અંતર આત્માને ભક્તિ વડે શુદ્ધ કરવાનો અનેરો અવસર : ચાતુર્માસ

(પ્રારંભ તા.૨૫ જુલાઈ,પુર્ણાહૂતિ તા. ૨૧ નવેમ્બર)
અષાઢ સુદ એકાદશી થી કારતક સુદ - એકાદશીના ચાર માસને ચાતુર્માસ કહેવામાં આવે છે. અષાઢ સુદ એકાદશીએ ભગવાન પોઢે છે. ભાદરવા સુદ એકાદશી પડખું ફેરવે છે. કારતક સુદ એકાદશીએ જાગૃત થાય છે. મંદિરોમાં ભક્તો આ ચારમહિમા સુધી ધ્યાન-ભજન-કથા-કીર્તન કરે છે અને ભક્તિના સાગરમાં રસતરબોળ બને છે. ચાતુર્માસ એ અંતરઆત્માને ભક્તિ વડે શુદ્ધ કરવાનો અનેરો અવસર છે.
શાસ્ત્રોમાં વર્ણવેલા ભગવાનના ત્રણ તબક્કા એટલે કે, અષાઢમાં શયન, ભાદરવામાં પડખું ફેરવવું અને કાર્તિકમાં જાગરણને વાસ્તવમાં મનુષ્યની આંતરિક યાત્રાના પ્રતિક છે.
ભગવાનનું શયન આપણને બાહ્ય કોલાહલ છોડી 'ડિજિટલ ડિટોક્સ' થવાનો સંદેશ આપે છે. ભાદરવામાં પડખું ફેરવવું એટલે આપણા સ્વભાવ અને ભૂલોને સુધારીને 'વર્ઝન અપડેટ' કરવું. જ્યારે કારતકમાસમાં ભગવાનનું જાગરણ એ જીવને મોહનિદ્રામાંથી જગાડી સત્સંગ તરફ વાળવાનો સંકેત છે. શિક્ષાપત્રીમાં પણ શ્રી સ્વામિનારાયણ ભગવાને આ ચાતુર્માસમાં ભક્તિમય જીવન જીવીને મોક્ષ તરફ આગળ પ્રયાગ કરવા નિર્દેશ કર્યો છે.
આ ચાર મહિના દરમ્યાન ધર્મ, જ્ઞાાન, વૈરાગ્ય, ભક્તિ સિદ્ધ કરવા માટે નામસ્મરણ, સદ્ગ્રંથોનું વાચંન, ધ્યાન આદિ ભગવદ્ પ્રસન્નતાના સાધનો અવશ્ય કરવા જોઈએ. ચાતુર્માસમાં એકાદશીના નકોરડા ઉપવાસ અને શ્રાવણ માસના એકટાણાં જેવા નિયમો આપણે અવશ્ય લેવા જોઈએ. આ માત્ર ધાર્મિક પરંપરા નથી, પણ શારીરિક ડિટોક્સ અને માનસિક પ્રોગ્રામિંગનું વિજ્ઞાાન છે. ચાતુર્માસ એ રૂટિન લાઈફમાંથી બ્રેક લઈને સુપર આધ્યાત્મિક લાઈફ તરફ જવાનો દિવ્ય સમયગાળો છે. આવો, આ ચાતુર્માસે આપણે પણ ભગવાનની સાથે આપણી ભીતર સૂતેલી દિવ્યતાને જગાડીએ.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ









