Dharmlok

સંસ્કૃતિનો શ્વાસ, ભક્તિનો વિશ્વાસ : આપણો પરંપરાગત ગરબો

By GS Team
7 Oct 20263 mins read
સંસ્કૃતિનો શ્વાસ, ભક્તિનો વિશ્વાસ : આપણો પરંપરાગત ગરબો

પ્રાચીન ગરબાઓ અને ગરબીઓમાં ગવાતા તાલબદ્ધ તથા સૂરીલા ગરબા જેવા કે 'મા પાવા તે ગઢથી ઉતર્યા…' રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ… કે 'આનંદનો ગરબો' એ ભક્તોના હૃદયમાંથી નીકળતો દિવ્યનાદ છે, આર્તનાદ છે. ભક્ત કવિ વલ્લભ મેવાડા, પ્રીતમ અને દયારામ જેવા ભક્તોએ અનેક પ્રાચીન ગરબા અને ગરબીઓની રચના કરેલી છે, તે અદ્ભૂત છે. આજે પણ તેમના ગરબાઓ લોકહૈયામાં ગુંજે છે. તથા તે ગરબાઓના ગાન કરવાથી આત્મિક આનંદ, સુખ તથા શાંતિ મળે છે. જીવનમાંથી તણાવ દૂર કરે છે અને તાજગીનો અહેસાસ કરાવે છે. ગરબાઓ મનને શુદ્ધ કરી શરીરમાં દૈવી ભાવ પ્રગટાવે છે. ચંચળ મનને સ્થિર કરે છે. આદ્યશક્તિના ચરણોમાં સમર્પિત થવાનો સોનેરી અવસર છે. આદ્યશક્તિની આરાધના માટેના ગરબાઓ ગર્ભદીપથી ગગન સુધી વહેતા થાય છે. સૌ ભાવિકો તન્મય બની જગદંબાની ભક્તિમાં જોડાય છે અને આત્મિક આનંદની દિવ્યાનુભૂતિ કરે છે. આ સમય ભક્તિની હેલીનો અને શક્તિને પામવાનો અનોખો સંયોગ છે. તાળીઓના તાલથી, ભક્તિના ભાવથી તથા ચરણોની ગતિથી મહેકતો આદ્યશક્તિની આરાધનાનો આ મહોત્સવ માનવ-સમાજમાં ચેતના, સ્ફૂર્તિ તથા આસ્થાને જીવંત રાખે છે. ગરબાના માધ્યમથી સમભાવની શ્રેષ્ઠ ભાવના જીવંત રહે છે. સમૂહ ચેતના અને એકતાનો ઉત્સવ છે.
માટીનો ગરબો પ્રકૃતિના પાંચેય તત્ત્વોનું સંતુલન કરે છે. માટી તત્ત્વ એ પૃથ્વી, તેમાંનું પાણી એ જળ તત્ત્વ, ગરબાનો દીવો એ અગ્નિતત્ત્વ, ગરબાના છિદ્રોમાંથી વહેતી હવા એ વાયુ તત્ત્વ છે, અને ઘડામાં કે ગરબાની અંદર રહેલી જગ્યાએ આકાશ તત્ત્વ છે. આ ગરબાની ગરિમા છે. યુનેસ્કો દ્વારા પણ ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે સ્થાન આપેલ છે. આમ, ગરબો વૈશ્વિક ઓળખ છે, ગરબો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસત છે. ગરબો શક્તિની આરાધનાનું બ્રહ્માંડનું, જીવનચક્રનું સામાજિક એકતાનું, સાહિત્યિક પરંપરાનું, કલા તથા શણગારનું, ભક્તિનું, શ્રદ્ધાનું પ્રતીક છે. હાથની તાળી, પગનો તાલ, લય અને હૃદયના ભાવો એકરૂપ થાય છે, ત્યારે ગરબો દીપી ઉઠે છે. ભીરતનો આત્મા આદ્યશક્તિ તરફ ગતિમાન બને છે. આમ, ભક્તિરસ અને શૃંગારરસના દિવ્ય મિલનથી આત્મા જગદંબાને સમર્પિત થઈને માનવ કલ્યાણ અને મુક્તિનો પરમાનંદ અનુભવે છે.
'યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:।'

  • દિનેશ એલ. જોષીપુરા

નવરાત્રી ૨૦૨૬નો પ્રારંભ ૧૧ ઓક્ટોબર ૨૦૨૬, રવિવારના રોજ ઘટસ્થાપન સાથે થશે
આ વર્ષે માતાજીના આગમન અને નવરાત્રીની તૈયારીઓનો માહોલ ખૂબ જ ઉત્સાહજનક છે. નવરાત્રીની વિશેષ માહિતી અને તારીખો નીચે મુજબ છે:
શરદ નવરાત્રી ૨૦૨૬ ની મુખ્ય તારીખો

  • ઘટસ્થાપન (પ્રથમ નોરતું) *
    ૧૧ ઓક્ટોબર ૨૦૨૬, રવિવાર
    માતાજીના નવ સ્વરૂપો અને દિવસો
    નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે:
    નવરાત્રિના નવ દિવસોના નવ વિશેષ દેવી મંત્ર
    નવરાત્રિના દરેક દિવસે મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા અને તેમના વિશિષ્ટ મંત્રોનો જાપ કરવામાં આવે છે:
  • પહેલો દિવસ (મા શૈલપુત્રી): ઓમ દેવી શૈલપુર્ત્યૈ નમ: અથવા હ્રીં શિવાયૈ નમ:
  • બીજો દિવસ (મા બ્રહ્મચારિણી): હ્રીં શ્રીં અંબિકાયૈ નમ:
  • ત્રીજો દિવસ (મા ચંદ્રઘંટા): ઐં શ્રીં શક્તયૈ નમ:
  • ચોથો દિવસ (મા કૂષ્માંડા): ઓમ ઐં હ્રીં ક્લીં કૂષ્માંડાયૈ નમ:
  • પાંચમો દિવસ (મા સ્કંદમાતા): હ્રીં ક્લીં સ્વામિન્યૈ નમ:
  • છઠ્ઠો દિવસ (મા કાત્યાયની): ક્લીં શ્રીં ત્રિનેત્રાયૈ નમ:
  • સાતમો દિવસ (મા કાલરાત્રિ): ક્લીં ઐં શ્રીં કાલિકાયૈ નમ:
  • આઠમો દિવસ (મા મહાગૌરી): શ્રીં ક્લીં હ્રીં વરદાયૈ નમ:
  • નવમો દિવસ (મા સિદ્ધિદાત્રી): હ્રીં ક્લીં ઐં સિદ્ધયૈ નમ: