Dharmlok
એન્ટવર્પમાં પર્યુષણમાં સૌથી વધુ તપશ્ચર્યા કરનારને સ્વપ્ન ઉતારવાનો લાભ અપાય છે!
By GS Team
15 Jul 20265 mins read
બ્રિટનમાં 30,000 જૈનો વસવાટ કરે છે, જેમાં 80% કેન્યા, યુગાન્ડા અને તાન્ઝાનિયાથી આવેલા છે. ત્યાં 20 જેટલી જૈન સંસ્થાઓ કાર્યરત છે. લેસ્ટરમાં બ્રિટનનું પ્રથમ દેરાસર બન્યું છે, જ્યારે લંડનમાં મહાવીર ફાઉન્ડેશન દ્વારા 2 દેરાસર નિર્માણ પામ્યા છે. ઇન્સ્ટિટયૂટ ઓફ જૈનોલોજી દ્વારા જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ રહી છે.
00:00
00:21
Summarized by AI; it may make mistakes. Check important info
બ્રિટનમાં 30,000 જૈનો વસવાટ કરે છે, જેમાં 80% કેન્યા, યુગાન્ડા અને તાન્ઝાનિયાથી આવેલા છે. ત્યાં 20 જેટલી જૈન સંસ્થાઓ કાર્યરત છે. લેસ્ટરમાં બ્રિટનનું પ્રથમ દેરાસર બન્યું છે, જ્યારે લંડનમાં મહાવીર ફાઉન્ડેશન દ્વારા 2 દેરાસર નિર્માણ પામ્યા છે. ઇન્સ્ટિટયૂટ ઓફ જૈનોલોજી દ્વારા જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ રહી છે.
00:00
00:21
Summarized by AI; it may make mistakes. Check important info

- આકાશની ઓળખ - કુમારપાળ દેસાઈ
જૈન ડાયસ્પોરા એટલે જૈન ધર્મની જન્મભૂમિ ભારતની બહાર થયેલો જૈન ધર્મનો પ્રસાર. આ અંગે અમેરિકામાં થતી જૈન પ્રવૃત્તિઓ પછી હવે બ્રિટન ચાલતી જૈન પ્રવૃત્તિઓનો વિચાર કરીએ. બ્રિટનમાં ત્રીસ હજાર જેટલા જૈનો વસવાટ કરે છે. એમાંના એંસી ટકા જૈનો તો કેન્યા, યુગાન્ડા અને તાન્ઝાનિયાથી આવેલા છે. કેટલાક એડન (યમન)થી આવેલા છે અને કેટલાક ભારતથી અભ્યાસ અર્થે અહીં આવેલા છે. અહીં વીસ જેટલી જુદી જુદી જૈન સંસ્થાઓ કાર્યરત છે. ઓસવાળ એસોશિયેશન ઓફ યુ.કે. ઇન્સ્ટિટયૂટ ઓફ જૈનોલોજી, જૈન સમાજ , યુરોપ, જૈન નેટવર્ક અને મહાવીર ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ આગવી રીતે કાર્ય કરે છે. ઇંગ્લેન્ડના લેસ્ટર શહેરમાં બ્રિટનનું સૌથી પ્રથમ દેરાસર નિર્માણ પામ્યું.
બ્રિટનમાં જૈનોનું આગમન ઘણું મોડું શરૂ થયું. બીજા વિશ્વયુદ્ધ સમયે થોડાંક જૈન કુટુંબો બ્રિટનમાં વ્યાપાર અર્થે આવ્યા હતા અને પછી કેન્યા, યુગાન્ડા અને તાન્ઝાનિયા જેવા દેશો જેમ જેમ સ્વતંત્ર થયા, તેમ તેમ ત્યાંના ભારતીયોએ બ્રિટનમાં સ્થળાંતર કર્યું. એ દેશોમાં વસતા જૈનોમાંથી ત્રીજા ભાગના કે તેથી વધારે બ્રિટનમાં આવ્યા. કારણકે એ દેશ પર બ્રિટનનું પ્રભુત્વ હતું અને સ્વતંત્રતા બાદ આફ્રિકાવાસીઓને બ્રિટનમાં આવવાનો હક્ક હતો. આથી આફ્રિકામાં વસતા, પણ બ્રિટિશ પાસપોર્ટ ધરાવતા હજારો જૈનો બ્રિટનમાં આવ્યા.
