Dharmlok
ગરીબ બ્રાહ્મણી પર આદિ શંકરાચાર્યજીની અદ્ભુત કૃપા
By GS Team
8 Jul 20263 mins read

વિચાર-વીથિકા- દેવેશ મહેતા
'લભન્તે બ્રહ્મનિર્વાણઋષય : ક્ષીણકલ્મષા : ।
છિન્નદ્વૈધા યતાત્માન :
સર્વભૂતહિતે રતા: ।।
જે ઋષિઓના પાપ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમના બધા સંદેહ સમાપ્ત થઈ ગયા છે, જેમનું મન અને ઇન્દ્રિયો સંયમિત છે અને જે બધા પ્રાણીઓના હિતમાં તત્પર રહેતા હોય છે તે બ્રહ્મનિર્વાણ (પરમશાંતિ અને બ્રહ્મ-સાક્ષાત્કાર)ને પ્રાપ્ત થાય છે.'
શ્રીમદ્ ભગવદ્ ગીતા, અધ્યાય-૫, શ્લોક-૨૫
સંનિયમેન્દ્રિયગ્રામ સર્વત્ર સમબુદ્ધય:।
તે પ્રાપ્નુવન્તિ મામેવ
સર્વભૂતહિતે રતા: ।।
જે એમની બધી ઇન્દ્રિયોને વશમાં રાખે છે, બધામાં સમભાવ રાખે છે અને બધા પ્રાણીઓના હિતમાં નિરંતર પ્રવૃત્ત રહે છે તે મને જ પ્રાપ્ત થાય છે.
- શ્રીમદ્ ભગવદ્ ગીતા, અધ્યાય-૧૨, શ્લોક-૪
કેવલાદ્વૈત સિદ્ધાંત, અદ્વૈત વેદાંતના પુરસ્કર્તા, સનાતન ધર્મના પુનરુદ્વારક આદિ શંકરાચાર્ય આઠ વર્ષની ઉંમરના હતા ત્યારે ગુરુ ગોવિંદ સ્વામીના આશ્રમમાં રહીને વિદ્યા-જ્ઞાાનનું અર્જન કરતા હતા. તે વખતની વાત છે. ગુરુ ગોવિંદ સ્વામીના આશ્રમનો એક નિયમ હતો કે ગામમાં ભિક્ષાટન કરવા જવું અને જે ઘર આગળ ઉભા રહે તે ઘરમાંથી જેવી અને જેટલી ભિક્ષા મળે તેનાથી સંતુષ્ટ રહેવું. બધા શિષ્યો આ નિયમનું પાલન કરતા.
એક દિવસ બાળશંકર ભિક્ષા માંગવા નીકળ્યા. તે જે ઘર આગળ આવીને ઉભા રહ્યા તે એક ગરીબ બ્રાહ્મણીનું ઘર હતું. તેની પાસે ભિક્ષામાં આપવા ખાસ કંઈ હતું નહીં. તેણે ભારે સંકોચ સાથે તે અલ્પ ખાવાની વસ્તુ ભિક્ષામાં આપી. તેના મુખ પર છવાયેલો ક્ષોભ બાળશંકરથી અજ્ઞાાત ન રહ્યો. તેમણે એ બ્રાહ્મણ પત્નીને મદદરૂપ થવાનો નિશ્ચય કર્યો. તેમણે આશ્રમના નિયમનો ભંગ કર્યો. તે ગામના એક ધનવાન શેઠની સાત માળની હવેલી પાસે ગયા અને ભિક્ષાની ટહેલ કરી. શેઠાણી મીઠાઈથી ભરેલો મોટો થાળ લઈને ભિક્ષા આપવા આવ્યાં. બાળશંકરે તેમને કહ્યું- 'મારે આ ભિક્ષા લેવી નથી, પણ હું ઇચ્છું છું કે તે તમે બાજુમાં જે બ્રાહ્મણી રહે છે તેમને તે આપો. શેઠાણીએ પ્રસન્નતાપૂર્વક તેમ જ કર્યું. બાળશંકરે કહ્યું હજુ મારી એક ઇચ્છા છે શું તમે તે પૂરી કરશો ? શેઠાણીએ હા પાડી એટલે બાળશંકરે કહ્યું- આ વૃદ્ધ ગરીબ બ્રાહ્મણી જ્યાં સુધી જીવે ત્યાં સુધી તમારે તેનું ભરણપોષણ કરવાનું.' શેઠાણીએ તે સહર્ષ સ્વીકારી લીધું.
