અષ્ટમંગલ એટલે અવિનાશી સુખની પ્રાપ્તિ !

- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
ભારતીય સંસ્કૃતિની એક આગવી વિશેષતા એ છે કે એમાં શુભ ભાવોને ચિત્ર, આકૃતિ કે પ્રતીક દ્વારા પ્રગટ કરવામાં આવ્યા છે. વિશ્વના ધર્મો પર નજર નાખીએ તો ખ્યાલ આવે કે એણે શુભ ભાવને પ્રગટ કરવા માટે કાં તો માનવઆકૃતિઓનું, પ્રાણીઓનું અથવા તો પ્રકૃતિનાં કોઈ તત્ત્વોનું અવલંબન લીધું છે. કેટલાક લોકો જેને માનવસંસ્કૃતિનું પારણું કહે છે તે મેસોપોટેનિયામાં એંકી (ENKY) નામના દેવનું ચિત્ર મળે છે, જે શુભ છે અને મનુષ્યોને પૂર જેવી આપત્તિઓથી બચાવનાર છે. એવી જ રીતે ક્ષમાસ નામનો દેવ પ્રકાશનું પ્રતિનિધિત્વ કરે છે અને સૂર્યને ઊર્જા આપે છે. ઇજિપ્તના ધર્મોમાં વાંકોચૂકો સાપ અને ડ્રેગન જેવો એપોફિસ (Apofish) નામનો દેવ મળે છે, જે શુભની સામે પ્રબળ આક્રમણ કરનારો અને અંધાધૂંધી સર્જનારો દેવ છે.
ગ્રીક સંસ્કૃતિ અને રોમન સંસ્કૃતિમાં માનવઆકૃતિ ધરાવતા શુભ કે અશુભ દેવો મળે છે, જ્યારે આફ્રિકામાં પ્રકૃતિનાં તત્ત્વોને દેવ તરીકે પૂજવામાં આવે છે. જેમ કે ઝુલુ જાતિમાં એન્કોસી યેઝુલુ ને વરસાદ લાવનારા આકાશી દેવ તરીકે પૂજવામાં આવે છે, જેનું સ્વરૂપ વાદળનું છે. એ જ રીતે મેઘધનુષની આકૃતિને કુમારિકાઓને મદદ કરતા દેવ તરીકે પૂજવામાં આવે છે. આમ અન્ય ધર્મોમાં મુખ્યત્વે વિશિષ્ટ આકારની માનવાકૃતિ, વિચિત્ર લાગે તેવું પ્રાણીસ્વરૂપ કે પ્રકૃતિનાં કોઈ તત્ત્વને માનવજાતિના શુભ કે અશુભ સાથે જોડવામાં આવ્યું છે, પણ કોઈ ચિત્ર કે આકૃતિને શુભ કે અશુભ સાથે જોડવાનું ભારતીય સંસ્કૃતિમાં વિશેષ રૂપે જોવા મળે છે.
આપણે મંગલદાયક આઠ વસ્તુઓના સમૂહને 'અષ્ટમંગલ' કહીએ છીએ અને ધાર્મિક પ્રસંગોએ આ અષ્ટમંગલનું આલેખન થાય છે. જૈન ધર્મના પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનના જન્મના અભિષેક પ્રસંગે ઇન્દ્ર મહારાજે આવા અષ્ટમંગલનું આલેખન કર્યું હતું. આ અષ્ટમંગલ છે : (૧) સ્વસ્તિક (૨) શ્રીવત્સ (૩) શ્રી નંદ્યાવર્ત (૪) વર્ધમાનક (શરાવ-સંપુટ) (૫) ભદ્રાસન (૬) કલશ (૭) મત્સ્ય-યુગલ અને (૮) દર્પણ.
જૈનદર્શન પ્રત્યેક ચિત્ર, આકૃતિ કે પ્રતીક વિશે આગવું વિવેચન કરે છે. એ શબ્દનો માત્ર વ્યવહાર-જગતમાં થતો સ્થૂળ કે સપાટી પરનો ઉપયોગ સ્વીકારીને આગવું ચાલતું નથી. કિંતુ એના ગર્ભિતાર્થ એવા આધ્યાત્મિક અર્થને ઉપસાવવાનો સદૈવ પ્રયત્ન કર્યો છે. શબ્દની આધ્યાત્મિક અર્થછાયાઓ જાણીને જ સાધક એની સાધનાના માર્ગે આગળ વધી શકે. પરિણામે 'મંગલ' શબ્દ એમ ને એમ સ્વીકારવાને બદલે તેનો સાચો અર્થ અને મર્મ સમજાવવા દ્રવ્યમંગલ અને ભાવમંગલ એમ બે પ્રકાર દર્શાવ્યા છે.
દ્રવ્યમંગલ એટલે આપણા સામાજિક વ્યવહારમાં મંગલરૂપ ગણાતી ચીજવસ્તુઓ : જેમાં દહી, અક્ષત, ચંદન વગેરેનો સમાવેશ થાય છે. દૂર્વા (ધરો), શ્રીફળ, પૂર્ણકળશ અને સ્વસ્તિક વગેરે પણ મંગલરૂપ મનાય છે. આ પદાર્થ દુ:ખ કે અનિષ્ટનું નિવારણ કરીને સુખ આપે છે તેવી માન્યતા પ્રવર્તે છે. આ પદાર્થો નિશ્ચિતપણે આ કાર્ય કરે તેવું હોતું નથી, આથી એને સંદિગ્ધ સાધન તરીકે ગણવામાં આવ્યા છે. એનાથી સુખ મળે કે ન પણ મળે. વળી જે સુખ મળે તે પૂર્ણ સુખ ન હોય.
આ પ્રકારના દ્રવ્યમંગલ કરતાં ભાવમંગલનું વિશેષ મહત્ત્વ છે. આ ભાવમંગલ દ્વારા પૂર્ણ અને અવિનાશી સુખની પ્રાપ્તિ થાય છે. અહિંસા, સંયમ અને તપને ભાવમંગલ કહ્યાં છે. સ્વાધ્યાય, ધ્યાન અને જ્ઞાનાદિ ગુણોને આમાં સમાવેશ થાય છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવલ એ પાંચ જ્ઞાનના સમૂહને ભાવમંગલ કહ્યાં છે. ધર્મશાસ્ત્રોમાં પણ અરિહંત, સિદ્ધ વગેરે દ્વારા પ્રણીત ધર્મની ગણના ભાવમંગલમાં કરવામાં આવી છે. આમ 'મંગલ' શબ્દનો અર્થ સંસાર-પરિભ્રમણનો ક્ષય અને હિતસાધક ધર્મની પ્રાપ્તિ એવો થાય છે. અહીં આ મંગલ શબ્દનો જુદા જુદા અર્થો જોઈ લઈએ. 'મંગ' એટલે 'ધર્મ' અને તેને લાવે તે 'મંગલ'. એવો જ મંગલનો બીજો અર્થ છે- સંસારથી પાર ઉતારે તે મંગલ. એનો ત્રીજો અર્થ છે- જેનાથી શાસ્ત્રો શોભે છે તે. એનો ચોથો અર્થ છે- સંસારથી મુક્ત કરાવે તે મંગલ. એનો પાંચમો અર્થ છે- જેનાથી વિઘ્નનો નાશ થાય, જેનાથી પ્રસન્નતા પ્રગટે અને જેના વડે પૂજા થાય અને અંતે છઠ્ઠો અર્થ છે- મનને ભવથી એટલે કે સંસારથી દૂર કરે તે મંગલ. એનો સાતમો અર્થ છે- જે સમ્યગ્દર્શન દ્વારા મોક્ષ પમાડે તે મંગલ.
આવા મંગલનું દર્શન શુભ તો છે જ, પરંતુ એ દર્શનાથી ચિત્તમાંથી અશુભ વિચારો, આસપાસનું અશુચિમય વાતાવરણ કે મનમાં રહેલી અશુભ ગ્રંથિઓનું વિસર્જન થાય છે. જે વ્યક્તિમાં અષ્ટમંગલનું દર્શન કરતાં આવું માનસપરિવર્તન ન થાય,એનું ધર્મજીવન પાણીમાં ગયુ માનવું. જીવનના પ્રત્યેક કાર્યમાં, પછી તે સંસારલક્ષી હોય કે અધ્યાત્મલક્ષી બધે જ શુભની ગૂંથણી કરવી એ આપણી સંસ્કૃતિની વિશેષતા છે. મજાની વાત એ છે કે આ શુભ ભલે સાંસારિક વ્યવહારોમાં પ્રયોજાતું હોય, તો પણ એ સંસારભાવથી ઊર્ધ્વતાનો સંદેશ આપી જાય છે. ધાર્મિકજનને માટે અધ્યાત્મનું પાથેય પૂરું પાડે છે. આવા શુભભાવના પ્રાગટય માટે જુદાં જુદાં માધ્યમો કે સાધનો હોય છે. કોઈ ચિત્રપટનું દર્શન કરે, કોઈ સાધકની છબી જુએ તો કોઈ શુભભાવદાયી આકૃતિ જુએ. વસ્તુ ભિન્ન છે, પણ એનું ધ્યેય તો ભાવજાગૃતિનું છે.
