Dharmlok

સ્તુતિઓમાં અપરાધ અને ક્ષમા

By GS Team
19 Aug 20263 mins read
સ્તુતિઓમાં અપરાધ અને ક્ષમા
  • ભવાનિ અષ્ટકમાં ઉલ્લેખ છે કે હું દાન, ધ્યાન, યોગ, મંત્ર, તંત્ર કે જાપ કશું જાણતો નથી. પુજા, ન્યાસ કે અન્ય વિધિનો પણ હું જાણકાર નથી. માટે મારી ભુલો બદલ મને ક્ષમા આપશો

આપણે ત્યાં સામાન્ય રીતે વિવિધ પ્રસંગોએ દેવી-દેવતાઓની ઉપાસના, આરાધના, પૂજા કે અનુષ્ઠાન કરવામાં આવે છે. એક સામાન્ય કહેવત પણ છે કે, 'માનવ માત્ર, ભુલને પાત્ર' આપણે જે કંઇ પણ ધાર્મિક વિધિ કરીએ છીએ ત્યારે જાણે-અજાણે આપણાથી જે કોઇ અપરાધ કે ભુલ થઇ જાય છે તેથી વિધિઓના અંતમાં અપરાધની ક્ષમા માગવાનો રિવાજ છે. પ્રભુની રાજોપચાર, ષોડશોપચાર પુજા કર્યા પછી, આરતી-પ્રસાદ ધર્યા બાદ જ્યારે દેવને કે સ્થાપિત દેવતાઓને અથવા અગ્નિ નારાયણને વિદાય આપતાં પહેલાં તેમની ક્ષમા માગીએ છીએ. આ વિધિમાં જો કોઇ ક્ષતિ રહી ગઈ હોય તો હે પ્રભુ અમને ક્ષમા કરશો.
આપણે ત્યાં દૈવી ઉપાસનામાં ખુબ જ ખ્યાલ રાખવો પડે છે અને ચુસ્ત નિયમો પાળવા પડે છે. માતાજીના કોપ કે રોષનો ભોગ ન બનાય તે માટે સહુ કાળજી લેતા હોય છે. આમ તો મા દયાળુ જ છે અને ભક્તોની ભીડ ભાંગે છે છતાં કોઇ પણ વિધિને અંતે ક્ષમાપના નો ક્રમ નીભાવતા હોઈએ છીએ. ક્ષમાપના માટે કેટલાક જાણીતા શ્લોક પણ છે.
આવાહન ન જાનામિ, ન જાનામિ તવાર્ચનં પુજાં ચૈવ ન જાનામિ
ક્ષમસ્વ પરમેશ્વરિ!
હે માતાજી હું કોઇ પણ પ્રકારનું આહવાન, અર્ચન કે પુજા જાણતો નથી માટે મા, અને ક્ષમા કરશો.
તસ્માત્ કારૂણ્ય ભાવેન ક્ષમસ્વ પરમેશ્વરિં અપરાધોસ્મિ શરણં પ્રાપ્તસ્ત્વાં જગદંબીકે ઇદાનિ મનુકંપોમ્પો।હમ્ યથેચ્છસિ તથા કુરૂ।
હે માતા, તમે કારૂણ્યથી સભર છો, અમે આપની શરણે છીએ' તો અનુકંપા રાખીને આપને યોગ્ય લાગે તેમ કરો. એક અન્ય શ્લોક આ પ્રકારનો છે.
અપરાધો ભવત્યેષ સાધકસ્ય પદે પદે
કો।પર સહતે લોકે કેવલં માતરં વિના ।
ભવાનિ અષ્ટક નામની સ્તુતિમાં ઉલ્લેખ છે કે હું દાન, ધ્યાન, યોગ, મંત્ર, તંત્ર કે જાપ કશું જાણતો નથી. પુજા, ન્યાસ કે અન્ય વિધિનો પણ હું જાણકાર નથી. માટે મારી ભુલો બદલ મને ક્ષમા આપશો. કોઇપણ વિધિમાં ઉતાવળ ન થાય તે જોવું જરૂરી છે તથા મંત્રના ઉચ્ચાર શબ્દો પણ સ્પષ્ટ હોવા જોઇએ. આમ થાય તો પૂજા સફળ થાય છે. શ્લોક કે સ્તુતિ બોલવામાં માત્ર, અક્ષર કે પદની ભુલ ન થવી જોઇએ.
આપણે સત્યનારાયણની કથાને અંતે પણ ભગવાનની ક્ષમા માગીએ છીએ. આપણે રોજ સવારે ઉઠીએ છીએ ત્યારે સૌ પ્રથમ પહેલો પગ ભૂમિ (પૃથ્વી) પર મુકીએ છીએ તેની ક્ષમાનો મંત્ર આ પ્રમાણે છે.
સમુદ્ર વસને દેવિ પર્વતસ્તનમંડલે
વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં
પાદસ્પર્શ ક્ષમસ્વ મે ।।
માતાનું એક ખુબ જ જાણીતું સ્તોત્ર ''દેત્યાપરાધ ક્ષમાપના સ્તોત્ર'' છે જે ખાસ કરીને યજ્ઞા બાદ નોરતાંમાં કે માતાજીનાં અનુષ્ઠાનમાં ગાવામાં
આવે છે.
જગદંબ વિચિત્રમત્ર કિં પરિપૂર્ણા કરૂણાંસિ ચૈન્મપિ અપરાધ
પરંપરાવૃતં નહિ માતા સમુપેક્ષતે સુતમ્
હું મંત્ર, સ્તુતિ, આહવાહન, પુજા જાણતો નથી તેથી પુત્ર પણ જો કુપુત્ર થાય તો હે માતા તમે કુમાતા થશો નહીં.
કુપુત્રો જાયતે કવચિદપિ કુમાતા
ન ભવતિ ।
આપણે ત્યાં ક્ષમા એ વીરનું ભુષણ છે. ક્ષમા આપવામાં મહાનતા છે. માફી માગવાથી કોઇ નીચું થઇ જતું નથી. ભુલ કે અપરાધની ક્ષમા માગી શકાય છે. માતા કે દેવો પણ માનવીઓની ભુલોને ઉદારથી માફ કરી દે છે. આપણી સંસ્કૃતિ, રિવાજ તથા પરંપરામાં અપરાધની ક્ષમા માગવાનો મોટો મહિમા છે. આપણી ભુલો જ્યારે ઇશ્વર માફ કરે છે ત્યારે આપણું કાર્ય સિદ્ધ તથા સફળ થાય છે. પણ ધાર્મિક વિધિઓમાં ક્ષમા માગવામાં આવે છે તે જરૂરી પણ છે અને ફાયદાકારક પણ છે. આવો, આપણે સહુ પણ આ જગતના નિયંતાને આપણાં કર્મો, ગતિ, વિધિ કે પાપોની ક્ષમા માંગીએ અને તેનાથી આપણાં ભવબંધનમાંથી મુક્તિ મેળવીએ અને તે જ સાંપ્રત સમયની માંગ છે.

  • ભરત અંજારિયા