અન્યોનાં દુ:ખો ન જોઈ શકો તો માનજો કે હૈયું દયાળું છે...અન્યોનાં સુખો ન જોઈ શકો તો માનજો કે હૈયું ઈર્ષ્યાળુ છે...

અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ
''સમ્યગ્દર્શન આપણામાં છે કે નહિ તે પરખવા શાસ્ત્રોએ જે પાંચ લક્ષણો દર્શાવ્યા છે તેમાં ચોથું લક્ષણ છે દયા-અનુકંપા. આત્મા સમ્યગ્દર્શનવંત હોય અને એનામાં દયા ન હોય એવું બને જ નહી. દયાગુણનું વર્ચસ્વ-પ્રભુત્વ આત્મવિકાસના ક્રમમાં કેવું પ્રબળ છે તે આ ચોથા લક્ષણની શાસ્ત્રીય વાતમાં પ્રતિબિંબિત થાય છે. મહાન શાસ્ત્રકાર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરે આ લક્ષણનાં નિરૂપણમાં દયાના-અનુકંપાના બે પ્રકાર કર્યા છે : એક, દ્રવ્યઅનુકંપા અને બે, ભાવઅનુકંપા. રોગ-શોક વગેરે દુ:ખોથી ઘેરાયેલ જીવના બાહ્ય દુ:ખ દૂર કરવા તે દ્રવ્યઅનુકંપા છે અને ધર્મરહિત-માર્ગભ્રષ્ટ જીવોને ધર્મપ્રાપ્તિ-મોક્ષમાર્ગપ્રાપ્તિ કરાવવી તે ભાવઅનુકંપા છે.''
''ધર્મરત્નપ્રકરણ'' ગ્રન્થમાં પૂર્વાચાર્ય મહર્ષિએ શુદ્ધ ધર્મપ્રાપ્તિતી મૌલિક ભૂમિકારૂપે જે એકવીશ ગુણો દર્શાવ્યા છે તેમાં દશમા દયાલુતા ગુણનું આપણે વિશ્લેષણ કરી રહ્યાં છે. ગત લેખમાં આપણે આત્મવિકાસની ચાર મહત્વની ભૂમિકાઓમાં દયાગુણની પ્રબળ-સબળ અસરો પર વિચારણા શરૂ કરીને બે ભૂમિકાઓ નિહાળી હતી. હવે વિચારીએ ત્રીજી મહત્વની ભૂમિકા.
ત્રીજી ભૂમિકા છે સમ્યગ્દર્શનની અને તેમાં ય વિશિષ્ટ શ્રાવકની-શ્રમણની. સમ્યગ્દર્શન એવો અદ્ભુત આત્મગુણ છે કે એના લાભો અધ્યાત્મ ક્ષેત્રે જબરજસ્ત અનુભવાય. માત્ર ઝલકરૂપે એના બે-ત્રણ લાભો નિહાળીએ તો સમ્યગ્દર્શન આવે એટલે અનાદિ અનંત ભવભ્રમણ ખૂબ સીમિત-મર્યાદિત થઈ જાય. બીજો લાભ એ કે સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય ત્યારથી જ ભવગણતરી શરૂ થાય. તે પહેલાના ભવો તે જાણે નિરર્થક હોય તેમ ગણતરીમાત્ર પણ ન થાય! ત્રીજો લાભ એ સમ્યગ્દર્શનની હાજરીમાં આયુષ્યબંધ થાય તો વૈમાનિક દેવનું જ આયુષ્ય બંધાય.
આવુ ંઅદ્ભુત સમ્યગ્દર્શન આપણામાં છે કે નહિ તે પરખવા શાસ્ત્રોએ જે પાંચ લક્ષણો દર્શાવ્યા છે તેમાં ચોથું લક્ષણ છે દયા-અનુકંપા. આત્મા સમ્યગ્દર્શનવંત હોય અને એનામાં દયા ન હોય એવું બને જ નહિ. દયાગુણનું વર્ચસ્વ-પ્રભુત્વ આત્મવિકાસના ક્રમમાં કેવું પ્રબળ છે તે આ ચોથા લક્ષણની શાસ્ત્રીય વાતમાં પ્રતિબિંબિત થાય છે. મહાન શાસ્ત્રકાર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરે આ લક્ષણનાં નિરૂપણમાં દયાના-અનુકંપાના બે પ્રકાર કર્યા છે : એક દ્રવ્યઅનુકંપા અને બે ભાવઅનુકંપા. રોગ-શોક વગેરે દુ:ખોથી ઘેરાયેલ જીવના બાહ્ય દુ:ખ દૂર કરવા તે દ્રવ્યઅનુકંપા છે અને ધર્મરહિત-માર્ગભ્રષ્ટ જીવોને ધર્મપ્રાપ્તિ-મોક્ષમાર્ગપ્રાપ્તિ કરાવવી તે ભાવઅનુકંપા છે. સમ્યક્ત્વના સડસઠ બોલની સજઝાયમાં શુદ્ધ ગુજરાતીમાં આ રજૂઆત કરતાં તેઓશ્રી લખે છે કે :-
દ્રવ્ય થકી દુ:ખિયાની જે દયા, ધર્મહીણાની ભાવ;
ચોથું લક્ષણ અનુકંપા કહી, નિજશક્તે મન લાવ…
સમ્યગ્દર્શન સશક્ત અવસ્થામાં જ એનાથી ઉપરની વિશિષ્ટ ભૂમિકા આવે છે ભાવશ્રાવકની. ત્યાં દયા કેવી ઝળહળે તે શ્રાવકનાં જીવનમાં પ્રવર્તતી જયણામાં નિહાળાય છે. પાણી માટે ગળણું હો કે સંખારો સાચવવાની સાવધાની હો, ગેસ શરૂ કરતા પૂર્વે બર્નર પૂંજવાની પ્રવૃત્તિ હો કે લાઈટ - પંખા વગેરેના વપરાશમાં શક્ય સીમિતતા-મર્યાદા હો : આ બધામાં ભાવશ્રાવકની દયાળુતા દૃશ્યમાન થાય છે. નાનામાં નાના જીવને પીડા-ત્રાસ પોતાનાં નિમિત્તે ન થાય તેની કેવી કાળજી શ્રાવકનાં જીવનમાં હોય તે નિહાળવું છે ? તો વાંચો અઢાર દેશના સમ્રાટ કુમારપાલનો આ જીવનપ્રસંગ :
કલિકાલસર્વજ્ઞા હેમચન્દ્રાચાર્યના સંગે પરમાર્હત-પરમશ્રાવક બનેલ કુમારપાલ આઠમ-ચૌદશ જેવા પર્વદિવસોમાં પૌષધવ્રત સ્વીકારી શ્રમણ જેવું જીવન તે દિવસોમાં વીતાવતા, આવા એક પૌષધદિવસમાં કુમારપાલના પગે કોઈ મંકોડો ચીપકી ગયો. કુમારપાલ મહારાજાએ એને ત્રાસ ન થાય-એ મરી ન જાય તેની સાવધાનીપૂર્વક તેને ચરવળાથી દૂર કરવાની કોશિશ કરી. પરંતુ આ તો અણસમજુ જંતુ. જેમ જેમ એને ઉપયોગથી સાવધાનીથી દૂર કરવાની કોશિશ થતી ગઈ તેમ તેમ એ મંકોડો વધુ ને વધુ તીવ્રતાથી ચીપકતો ગયો. એટલું જ નહિ, જોરદાર ડંખ પણ મારતો રહ્યો.
કુમારપાલનાં સ્થાને અન્ય કોઈ નિર્દય વ્યક્તિ હોત તો બળજબરીથી મંકોડો ખેંચવામાં એના ટુકડા કરી નાંખત એને મારી નાંખત. પરંતુ દયાળુ કુમારપાલે આવું કાંઈ જ ન કર્યું. મંકોડો સખત ચીપકી ગયો ત્યારે એમણે છરી મંગાવી પગની ચામડીનો એ ભાગ જાતે ખોતરીને ચામડી સહિત મંકોડાને જુદો કરી સલામત મૂકી દીધો! આમાં એમને તીવ્ર પીડા સહન કરવી પડી, લોહીની ધાર વછૂટી. પરંતુ એમણે નાચીજ-નાસમજ મંકોડાને પીડા થવા ન દીધી. કેવી અદ્ભુત-આદર્શ દયાળુતા!
