુરાપાનો અનુભવ કરતી હતી. પછીની પેઢી એ વતનઝુરાપાના ગુરુત્વાકર્ષણના બળથી મુક્ત થઈ છે અને ત્યારે એને પોતાના વતનમાં આવેલાં ધર્મસ્થાનો પ્રત્યે પ્રેમ જગાડવા માટે કશું કરવામાં આવે છે ખરું ? આજે તો એન્ટવર્પના જૈન સમાજની પ્રવૃત્તિઓ વિશે કેન્યાના જૈન સમાજને કશી ખબર નથી. ઓસ્ટ્રેલિયામાં ચાલતી ધર્મપ્રવૃત્તિની સાથે દારેસલામની ધર્મપ્રવૃત્તિને કોઈ સંબંધ નથી. ચાલીસેક દેશોમાં જૈન સમાજ પથરાયેલો છે, ત્યારે જન્મભૂમિ અને કર્મભૂમિ વચ્ચે સેતુ સાધવાની વિશેષ આવશ્યકતા છે.
એક સમયે લગ્ન, મૃત્યુ જેવા પ્રસંગોએ અથવા ભારતનાં પવિત્ર તીર્થધામોની યાત્રા કરવા માટે કે પછી યુરોપ, અમેરિકાની કડકડતી ઠંડીથી બચવા માટે વિદેશથી લોકો આવતા હતા, પરંતુ હવે ધીરે ધીરે એ સંખ્યા પણ ઘટતી જાય છે અને ભારતમાં જૈનો લઘુમતીમાં છે અને વિદેશમાં તો એ લઘુમતીમાં પણ નથી. ભારતમાં વંશવૃક્ષ બનાવવાની પ્રવૃત્તિથી પામશે. મૂળિયાં જ ભુલાતાં જાય, ત્યાં કઈ પરિસ્થિતિ ઉભી થાય? ' જીતો', જૈના, આઈ.ઓ. જેવી સંસ્થાઓ સહુને એકસૂત્રે સાધવાનો પ્રયાસ કરે છે. આવીત કાલની પેઢી તો પોતાના પૂર્વજોની પહેચાન આજે વધી ગયેલી જૈનોની સંખ્યા ઓછી થતી જાય છે અને એવો ભય પણ સેવાય છે કે પચાસેક વર્ષ પછી એની પરિસ્થિતિ શી હશે ? જૈન સમાજના વૃદ્ધોને એકલતાભરી જિંદગી ગાળવી પડે છે અને ક્યારેક તો એમને માટે જૈન સેન્ટર એ જ એક છત્રછાયા હોય છે.
જૈન સમાજ એકતામાં દૃઢ શ્રદ્ધા રાખનારો સમાજ છે. મહાવીરની અહિંસા એ માત્ર મનુષ્ય પૂરતી જ મર્યાદિત નથી, પરંતુ પ્રકૃતિ-પ્રાણીમાત્રને આવરી લે છે. જીવનની એકતા (Unity of Life)માં માને છે, તેથી જૈનસમાજ વચ્ચેની એકતા એ તો પ્રાથમિક વાત છે, એની બુનિયાદ પર જ 'પરસ્પરોપગ્રહો જીવાનામ્'ની ભાવના સેવતા આ ધર્મની સૃષ્ટિના જડ-ચેતન સમગ્ર સાથેની એકતા સાધી શકાય.
