Dharmlok

ભલે સંજોગ દુ:ખી કરે, સ્વભાવથી દુ:ખી ના થવું

By GS Team
8 Jul 20265 mins read
ભલે સંજોગ દુ:ખી કરે, સ્વભાવથી દુ:ખી ના થવું

માણસ સ્વભાવે ગમે એટલો શાંત હોય પણ પોતાની પ્રિય પત્નીને રથ હાંકતા ચાબુકનો માર ઝીલતાં જોઈ - કોણ દુ:ખી ના થાય. કયા પતિને ક્રોધ ના પડે! છતાં શ્રીકૃષ્ણ સ્થિર રહ્યાં. તે રથની આગળ દુર્વાસા સામે હાથ જોડી નતમસ્તકે ઊભા રહ્યાં
એકવાર મહર્ષિ દુર્વાસા ફરતા ફરતા દ્વારકા પહોંચ્યા. શ્રીકૃષ્ણએ ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું. તેમને રહેવા માટે ઉત્તમ ખંડની અને નાનામાં નાની જરૂરિયાતોની વ્યવસ્થા કરી. પણ દુર્વાસા વિચિત્ર સ્વભાવના હતા. તે ઘણીવાર અકલ્પ્ય વર્તન કરતા. ક્યારેક તે હજ્જારો માણસો જમે તેટલું ભોજન ઓહિયાં કરી જતા. ક્યારેક માંડ બે કોળિયા જમતા! ક્યારેક કહ્યા વગર નીકળી જતા, મોડી રાતે પાછા ફરતા ક્યારેક ખડખડાટ હસતા, તો ક્યારેક ધ્રુસકે ધ્રુસકે રડતા. એક દિવસ ગાદલાં, રજાઈ, ઓશિકાં સળગાવી દીધાં. શ્રીકૃષ્ણ તેમનું આ અજુગતનું વર્તન જોયા કરતા. એક દિવસ સૌ પરવારીને બેઠાં હતા ત્યારે તે શ્રીકૃષ્ણ પાસે આવ્યાં. હમણાંને હમણાં ખીર ખાવાની ઈચ્છા વ્યક્ત કરી. શ્રીકૃષ્ણએ સહેજ પણ ખચકાયા વગર તેમના માટે ગરમાગરમ ખીર બનાવડાવી. થોડી ખાધી. પછી તેમની એંઠી ખીર શ્રીકૃષ્ણ સામે ધરી. ''કૃષ્ણ, આ ખીર તમારા આખા શરીને ચોડી દો.'' શ્રીકૃષ્ણએ પગના તળિયા સિવાય આખા શરીરે એંઠી ખીર ચોપડી દીધી. અને આજ્ઞા લઈ બચેલી ખીર ત્યાં ઊભેલી રૂકિમણીના શરીરે લગાવી દીધી!! એવામાં દુર્વાસા ઊભા થયા. તેમણે ત્યાં ઘોડા વગરનો રથ પડેલો જોયો.. રૂકિમણીનો હાથ પકડી ઘોડાની જગ્યાએ જોતરીને રથ પર ચઢી ગયા. એટલું જ નહિ, ઘોડાને હંકારવા સારથિ ચાબુક ફટકારે એમ રૂકિમણીને ચાબુક ફટકાર્યો!! ત્યાં કુટુંબીજનો તથા દશાર્હવંશી યાદવો હાજર હતા. સૌના ભવાં ચડી ગયાં. કેટલાકનો હાથ હથિયાર સુધી પહોંચી ગયો. શ્રીકૃષ્ણએ ઈશારાથી બાજી સંભાળી લીધી. રૂકિમણી રથ હાંકતા હતા. પાછળ શ્રીકૃષ્ણ દોડતા હતા. રથ દ્વારકાના રસ્તે આગળ વધતો હતો. રૂકિમણી થાક્યાં. બેહોશ થઈ પડી ગયાં. માણસ સ્વભાવે ગમે એટલો શાંત હોય પણ પોતાની પ્રિય પત્નીને રથ હાંકતા ચાબુકનો માર ઝીલતાં જોઈ - કોણ દુ:ખી ના થાય. કયા પતિને ક્રોધ ના પડે! છતાં શ્રીકૃષ્ણ સ્થિર રહ્યાં. તે રથની આગળ દુર્વાસા સામે હાથ જોડી નતમસ્તકે ઊભા રહ્યાં.''