૧૯૫૦-૬૦ના દાયકામાં ભારતનાં જે ગ્રેજ્યુએટો બ્રિટન આવવા માગતા હતા. તેમને અહીં વ્યવસાય માટે આવવાની છૂટ હતી. બ્રિટનમાં વસતા જૈનોમાં ૭૫ ટકા જેટલા જૈનો હાલારી વીસા ઓસવાળ જૈનો છે અને બાકીના અન્ય સમાજના છે. આજે ઓસવાળ એસોશિયેશન ઓફ યુ.કે.એ બ્રિટનની સૌથી મોટી જૈન સંસ્થા છે. જ્યારે બીજી સંસ્થાએ નવનાત વણિક એસોશિયેશન છે. જેમાં સ્થાનકવાસી, દશાશ્રીમાળી, વીસા શ્રીમાળી, કપોળ વગેરે નવનાતનો સમાવેશ થાય છે. બ્રિટનના લંડન, લેસ્ટર અને માન્ચેસ્ટર જેવાં શહેરોમાં જૈનોની વસ્તી નોંધપાત્ર છે. માત્ર ચારેક લાખની કુલ વસ્તી ધરાવતા લેસ્ટરમાં બ્રિટનનું સર્વપ્રથમ જૈન દેરાસર નિર્માણ પામ્યું. આજે અહીં બે હજાર જેટલા જૈનો વસે છે.
લંડનમાં મહાવીર ફાઉન્ડેશન દ્વારા કેન્ટન રોડ પર એક દેરાસર અને એવું જ એક બીજું દેરાસર કોલીન્ડેલ એવન્યૂમાં નિર્માણ પામ્યું છે. આ ઉપરાંત બ્રિટનમાં મહાવીર ફાઉન્ડેશન, જૈન નેટવર્ક, યંગ જૈન્સ જૈવી સંસ્થાઓ કાર્યરત છે. બ્રિટનની ઇન્સ્ટિટયૂટ ઓફ જૈનોલોજીએ લંડનમાં પ્રથમ યુ.કે.ની જુદી જુદી સંસ્થાઓ વચ્ચે અને ત્યારબાદ બ્રિટનના જુદા જુદા જૈન સંપ્રદાયો વચ્ચે એકતા આણવાનો પ્રયાસ કર્યો. આજે એને પરિણામે બ્રિટનની પાર્લામેન્ટમાં મહાવીરજયંતીની ઉજવણી કરવામાં આવે છે.
જૈન ડાયસ્પોરાની વાત કરીએ, ત્યારે આ સંસ્થાનાં કાર્ય પર દૃષ્ટિપાત કરવો જોઈએ. શ્રી રતિલાલ ચંદરયાના ચેરમેનપદે અને શ્રી નેમુ ચંદરયાના નેતૃત્વ હેઠળ આ સંસ્થાએ અનેકવિધ આયોજનો દ્વારા એનો વૈશ્વિક વ્યાપ વધાર્યો. ૧૯૯૭માં ઇંગ્લેન્ડ અને ભારત એ બંને દેશો વચ્ચે અને સમગ્ર દેશમાં વસતા જૈનો સાથે સંવાદ સધાય તે માટે અમદાવાદમાં સંસ્થાની સ્થાપના કરી. ઇન્સ્ટિટયૂટ ઓફ જૈનોલોજીનો હેતુ જૈનદર્શનના સિદ્ધાંતોને લક્ષમાં રાખીને વિશ્વશાંતિ અને માનવકલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ કરવી અને એ દ્વારા જૈનદર્શનનાં ઉત્કૃષ્ટ તત્ત્વો, એનાં મૂલ્યો અને એની સંસ્કૃતિનો વિશ્વભરમાં પ્રચાર-પ્રસાર કરવો. જુદા જુદા દેશના જૈન સમાજ વચ્ચેના સંપર્કનો આ સંસ્થાએ સક્રિય પ્રયાસ કર્યો.
