Dharmlok

જ્ઞાન, દર્શન અને ચારિત્રની દૃષ્ટિએ જૈન ડાયસ્પોરાની આગવી વિચારણા!

By GS Team
5 Aug 20265 mins read
જ્ઞાન, દર્શન અને ચારિત્રની દૃષ્ટિએ જૈન ડાયસ્પોરાની આગવી વિચારણા!
  • આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

૨૦૧૭ની ત્રીજી જુલાઈએ અમેરિકાનાં ન્યૂજર્સી શહેરમાં યોજાયેલા ૧૯ મા દ્વિ-વાર્ષિક જૈના કન્વેન્શનમાં આયોજિત જૈન ડાયસ્પોરા કોન્ફરન્સમાં જૈન ડાયસ્પોરાના ઉજ્જવળ ભાવિસર્જન માટે મેં કેટલાક વિચારો વ્યક્ત કર્યા હતા. જૈન ડાયસ્પોરાને જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ દૃષ્ટિએ જુદી જુદી ત્રણ શાખાઓમાં વિભાજિત કરવો જોઈએ. એની જ્ઞાન-શાખામાં જૈન ધર્મના ધાર્મિક, ઐતિહાસિક, આધ્યાત્મિક અને સમગ્ર પરંપરાને અનુલક્ષીને અભ્યાસ થવો જોઈએ. જેમ કે ભારતના જ્ઞાનભંડારોમાં વિપુલ સંખ્યામાં જૈન ધર્મની હસ્તપ્રતો રહેલી છે. પરંતુ એ જ રીતે વર્ષો પૂર્વે જૈન ધર્મની ઘણી મહત્ત્વની હસ્તપ્રતો વિદેશના ગ્રંથાલયોમાં ગઈ હતી અને તે આજે જળવાઈ પણ છે. જર્મની, બ્રિટન, અમેરિકા, ફ્રાંસ, ઇટાલી જેવા દેશોમાં રહેલી જૈન ધર્મની કીમતી હસ્તપ્રતોનું કેટલોગ કરવાની પ્રવૃત્તિ વ્યાપક ધોરણે ચાલવી જોઈએ. ભારતના એ સમૃદ્ધ જ્ઞાનવારસાને આપણે અહીં લાવવો રહ્યો.
એવી જ રીતે એની જ્ઞાનશાખા દ્વારા દેશ અને વિદેશમાં ચાલતી પાઠશાળાઓ માટે નવા અભ્યાસક્રમો, ધાર્મિક શિક્ષકોને તાલીમ અને પાઠયપુસ્તકો તૈયાર કરવાની આવશ્યકતા છે. જેથી સંસ્કારોના મૂળનું સિંચન કરતી આ પ્રવૃત્તિ જળવાઈ રહે. એવી જ રીતે વિશ્વભરની લાઈબ્રેરીઓમાં અને ભારતના ગ્રંથભંડારોમાં જુદા જુદા જૈન ગ્રંથો ઉપલબ્ધ થાય તેને ઓનલાઈન કરીને વિશ્વભરના અભ્યાસીઓને ઉપલબ્ધ કરાવવા જોઈએ. અમેરિકાના શ્રી જશવંતભાઈ મોદીએ અમેરિકા અને ઇંગ્લેન્ડની જુદી જુદી યુનિવર્સિટીઓમાં જૈન વિદ્યાનાં કેન્દ્રો સ્થાપવા માટે ઉમદા સહયોગ આપ્યો છે અને જૈન ધર્મનાં ૨૪ તીર્થકરોનાં નામની ચોવીસ ચેર સ્થાપવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યાં છે, જ્ઞાનપ્રસારનાં ક્ષેત્રમાં આ વિશિષ્ટ ઘટના કહેવાય.