પછી બાળશંકરે ગુરુના આશ્રમમાં પાછા આવી ગુરુ ગોવિંદ સ્વામીને કહ્યું- આજે મેં આશ્રમના નિયમનો ભંગ કર્યો છે. હું બે ઘેર ભિક્ષા માંગવા ગયો હતો. પછી જે બન્યું હતું તે સઘળી હકીકત કહી.' ગુરુજી, નિયમભંગ કરવા બદલ તમે જે શિક્ષા કરો તે મને માન્ય છે. ગુરુએ તેમને કહ્યું- 'વત્સ ! તે આશ્રમના નિયમનો ભંગ કર્યો નથી. તે તારા માટે બીજીવાર ભિક્ષા માંગી નથી. તેં તો એ નિયમની પ્રતિષ્ઠા વધારી છે. દરિદ્રી અને દુ:ખીની સેવા કરવી એ તો આ આશ્રમનો મોટો નિયમ છે. એ તો ધર્મનો મૂળ પાયો છે. તે તારા સ્વાર્થ માટે નિયમ તોડયો નથી, પણ પરમાર્થ માટે નિયમ તોડયો છે. મોટા નિયમ માટે નાનો નિમય તોડવો દોષરૂપ નથી. લોકકલ્યાણ અને પરમાર્થનો આ વધારે મોટો નિયમ પાળ્યો એ તો શ્રેષ્ઠ ધર્મકાર્ય છે.'
આ રીતે બીજી એકવાર બાળશંકર એક બ્રાહ્મણને ઘેર ભિક્ષા માંગવા ગયા. તેમણે ભિક્ષા માટે ટહેલ નાંખી-ભિક્ષાન્ દેહિ, ભિક્ષાન્ દેહિ । બ્રાહ્મણ પત્ની બહાર આવી અને બાળ શંકરને થોડીવાર થોભવા કહ્યું. તે બ્રાહ્મણ અત્યંત ગરીબ હતો. તે દિવસે તેના ઘેર ખાવા માટે કંઈ નહોતું. બ્રાહ્મણી આખું ઘર ફેંદી વળી પણ તેને એક સૂકા આંબળા સિવાય કંઈ જ ખાવાની વસ્તુ ના મળી. તે ભારે ક્ષોભ અને સંકોચ સાથે ઘરની બહાર આવી અને બાળ શંકરના ભિક્ષા પાત્રમાં એ સૂકું આંબળું પધરાવ્યું અને પોતાની એ દરિદ્ર અવસ્થાની વાત કરી રડવા લાગી અને કહેવા લાગી- 'બેટા, આજે મારી પાસે ખાવાની આ એક જ વસ્તુ છે.'
એ બ્રાહ્મણીની નિ:સ્વાર્થ ભાવનાથી દ્રવિત થઈને બાળ શંકરે તેનું દારિદ્રય દૂર કરવા લક્ષ્મી માતાની સ્તુતિ કરતું એક સ્તોત્ર રચીને તે ગાયું. ભગવાન શંકરના અવતાર રૂપ બાળ શંકરની ઇચ્છા મા લક્ષ્મી પૂરી ના કરે એવું તે કંઈ બને ખરું ? ૨૨ શ્લોકના આ સ્તોત્રથી પ્રસન્ન થઈ મા લક્ષ્મીએ એ બ્રાહ્મણીની ઝૂપડીમાં સોનાના આંબળાની વર્ષા કરી. એ બ્રાહ્મણીના દારિદ્રય અને દુ:ખ કાયમ માટે દૂર થઈ ગયા. એ સ્તોત્રથી સુવર્ણ (કનક)ના આંબળાની વર્ષા થઈ એટલે તેને કનકધારા સ્તોત્ર તરીકે ઓળખવામાં આવે છે.