ભગવન, શાંત થાવ, અમારા પર પ્રસન્ન થાવ '' દુર્વાસા રથમાંથી ઊતર્યા કહ્યું.'' (જિત:ક્રોધસ્વયા કૃષ્ણ પ્રકૃત્યૈવ મહાભુજ) હે મહાબાહુ કૃષ્ણ, તમે તમારા શાંત સ્વભાવથી ક્રોધને જીતી લીધો છે. હું પ્રસન્ન છું. તમે શરીરના જે અંગો પર ખીર લાગવી છે તે અંગો પર ગમે તેટલો પ્રહાર થશે છતાં તેને મૃત્યુનો ભય નહીં કરે. પણ મકૃષ્ણ, તમે પગના તળિયે ખીર લગાવવાનું ભૂલી ગયા ? (જ્યારે જીવનલીલા સમેટવા શ્રીકૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે બેઠા હતા ત્યારે જરા નામના પારઘીના તીક્ષ્ણ બાણે તેમના પગના તળિયાને વીંધી નાખ્યું હતું. આ બાણ પરમ ધામમાં લીન થવા નિમિત્ત બન્યું હતું!) આગળ રૂકિમણી તરફ ફરીને દુર્વાસાએ કહ્યું, ''કલ્યણી તમે પણ આ ખીર ચોપડી છે એટલે તમારો દેહ કદી વૃધ્ધ નહિ થાય. કદી રોગ નહિ થાય. તમારો દેહ તેજસ્વી અને સુગંધીદાર રહેશે. તમને યશ અને કીર્તિ પ્રાપ્ત થશે. આફતને આશીર્વાદમાં ફેરવી મહર્ષિ દુર્વાસા અંતર્ધાન થઈ ગયા. જે બાળકનો જન્મ જેલમાં થયો હોય, જેને મારવા વારંવાર પ્રયત્નો થયા હોય. એવા બાળકની ગોકુળથી દ્વારકા સુધીની જીવનયાત્રા તપાસીએ તો સમજાય કે શ્રીકૃષ્ણનું જીવન સરળ નહોતું. તે ડગલેને પગલે સંજોગોના શિકાર બન્યા હતા. છતાં સ્થિતપ્રજ્ઞાની માફક તેમના શાંત સ્વભાવને લીધે કદી દુ:ખી થયા નથી.''
દક્ષિણ આફ્રિકામાં સમાનતા સલામત રાખવા અને રંગભેદની નીતિ નાબૂત કરવાની લડતમાં નેલ્સન મંડેલાને જેલની સજા થઈ. રોબિન દ્વીપમાં તે સત્યાવીસ વર્ષો જેલમાં રહ્યાં ત્યાં એક જેલર તેમના પર અમાનુષી ત્રાસ ગુજારતો, ભૂખ્યા, તરસ્યા રાખતો, તેમના પર પેશાબ કરતો બીજો એક વકીલ હતો. જેણે મંડેલાના સત્યાગ્રહ વિરૂધ્ધ કોર્ટમાં કેસ દાખલ કરી 'ડેથપેનલ્ટી'ની ભલામણ કરી હતી. ૧૯૯૦માં નેલ્સન મંડેલા છૂટયા ફરી એકવાર પ્રમુખ તરીકે ચુંટાયા, પ્રમુખપદની સોગંધવિધિ વખતે તેમણે એ જેલર અને વકીલને માનપૂર્વક વી.આઈ.પી. ગેસ્ટ તરીકે મંચ પર બોલ્યા હતા. એકવાર પૂર્વ અમેરિકન પ્રમુખ બિલ ક્લિન્ટને આ બાબતે પૂછયું ત્યારે મંડેલાએ કહ્યું હતું. ''સર, હું જેલમાં ગયો. મને જેલમાં જે ત્રાસ અપાયો એ પરિસ્થિત વશ હતો, વિચારભેદનું દુ:ખદ પરિણામ હતું. હવે હું મુક્ત છું. જો હું બદલો લેવાની ભાવનાથી તેમને ધિક્કારૃં, તેમને દુ:ખી કરૃં તેમને નુકસાન પહોંચાડું તો મારા મનમાં દ્વેષ કાયમ રહેશે. હું જેલમાંથી તો મુક્ત થયો પણ મનની વૃત્તિઓથી મુક્ત નહિ થઈ શકું. સંજોગોવશ દુ:ખી હતો, હવે મુક્ત થયા પછી પણ સ્વભાવથી શા માટે દુ:ખી થઉં?''
