પર્યુષણાની પ્રેરણા : આપો શાતા, પામો સુખશાતા

- પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ
પ્રેમનો પયગામ પ્રસરાવતા જૈન ધર્મનાં સર્વોત્તમ મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણાનો પ્રારંભ શ્રાવણ વદિ બારશ, તા.૮ સપ્ટેમ્બરથી થઈ રહ્યો છે ત્યારે સ્મરણમાં આવે છે પર્યુષણના પાંચ કર્તવ્યો. આ પાંચે ય કર્તવ્યોમાંથી પ્રેમનો સંદેશ પ્રગટી રહ્યો છે. (૧) અમારિપ્રવર્તન કર્તવ્યમાંથી અહિંસા પ્રેમનો (૨) ચૈત્યપરિપાટી કર્તવ્યમાંથી પ્રભુપ્રેમનો (૩) સાધર્મિકભક્તિ કર્તવ્યમાંથી સાધર્મિક પ્રેમનો (૪) અઠ્ઠમતપ કર્તવ્યમાંથી તપપ્રેમનો અને (૫) ક્ષમાપના કર્તવ્યમાંથી જીવનપ્રેમનો સંદેશ ધ્વનિત થઈ રહ્યો છે. આ પાંચે ય કર્તવ્યો પૈકી આજે આપણે વિચાર કરીશું પ્રથમ કર્તવ્ય અને તેના સંદેશ ઉપર.ળ
જૈન ધર્મ અત્યંત કરુણાશીલ છે. અહિંસા આ ધર્મના મૂળમાં છે અને એટલે જ પર્યુષણાનું પ્રથમ કર્તવ્ય બતાવાયું છે અમારિપ્રવર્તન… એટલે કે અહિંસાનું પાલન સ્વયં કરવું અને બીજા પાસે કરાવવું. કલિકાલસર્વજ્ઞા હેમચંદ્રાચાર્ય ભગવંતે સ્વરચિત યોગશાસ્ત્રગ્રન્થમાં અહિંસાપાલનથી થતા અનેક લાભો બતાવ્યા છે. અહિંસાપાલન દ્વારા (૧) મનની પ્રસન્નતા મળે (૨) રોગમુક્ત શરીર મળે (૩) દીર્ઘ આયુષ્ય મળે (૪) સૌંદર્ય સંપન્ન કાયા મળે (૫) અનુકૂળ પરિવાર આદિ તમામ સુખની સામગ્રી મળે. એથી ઊલટું, અહિંસાનું પાલન જીવનમાં ન હોય તો આ તમામ બાબતો વિપરીત મળે. ક્યારેક એવું પણ નિહાળવા મળે છે કે હિંસાનું આચરણ વ્યક્તિએ ખુબ તીવ્રતાથી કર્યું હોય તો તેનું ફળ પણ તેણે એવી જ તીવ્રતાથી અને તત્કાલ ભોગવવું પડે. આ સંદર્ભમાં યાદ આવે છે એક સત્ય ઘટના :
મુંબઈ મહાનગરની વાત. એ ભાઈના પત્ની ત્રણેક દિવસ માટે બહાર ગયા હતા. સાંજે ભાઈ ઓફિસેથી ઘરે આવ્યાં. દૈનિક કાર્યોથી નિવૃત્ત થઈને રાત્રે પથારીમાં સૂઈ ગયા. રાત થોડી આગળ વધી ત્યાં કોણ જાણે શું થયું ? ભાઈને શરીર ઉપર જીવ-જંતુ ફરતા હોય અને કરડતા હોય તેવો અહેસાસ થવા લાગ્યો. ભાઈ ઉઠયા, લાઈટ કરીને જોયું તો ખબર પડી કે આખા ઘરમાં અને પથારીમાં સેંકડો માંકડ ફરી રહ્યા હતા. આ જોઈને ભાઈને ભયંકર ગુસ્સો આવ્યો. લાઈટર હાથમાં લીધું અને એક એક માંકડને લાઈટરથી સળગાવીને મારવા લાગ્યા. નિર્દયતાથી અને ક્રૂરતાથી તેમણે આખી રાત માંકડો મારવાનું ચાલું રાખ્યું. એક પણ માંકડને ન છોડયો. સવાર પડી. રાતના ઉજાગરાથી થાકેલા ભાઈએ પાણી ગરમ કરવા માટે પ્રાયમસ શરૂ કર્યો. ત્યાં જ પ્રાયમસમાં અચાનક ભડકો થયો. ભાઈનું આખું મુખ દાઝી ગયું. બૂમાબૂમ થઈ. હોસ્પિટલમાં લઈ જવાયા, સર્જરી થઈ. ભાઈ બચી તો ગયા પણ મોઢું કાયમ માટે અત્યંત વિકૃત થઈ ગયું. તીવ્ર હિંસાનું ફળ તત્કાલ મળી ગયું. આપણા જીવનમાં આવું વિપરીત પરિણામ ન આવે એ માટે પર્યુષણા લઈને આવે છે અહિંસાપ્રેમનો સંદેશ. પર્યુષણા આપણને સમજાવે છે કે જો બીજા જીવોને તમે સાચવશો તો તમે પણ સચવાઈ જશો અને બીજાને મોત આપશો તો તમે પણ મોતની પરંપરા પામશો. અન્યને શાતા આપશો તો તમને પણ સુખશાતા મળશે અને અન્યને પીડા આપશો તો તમને પીડા મળશે. આવો, આપણે પર્યુષણાનો આ સંદેશ આત્મસાત્ કરીએ… સૂક્ષ્મ અહિંસાનું પાલન કરીને જીવન સુખમય બનાવીએ.