આખી ઝૂંપડી બળતી હોય, ત્યારે થોડા પૂળા બચાવી લેવા જોઈએ, એવી સ્થિતિ જૈન સમાજની છે. સંખ્યા,જ્ઞાન અને સંગઠનમાં પીછેહઠ કરી રહેલા આ સમાજ કોઈ ક્રાંતિ અને પ્રભાવક પુરુષની ઝંખના રાખે છે. આ શક્ય બને નહીં, ત્યાં સુધી આપણે વર્તમાન પરિસ્થિતિમાં યથાશક્ય પરિવર્તન સાધવાનું કર્તવ્ય બજાવવું જોઈએ. એક એવી સંસ્થાની સ્થાપના કરવી કે જે જૈન ધર્મ વિશે વિશ્વસ્તરે એક અવાજે વાત કરી શકે અને જૈન દર્શનની દૃષ્ટિએ બાહ્ય સંજોગો સામે પોતાનું આગવું વલણ અને અભિગમ દાખવી શકે. અત્યારે પાટીદાર સમાજ અને ઓસવાળ સમાજ આવાં વિશ્વવ્યાપી સંગઠનો ધરાવે છે. એવી જ રીતે 'વિશ્વ ગુજરાતી સમાજ' દ્વારા પણ જગતભરના જુદા જુદા દેશોમાં વસતા ગુજરાતી સમાજને એકસૂત્રે બાંધવાનો પ્રયાસ ચાલે છે. આવું થાય તો જૈન ડાયસ્પોરાની વિશ્વવ્યાપી સંગઠનશક્તિનો લાભ મળે.
હકીકતમાં આપણો દૃષ્ટિકોણ, એ વિસ્તારનો છે. જેમણે वसुधैव कुटुंबकम' કહ્યું, તે કઈ રીતે સંકુચિત રીતે વિચારી શકે ? આ સમયે સૌથી મોટી બાબત ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને લક્ષ્યમાં રાખીને વ્યાપક દૃષ્ટિ કેળવવાની છે. અનેકાંત દૃષ્ટિનું વ્યવહારમાં અમલીકરણ કરવાની છે. 'જૈન ડાયસ્પોરા' આવાં વિવિધ ગ્રૂપોને એકઠાં કરીને એમની વચ્ચે સંવાદિતા સાધી શકે છે. કોઈ યોગ્ય ઉકેલ શોધી આપે. અમેરિકાની 'જૈના' સંસ્થા, અણુવિભા કે ઇન્સ્ટિટયૂટ ઓફ જૈનોલોજી જેવી સંસ્થાની રચના થવી જોઈએ, જે વિશ્વના પ્રશ્નો વિશે અને વિવિધ દેશોમાં વસતા જૈન સમાજની સમસ્યાઓને વાચા આપી શકે અને જૈન ધર્મ-દેશનાના પ્રસારમાં અગ્રણી ભૂમિકા ભજવી શકે.
જૈન સમાજ પ્રગતિશીલ હોવાને કારણે એ ભારતની બહાર અનેક દેશોમાં ફેલાયો છે. આ સમાજ સંપ્રદાય, ગચ્છ વગેરે ધરાવે છે. આ બધા જ સંપ્રદાયો, જૈનત્વની બાબતમાં એક થાય તે જરૂરી છે कलियुगे संघशक्ति એટલે કે કળિયુગમાં સંઘશક્તિનું મહત્ત્વ છે. આવી સંઘશક્તિ એટલે કે એકતાને ખંડિત કરનારી કેટલીક પરિસ્થિતિઓ હોય છે. જુદા જુદા પંથના લોકો વચ્ચે તીર્થની બાબતમાં, ધર્મગ્રંથની બાબતમાં કે ધર્મના આચારની બાબતમાં મતભેદો જોવા મળે છે. આવા મતભેદો અન્ય ધર્મોમાં પણ પ્રવર્તે છે, પરંતુ કયારેક આ મતભેદ મનભેદ અને ઘર્ષણમાં પરિણમે છે અને એને પરિણામે એક જ સંપ્રદાયમાં માનનારાઓ વચ્ચે અંદરોઅંદર અથવા તો અન્ય સંપ્રદાયો સાથે ઘર્ષણ થાય છે, કોર્ટના કેસ થાય છે. ક્યારેક મારામારી પણ થાય છે. આપણો દૃષ્ટિકોણ સંકુચિત થતો જોવા મળે છે. (ક્રમશ:)