માણસ તેની ગરીબી, ખોડ, ખાંપણ કે બંધનના લીધે દુ:ખી હોય તે સમજી શકાય પણ બધી અનુકૂળતા વચ્ચે માણસ દુ:ખી હોય તો તેનું કારણ તેનો સ્વભાવ જ ગણાય. એવા સંજોગોથી નહિ સ્વભાવથી દુ:ખી થાય છે એવા લોકો દુ:ખી થવાનું કારણ શોધી જ નથી શકતા.
અતિ ગરીબીમાં મહેનત અને સંઘર્ષ કરી કરી ભણાવેલા એકના એક પુત્ર માટે એક દંપત્તિએ સુખી પરિવારની એકની એક છોકરી પસંદ કરી. છોકરી નાજુકાઈથી ફૂલની જેમ લાડકોડથી ઉછેરી. વહુ બની સાસરે આવી તેના વિચારો જુદા તેનો ભૂતકાળ જુદો, તેના સંસ્કાર જુદાં, તેની જીવન પધ્ધતિ જુદી. તે નોકરી કરે અને નવા ઘરમાં એડજસ્ટ થવા પ્રયત્ન કરે પણ રિટાયર્ડ સાસુ-સસરાને તેમના સંઘર્ષમય ભૂતકાળને લીધે વહુની નાની-નાની વાતો ખૂંચ્યા કરે. એકલા દૂધની ચા બનાવે છે. રાંધવામાં તેલ-ઘી-વધારે વાપરે છે. સવારનું રાંધેલું સાંજે-સાંજનું રાંધેલું સવારે ખાતી નથી. આખો દિવસ ફોન પર બીઝી રહે છે દિવસે દિવસે ઘરની હવામાં ગૂંગળામણ વધે છે. દરેકના મનમાં એક દબાણ રહ્યા કરે છે - અહીં થોભીને થોડો વિચાર કરીએ. આધુનિક સુખ સગવડવાળું સુંદર ઘર છે. સ્કુટર છે, ગાડી છે, છોકરો અને વહુ સારૃં કમાય છે. ભવિષ્યમાં છોકરીને જ તેના મા-બાપની મિલકત મળવાની છે. દુ:ખી થવાય, પીડા કે વેદના અનુભવાય એવા કોઈ સંજોગો નથી. કોઈ અભાવ નથી - બસ જરૂર છે લાગણીની પ્રેમભાવની જે જેવા છે તેને સ્વીકારી એકબીજાની ઉણપો સમજી તેને સુધારવાની જરૂર છે ગુણની વૃધ્ધિ કરવાની - અવગુણની શુધ્ધિ કરવાની.
The may to be happy is to make others happy. સુખી થવાનો સાચો રસ્તો એક જ છે. બીજાને સુખી કરવા. આજના યુગમાં વડીલોએ વાત્સલ્ય જાળવી રાખવું અને નાનાઓએ વિનય, વિવેક જાળવી રાખવો. સંજોગ દુ:ખી કરે ચાલશે, સ્વભાવ દુ:ખી કરે - એ નહિ ચાલે.

  • સુરેન્દ્ર શાહ