શા માટે આવાં પ્રતીકોથી ભાવજાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હશે ? પહેલી વાત તો એ છે કે ભાવને વ્યક્ત કરવા માટે પ્રચલિત ભાષા ક્યારેક કારગત નીવડતી નથી. ભાષાના શબ્દોમાં આપણે આપણા ભાવોને ઉતારી શકતા નથી. આપણે જાણીએ છીએ કે માનવજાતિની સૌથી પહેલી ભાષા તે ચિત્રો છે, પહેલાં એણે ચિત્રો સર્જ્યા, પછી શબ્દો આવ્યા.
બીજી બાબત એ છે કે ભાષા દ્વારા એ પ્રગટ કરવા સમર્થ ન નીવડેં ત્યારે એ આકારનો આધાર લે છે. સાધકની પ્રકૃતિ, સ્વભાવ, લેશ્યા, અધ્યવસાય, ઉદયમાન કર્મ ઇત્યાદિનો એના માનસ પર ઘણો મોટો પ્રભાવ પડતો હોય છે. આવે સમયે સાધકને એના ચિત્તમાં ભાવને બદલે આકૃતિ કે ચિત્ર દેખાતા હોય છે અને એ 'ચિત્રની ભાષા' દ્વારા પોતાની આંતરિક, આધ્યાત્મિક ભૂમિકાને પ્રગટ કરે છે. આ ચિત્ર એ એના ચિત્તના ભાવ, સંવેદના, વિચાર અને સાધનાની અનુભૂતિની અભિવ્યક્તિનું શક્તિશાળી માધ્યમ બને છે. કોઈ એક ધર્મ-વિચાર કે અધ્યાત્મભાવ ચિત્ર દ્વારા આલેખી શકાય છે અને એમાં પણ આવા આઠ-આઠ શુભ ભાવોનું મિલન થાય ત્યારે અષ્ટમંગલ સર્જાય છે. એ દૃષ્ટિએ અષ્ટમંગલ એ પ્રતીક છે અથવા તો એમ કહેવાય કે ચિત્રો દ્વારા પ્રગટેલી શુભ ભાવની પ્રતિમા છે. જે શબ્દ દ્વારા કે ભાષા દ્વારા શક્ય નથી, એને આ પ્રતીક પ્રગટ કરે છે, પણ એના કરતાંય બીજી મહત્ત્વની ઘટના એ બને છે કે આ પ્રતીક સાધકના ગહનતમ વિચારો અને ધર્મભાવનું નવનીત પ્રગટ કરે છે અને આથી જ પ્રતીકના ઊંડાણમાં જઈને એના એક પછી એક પડ ઉઘાડતા જોઈએ, તો અધ્યાત્મલોકની યાત્રા થાય છે.
આનો જરા ગંભીરતાથી વિચાર કરીએ તો વર્તમાન યુગની બે બાબતો મારી નજરે પડે છે. એક તો આજે એવો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત પ્રવર્તે છે કે મનમાં પહેલાં જે ઇચ્છો તેનું ચિત્ર દોરો અને પછી એ ધ્યેયની પ્રાપ્તિ માટે અહર્નિશ પ્રયાસ કરો અને બીજી બાબત છે 'પ્રત્યક્ષીકરણ કરો તો તમારામાં એ ભાવોની જાગૃતિ થશે. ઇજિપ્તમાં ફેરોની મૂર્તિ મળે છે, જેમાં ઉચ્ચસ્થાને બિરાજમાન વ્યક્તિ કઈ રીતે બેઠી હોય, તેની મુદ્રા જોવા મળે છે. એ સમયે સામાન્ય માનવીઓ જમીન પર બેસતા અથવા તો ઉભા રહેતા અને રાજાઓ અને સમ્રાટો ઊંચા આસન પર બે હાથ બાજુના હાથા પર મૂકીને બિરાજમાન થતા હતા.
મજાની વાત એ છે કે ઇજિપ્તમાં ફેરોની મૂર્તિ મળે છે. તે જ રીતે આજે અમેરિકાના વોશિંગ્ટન શહેરમાં અબ્રાહ્મ લિંકનની અને અવકાશયાત્રીની આ રીતે ખુરશીમાં બે હાથા પર હાથ રાખીને બેઠા હોય તેવી મુદ્રા જોવા મળે છે. હકીકતમાં આ મુદ્રા એ સત્તા અને શક્તિનું પ્રગટીકરણ બની ગઈ છે અને સવિશેષ તો એ વ્યક્તિનું પરિસ્થિતિ પરનું નિયંત્રણ સૂચવે છે. આમ મુદ્રા એ અમુક ભાવને સૂચવે છે અને ત્યારે જો અષ્ટમંગલની આકૃતિની ભીતરમાં રહેલા આધ્યાત્મિક ભાવોનું પ્રત્યક્ષીકરણ કરવા માટે કોઈ સાધક પ્રયત્ન કરે, તો એ એના ગહનતમ ધાર્મિક ભાવોના પેટાળમાં જઈ શકે.