સમ્યગ્દર્શનની અવસ્થામાં જ ભાવશ્રાવકથી ય ચડિયાતી ભૂમિકા છે ભાવશ્રમણની. ત્યાં તો દયાની એટલી બોલબાલા-મહત્તા છે કે ન પૂછો વાત. બેસવામાં ય રજોહરણથી પ્રમાર્જના, તો રાત્રે ચાલવામાં ય દંડાસનથી પ્રમાર્જના. એમના માટે શાસ્ત્રોમાં વિશેષણ આવે છે કે ''અભિક્ખણં અભિક્ખણં પમજ્જણાસીલસ્સ.'' અર્થાત્ વારંવાર વારંવાર પ્રમાર્જનાશીલ હોય તે છે શ્રમણ. અરે! દશવૈકાલિકા આગમગ્રન્થમાં તો એક એવી ગાથા પ્રસ્તુત કરાઈ છે કે જેમાં શ્રમણની તમામે તમામ પ્રવૃત્તિ દયા-જયણાથી મંડિત જ હોવાનું જણાવાયું છે. આ રહીં એ ગાથા કે :-
જયં ચરે જયં ચિટઠે,
જયમાસે જયં સએ,
જયં ભુંજંતો ભાસંતો,
પાવં કમ્મં ન બંધઈ.
ભાવાર્થ શ્રમણ વિહાર કરે કે સ્થિર રહે, બેસે કે સૂરે, ભાષણ કરે કે ભોજન કરે : સર્વત્ર એ જયણા-દયાપૂર્વક પ્રવર્તે છે. માટે એને પાપબંધ ન થાય. ભાવભ્રમણની કેવી મર્યાદા-લક્ષ્મણરેખા આમાં પ્રરૂપિત છે કે જેમાં કેવલ ને કેવલ દયા જ ઝળહળે છે !
હવે વિચારીએ આત્મવિકાસની સર્વોચ્ચ અવસ્થા-તીર્થકરત્વની વાત. તીર્થકરત્વ એટલે અધ્યાત્મક્ષેત્રનું સર્વોચ્ચ શિખર. કારણે કે તીર્થકરભગવંતો અન્ય સામાન્ય કેવલજ્ઞાાનીભગવંતોની જેમ તે ભવના અંતે સર્વકર્મ ક્ષય કરીને શ્રેષ્ઠ સિદ્ધાવસ્થા તો પામે જ છે. ઉપરાંત તીર્થકરનાં જન્મમાં ધર્મતીર્થની સ્થાપના કરીને અગણિત અગણિત જીવોને સંસારપાર ઊતરવાનું ઉત્તમોત્તમ અલંબન આપે છે. આ ઉત્તમ ભાવોપકાર તીર્થકર પ્રભુ સિવાય અન્ય કોઈ કરી શકતું ન હોવાથી તીર્થકરત્વ અધ્યાત્મક્ષેત્રનું સર્વોચ્ચ શિખર ગણાય છે.
આ તીર્થકરત્વની પ્રાપ્તિમાં નિમિત્ત બને છે તે તારક પ્રભુના આત્માની પૂર્વના ત્રીજા ભવની આરાધના. તે ભવમાં એ મહાનુભાવો એક તરફ વીશસ્થાનકતપની સાધના કરે છે અને બીજી તરફ તીવ્રપણે જગતના સર્વ જીવોના દુ:ખો દૂર કરવાની ભાવના કરે છે કે ''સહું જીવો ધર્મ પામો, પાપોથી-દોષોથી મુક્ત થાઓ અને ખરા અર્થમાં સંસારનાં દુ:ખોથી મુક્ત થાઓે'' આ ભાવનાને જૈન શાસ્ત્રો ભાવકરુણા કહે છે. ધ્યાનથી વિચારીશું તો સમજાશે કે આ પણ દયાનું ભાવદયાનું સ્વરૂપ છે. મતલબ ? તીર્થકરત્વ જેવા સર્વોત્તમ આધ્યત્મિક પદની પ્રાપ્તિમાં પદ દયા-ભાવદયા કાર્યરત હોય છે.