૧૯૯૦ની ૨૩મી ઓક્ટોબરે લંડનના બંકિગહામ પેલેસમાં વિશ્વના પાંચેય ખંડના જૈન અગ્રણીઓની ઉપસ્થિતિમાં 'જૈન ડેક્લેરેશન ઓફ નેચર' નામનું પુસ્તક ઉઉહ્લ ના અધ્યક્ષ પ્રિન્સ ફિલિપને બંકિમહામ પેલેસમાં અર્પણ કર્યું. એની આઠ હજાર પ્રત અમેરિકા અને કેનેડામાં વસતા જૈન સમાજને માટે 'જૈના'ને મોકલી. એ ઉપરાંત સિંગાપોર, હોંગકોંગ, જાપાન અને બેલ્જિયમમાં એનું વિતરણ કર્યું. એનો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ફ્રેંચ અનુવાદ પ્રગટ થયો. એ પછી લંડનની બ્રિટિશ લાઈબ્રેરીની હસ્તપ્રતોનું કેટલોગ ત્રણ ભાગોમાં તૈયાર કરવામાં આવ્યું. જેનું ૨૦૦૩ની ૨૭મી મેએ દિલ્હીના વિજ્ઞાનભવનમાં ભારતના વડાપ્રધાન શ્રી મનમોહનસિંહના હસ્તે વિમોચન થયું.
આચાર્યશ્રી ઉમાસ્વાતિજીરચિત 'તત્ત્વાર્થસૂત્ર'નું અદ્યતન અંગ્રેજી ભાષામાં '્રટ્વં ઉરૈષ્ઠર ૈંજ' ના નામે અનુવાદ કરવામાં આવ્યો. ૧૯૯૩માં શિકાગોમાં યોજાયેલી પાર્લમેન્ટ ઓફ રિલિજિયન્સમાં ' ધી જૈન્સ'ના એક જ બેનર હેઠળ તમામ જૈન સંસ્થાઓનું પ્રતિનિધત્વ કરવામાં આવ્યું. એ જ રીતે શ્રી વીરચંદ રાઘવજી ગાંધીની બે અર્ધપ્રતિમા તૈયાર કરાવી એમના જન્મસ્થળ મહુવામાં અને બીજી અમેરિકાના શિકાગો શહેરનાં જૈન દેરાસરના પરિસરમાં મુકાવી. સર્વ-પ્રથમ વાર જૈન ડેલિગેશન વેટિકન સિટીમાં પોપ જ્હોન પોલ (દ્વિતીય) ને મળ્યું અને એ પછી આજ સુધી જૈન ડેલિગેશન એના સભ્યો સાથે વેટિકન જઈને જૈન તત્ત્વજ્ઞાન, પર્યાવરણ અને સામૂહિક રસના વિષયો પર ચર્ચા કરે છે.
૨૦૦૩થી આ સંસ્થા દ્વારા બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં 'અહિંસા દિવસ'ની ઉજવણી થાય છે અને અહિંસા એવોર્ડ આપવામાં આવે છે. જે આ કોલમ લેખકને બ્રિટનની પાર્લામેન્ટમાં મિનિસ્ટર ઓફ ફેઇથ દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. અત્યારે આ સંસ્થાનું સુકાન મેહુલ સંઘરાજકા સંભાળે છે. ભારતમાં પણ હસ્તપ્રતવિદ્યાના વર્ગો કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયે સહાય, યુવા યાત્રા, પ્રકાશન પ્રવૃત્તિ, વ્યાખ્યાનશ્રેણી, પરિસંવાદ જેવાં અનેક કાર્યો આ સંસ્થા દ્વારા ચાલે છે. ઓસવાળ સમાજે લંડનની ઉત્તરે ચોર્યાસી એકર જમીનમાં પોટસબારમાં વિશાળ જૈન દેરાસરનું નિર્માણ કર્યું છે. બ્રેન્ટ અને હેરો વિસ્તારની શાળામાં જૈન ધર્મનું શિક્ષણ આપવામાં આવે છે.
