સુખ, શાંતિને આનંદ માત્ર જીવનમાં મળે

માણસનું ધ્યેય માત્ર ને માત્ર આ સંસારમાં રહીને પોતાની જ પરમ ચેતનામાં સ્થિર થઈને પરમ જાગૃતતા ધારણ કરીને આત્મિક સુખ, શાંતિ અને આનંદ સાથે જીવન જીવવાનું જ છે, માણસે એટલું સ્પષ્ટ સમજી લેવું જરૂરી છે, કે અશુભ વિનાનું શુભ હોય શકે જ નહિ, પ્રકાશ વિના અંધારૂં હોય શકે જ નહિ, મૃત્યુ વિના જન્મ હોય શકે નહિ, જ્યાં સર્વ સુખ જ હોય અને દુખ હોય જ નહિ, એવી આ દુનિયામાં કોઈ શક્યતા જ નથી, એટલે સુખ દુખ અને મનનું સંતુલન કરીને સમતામાં સ્થિર થઈને સુખ દુખને સમાન ભાવે સ્વીકારવું એજ ઉત્તમમાર્ગ છે. દુખ આવી પડે તો ગભરાવું નહીં, તેની હાય હોય કરવી જ નહિ અને તેને યાદ કર્યા જ કરવું નહિ, ભૂલી જવું ઉપેક્ષા કરવી અને સુખ આવે તો છકી જવું નહિં અને તેને પ્રસન્નચિત્તે સ્વસ્થતા પૂર્વક ભોગવી લેવું એજ જીવન જીવવાની આદર્શ રીત છે, એમા જ જીવનની મજા છે.
મનુષ્યનું ભવિષ્ય છે, જેમાં હંમેશા પ્રગતિ જ કર્યે જ જવી સદાય પોતે નક્કી કરેલા ધ્યેયે પહોંચવા નિરંતર મથામણ પોતાના સત્યના આધારે કરવી પણ ધ્યેયે પહોંચવું આ વિચાર જોતાતો સરસ લાગે છે. છતાં પણ આ અસંભવીત છે, કારણ કે સીધી લીટીમાં ગતિ કોઈ વસ્તુની આ સૃષ્ટિમાં છે. જ નહિ, જગતની દરેક ગતિ વર્તુળમાં જ છે. કોઈ પણ સીધી લીટી ને અનંતગણી તમો લંબાવતા લંબાવતા તે છેવટે વર્તુળ જ બને છે, એટલે જ્યાંથી નીકળ્યા હોઈએ ત્યાં જ પહોંચવાનું હોય છે. એટલા માટે આ વિચાર કે માણસનું ભાવિ સદાય આગળ ને આગળ પ્રગતિ કર્યે જ જાય છે, અને કદી અટકતું નથી તો એ અસંભવીત છે, આમ જ્યાંથી શરૂ કર્યું હોય છે, ત્યાં પાછું આવવું જ પડે છે, આમ જ્યાં જન્મ છે ત્યાં જ નાશ છે એટલે કે મૃત્યુને રોકાવું હોય તો જન્મને રોકવું જ પડે તે વાસ્તવિક સત્ય છે.
કોઈપણ માણસને ધિક્કારવો તો નહિ જ જોઈએ પણ સૌ પર અંતરનો પ્રેમ રાખવો એ નૈતિક સિધ્ધાંત છે, કે જ્યાંથી ધિક્કાર નીકળે છે, ત્યાં તે પાછો આવવાનો જ એટલા માટે પણ કોઈ પ્રત્યે ધિક્કારનો ભાવ રાખવો જ નહીં, કારણ કે તમારામાંથી નીકળેલો ધિક્કાર લાંબે ગાળે તમારી પાસે આવવાનો જ છે. જો તેઓએ પ્રેમ દર્શાવ્યો હશે તો તે પ્રેમ વર્તુળ પુરું કરીને તમારી પાસે પ્રેમ આવવાનો.
તમો જેવું વિચારશો તેવા જ તમો બની રહેશો, વિચાર જ તમોને બનાવે છે, પરિવર્તિત કરે છે, બીજા કોઈ તમોને બનાવતા જ નથી, એટલું સ્પષ્ટ જાણો એટલે બીજાને સાંભળીને તમારું પરિવર્તન થાય કે કોઈના સંમોહનમાં આવી ને તમારું પરિવર્તન થાય તેમાં માલ નથી, આ ધ્રુવ સત્ય છે.
- તત્વચિંતક વિ. પટેલ