હવે વિચારએ આ તીર્થકરત્વની પ્રાપ્તિના પ્રભાવે સહજભાવે-અનાયાસે જ અન્યોને થતાં બાહ્ય-અભ્યંતર દુ:ખો દૂર કરવાના કેટલાક લાભો : (૧) શ્રિ તીર્થકરપ્રભુના ચ્યવનાદિ પાંચ કલ્યાણકો થાય ત્યારે એ પ્રભુના પુણ્યપ્રભાવે એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોને અન્તર્મુહૂર્ત સુધી શાતાનો અનુભવ થાય. અરે! જે જીવો નિરંતર દુ:ખમાં જ સબડતા હોય તે નર્કના જીવોને પણ પ્રભુના કલ્યાણકારોના પ્રભાવે સુખની અનુભૂતિ થાય (૨) પ્રભુ દીક્ષા પૂર્વે સળંગ એક વર્ષ પ્રભાતે નિત્ય એક કરોડ આઠ લાખ સુવર્ણમુદ્રાનું દાન કરે. એનાથી દરિદ્ર જીવોનાં દારિદ્રય તો દૂર થાય જ. ઉપરંત એક આશ્ચર્યકારી ઘટના એ બને કે તે દાન જે લે તે વ્યક્તિના છ-છ માસ જૂના રોગ દાનપ્રાપ્તિના પ્રભાવે દૂર થાય અને આગામી બાર વર્ષ સુધી એને કોઈ રોગ ન થાય. (૩) તીર્થકર બનીને પ્રભુ જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં બધી દિશા મળી કુલ પાંચસો માઈલ સુધી રોગ-વૈર-મારી વગેરે ઉપદ્રવો અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ-દુકાળ- અન્ય રાજ્યનો આક્રમણભય વગેરે ન હોય. શું છે આ ઝલકોનો નિર્દેશ ? એ જ કે તીર્થકરત્વના પ્રભાવે સહજતાથી થતો બાહ્ય દુ:ખોનો નાશ.
હવે ઝલક નિહાળીએ અભ્યંતર દુ:ખોના નાશની. શ્રી તીર્થંકરપ્રભુ ધર્મતીર્થસ્થાપના કરે તે પછી પ્રભુના ધર્મોપદેશથી - એમના શ્રમણ/શ્રમણીના સંસર્ગથી અને એમના શાસનથી લાખો લાખો લોકો કર્મક્ષયની સાધના કરી સંસારના સર્વ દુ:ખોથી મુક્ત થાય. સાર એ થયો કે તીર્થકરત્વના પ્રભાવે અભ્યંતર દુ:ખો દૂર થાય. ફરી એક વાર અહીં યાદ કરીએ કે જે તીર્થંકરત્વ આવાં અદ્ભુત સ્તરે બાહ્ય -અભ્યંતર દુ:ખો નષ્ટ કરે છે તે તીર્થંકરત્વ પણ દયા ભાવદયાની તીવ્ર તમન્નાથી જ પ્રાપ્ત થાય છે ? આમ-આત્મવિકાસની ચારે ય મુખ્ય અવસ્થામાં દયાનો પ્રભાવ જબરજસ્ત પથરાયેલો છે.
આ ઉપરાંત દયાથી પરોપકાર પરાયણતા - અન્ય જીવો માટે સુખની કામના-અન્યોના દુ:ખનાશની ભાવના વગેરે પણ નોંધપાત્ર લાભો છે. આપણે આ દયાલુતાગુણને આત્મસાત્ કરીએ.