તાજેતરમાં બે હજારથી વધુ જૈન હસ્તપ્રતો બ્રિટનનાં વેલકમ ટ્રસ્ટના કલેકશનમાંથી યુનિવર્સિટી ઓફ બર્િંમગહામમાં ચાલતા ધર્મનાથ નેટવર્ક ઇન જૈન સ્ટડીઝ વિભાગને આપવામાં આવી, જેમાં ઇન્સ્ટિટયૂટ ઓફ જૈનોલોજીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હવે એ હસ્તપ્રતો સહુ કોઈને ઉપલબ્ધ થશે.
બેલ્જિયમના એન્ટવર્પમાં ત્રણસો પચાસ જેટલાં જૈન કુટુંબો વસે છે. મુખ્યત્વે તેઓ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને ત્યાં પણ 'જૈન કલ્ચરલ સેન્ટર, એન્ટવર્પ, દ્વારા વિશાળ શંખેશ્વર પાર્શ્વનાથ મંદિર અને ઉપાશ્રય જોવા મળે છે. ૧૯૯૨ થી અહીં પર્યુષણ પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. એની એક વિશિષ્ટતા એ છે કે પર્યુષણમાં શ્રી મહાવીર જન્મવાચનના દિવસે સ્વપ્ન ઉતારવાનો લાભ બોલી બોલીને નહીં પણ ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરનાર તપસ્વીને આપવામાં આવે છે. આ ઉપરાંત સમૂહ શાતા ના કાર્યક્રમમાં દેરાસરના એક ખંડમાં તમામ તપસ્વીઓ એકત્રિત થાય છે અને સહુ એમની શાતા પૂછે છે, કારણકે પર્વની આરાધના દરમિયાન વ્યક્તિગત રીતે જુદા જુદા સમયે તપસ્વીઓની શાતા પૂછવાની પદ્ધતિથી એમની આરાધનામાં ખલેલ પડતી હોય છે. એ જ રીતે સંઘ દ્વારા તપસ્વીઓનાં સમૂહ પારણાનું આયોજન થાય છે, જેમાં બધા જ તપસ્વીઓને સંઘના તમામ સભ્યો પારણું કરાવે છે.
જિનાલયના પ્રારંભથી જ કેટલાંક શ્રાવક-શ્રાવિકાઓ અષ્ટપ્રકારી પૂજા કરે છે અને પ્રત્યેક ૨૭ મી ઓગસ્ટે દેરાસર અને આરાધના ભવનની વર્ષગાંઠ ઊજવવામાં આવે છે. દર રવિવારે યોજાતી પાઠશાળામાં ૧૨૫ બાળકો ભાગ લે છે. ચૈત્ય પરિપાટી પણ યોજવામાં આવે છે. પ્રતિવર્ષ બે શિબિરનું આયોજન થાય છે. દેરાસર અને આરાધના ભવનને કારણે એન્ટવર્પનાં જૈન સમાજ પર પડેલા ધાર્મિક પ્રભાવ અને પાલનપુર, પાટણ જેવાં શહેરોમાંથી મળેલા સંસ્કાર-વારસાને કારણે દરરોજ એકસો વ્યક્તિઓ પૂજા કરે છે અને મોટી સંખ્યામાં દર્શનાથીઓ આવે છે. (ક્રમશઃ)









