જીવનમાં સદ્ગુરૂની આવશ્યકતા કેટલી છે?

સિકંદરે જ્યારે પોરસને હરાવ્યો. પોરસ કેદી રૂપે સિકંદર સામે ઉપસ્થિત થયો ત્યારે સિકંદરે પોરસને પૂછયું : બોલ, મારી પાસેથી તું શું અપેક્ષા રાખે છે? તો પોરસે સ્વાભિમાનપૂર્વક સિકંદરને કહ્યું : એક રાજા બીજા રાજા સાથે વર્તન કરે તેવું વર્તન આપે મારી સાથે કરવું જોઈએ.
દરેક વ્યક્તિના જીવનમાં માર્ગદર્શક તરીકે એક ગુરૂ હોવા જ જોઈએ. જેના જીવનમાં ગુરૂ હોય છે. તેનું જીવન કેવું ઉન્નત અને ઉચ્ચતમ થાય છે, અને જેના જીવનમાં ગુરૂ નથી તેનું જીવન પણ કેટલું અવનત થાય છે ? તેનો સાક્ષાત્કાર પણ આજની બે ઘટના દ્વારા જોઈએ.
એરિસ્ટોટલ, મહાન સમ્રાટ સિકંદરના ગુરૂ. એક સદ્ગુરૂ સાંનિધ્ય શું અદ્ભુત ભાવિનું નિર્માણ કરે છે ? તે જોઈએ. એ એક સરખી ઘટના પણ પરિણામ કેવા વિરોધી.
સિકંદરે જ્યારે પોરસને હરાવ્યો. પોરસ કેદી રૂપે સિકંદર સામે ઉપસ્થિત થયો ત્યારે સિકંદરે પોરસને પૂછયું : બોલ, મારી પાસેથી તું શું અપેક્ષા રાખે છે ? તો પોરસે સ્વાભિમાનપૂર્વક સિકંદરને કહ્યું : એક રાજા બીજા રાજા સાથે વર્તન કરે તેવું વર્તન આપે મારી સાથે કરવું જોઈએ. અને સિકંદરે તત્કાળ પોરસને બંધનમાંથી મુક્ત કર્યો. કેદીના વસ્ત્રો ઉતરાવી એક સમ્રાટને છાજે તેવા વસ્ત્રો પહેરાવ્યા અને પોતાના રાજ્યનો પ્રતિનિધિ બનાવ્યો.
આ પછીની બીજી એક ઘટના. મહમ્મદ ઘોરી સામે પૃથ્વીરાજ પરાજિત થાય છે. તેને પણ કેદી બનાવી ઘોરી સમક્ષ ઉપસ્થિત કરવામાં આવે છે. આ વખતે ઘોરી પૃથ્વીરાજને આ પ્રશ્ન પૂછે છે : બોલ, તું મારી પાસે શેની અપેક્ષા રાખે છે ? પૃથ્વીરાજે નમ્રતાપૂર્વક પણ સ્વાભિમાન સાથે ઘોરીને આટલું જ કહ્યું કે અત્યાર સુધીના અનેક યુદ્ધોમાં તું મારી પાસે પરાજિત થયો છે. અને દર વખતે જો તને માફ કરી જીવતો જવા દીધો છે તો તારે પણ મારી સાથે સન્માનપૂર્વક જ વર્તવું જોઈએ.
પૃથ્વીરાજે અત્યાર સુધી આટઆટલી ઉદારતા રાખી હોવા છતાં મહમ્મદ ઘોરી કૃતઘ્ન નીકળ્યો. ફરીવાર પૃથ્વીરાજ પોતાની સામે યુદ્ધ ના કરે એટલા માટે સર્વપ્રથમ તો તેણે પૃથ્વીરાજની આંખો ફોડાવી દીધી. અને અલ્પ દિવસોમાં જ તેને મૃત્યુદંડની સજા કરી.
એક સરખી બે ઘટનાના પરિણામ આટલાં બધા જુદા પાછળ કારણ આ જ છે કે સિકંદરને માર્ગદર્શકરૂપે એરિસ્ટોટલ જેવા મહાન ધર્મગુરૂ મળ્યા. જ્યારે મહમ્મદ ઘોરીને પોતાના જીવનનું ઘડતર કરવા માટે કોઈપણ સદ્ગુરૂ ના મળ્યા.
આવો, આપણે આપણા જીવનમાં કોઈ સદ્ગુરૂ બનાવીએ. અને તેઓ જે પણ ઉપદેશ આપે-આપણા ઉત્કર્ષ માટે પ્રેરણા કરે તેને હૃદયથી ઝીલીએ.
- રાજ સંઘવી