જૈન ડાયસ્પોરાની બીજી શાખા તે દર્શન-શાખા. જૈન ધર્મના જ્ઞાનના પ્રસાર માટે પુસ્તકો, પેમ્ફ્લેટ, વીડિયો, ફેસબુક, ઇ-મેલ, ટ્વિટર, ઇન્સ્ટા જેવા સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી કાર્યો કરશે. આજે દુર્ભાગ્ય એ છે કે જૈન સમાજ એના સમૃદ્ધ જ્ઞાનવારસા તરફ પીઠ ફેરવીને બેઠો છે. એક બીજી બાબતનો અંગુલિનિર્દેશ કરું. કેટલાંક માધ્યમો, પુસ્તકો અને મંડળો જૈન ધર્મ વિશે અપપ્રચાર કરે છે, તેના તાર્કિક વિરોધ કરવો જોઈએ. અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતના અમલ માટે વ્યાવહારિક, રાજકીય કે આર્થિક, દૃષ્ટિએ વિશ્વભરમાં થઈ રહેલા જુદા જુદા પ્રયાસોને વેગ આપવો તેમજ જૈન યોગ જેવી બાબતો અંગે તાલીમ-કેન્દ્ર સ્થાપવાં.
આજે વિશ્વમાં ઇન્ટરફેઇથની પ્રવૃત્તિ દ્વારા ધર્મો એકબીજાની વિચારસરણીને સમજવા અને આદર આપવા પ્રયત્ન થાય છે. આને માટે જૈન ધર્મની ભાવનાઓ, વિચારધારા અને પ્રવૃત્તિઓને ઉદાહરણરૂપ ગણી શકાય. જૈનોએ ક્યારેય ધર્મઝનૂનનો આશરો લીધો નથી, બલ્કે અન્ય ધર્મો સાથે ઉદારપણે હાથ લંબાવ્યો છે. ઘણા જૈન આચાર્યોએ અન્ય ધર્મો વિશે ગ્રંથરચના કરી છે. જૈન સાધુને એની પદવી મેળવવા માટે માત્ર પોતાના ધર્મના જ ગ્રંથો નહીં, પણ અન્ય ધર્મના ગ્રંથોનો અભ્યાસ કરવો પડે છે.
કળિયુગમાં સર્વજ્ઞા તરીકે ઓળખાયેલા કલિકાલસર્વજ્ઞા શ્રી હેમચંદ્રાચાર્યે સોમનાથના મંદિરમાં શિવસ્તુતિ કરી હતી. વસ્તુપાળ અને તેજપાળે મસ્જિદને માટે જમીનનું દાન આપ્યું હતું. ત્રણ ત્રણ વર્ષ સુધી વિ.સં. ૧૩૧૩,૧૩૧૪ અને ૧૩૧૫માં ભારતમાં આવેલા દુષ્કાળ સમયે જગડૂશાએ ખાલી ૧૧૫ અન્નશાળાઓ ખોલાવી હતી, જેમાં કોઈ પણ જાતિ, જ્ઞાતિના ભેદ વગર સહુને અનાજ આપ્યું હતું. આચાર્ય વિજયવલ્લભસૂરિજીએ શીખ ગુરુદ્વારાના મકાન માટે મહત્ત્વનું યોગદાન કર્યું હતું. આચાર્ય બુદ્ધિસાગરસૂરિજીએ હરિજનો માટે છાત્રાલયો ખોલ્યાં હતાં. ઝારખંડના પેટરબાર વિસ્તારમાં આદિવાસી સમાજમાં પરમ દાર્શનિક શ્રી જયંતમુનિજીએ આદિવાસીઓના કલ્યાણ માટે 'જ્ઞાનજ્યોતિ' અને 'નેત્રજ્યોતિ' દ્વારા મહાન સેવાયજ્ઞા કર્યો. વિરાયતનનો જીવંત દાખલો આપણી પાસે છે અને વિશેષ તો જૈન સમાજે બંધાવેલી સ્કૂલો, હોસ્પિટલો, પાંજરાપોળો અને અન્નક્ષેત્રો સહુ કોઈને માટે ખુલ્લાં હોય છે. આજથી ચારસો વર્ષ પહેલા શહેનશાહ અકબર અને આજના સમયમાં મહાત્મા ગાંધીજી પણ જૈન ધર્મની વ્યાપક ઉદારતા અને અનેકાંતદૃષ્ટિથી આકર્ષાયા હતા. મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાં હતા, ત્યારે અનેકાંતવાદનો અભ્યાસ કર્યો અને તે સમયે તેમણે લખ્યું કે એ દિવસે હું હિંદુને હિંદુની દૃષ્ટિએ અને મુસલમાનને મુસલમાનની દૃષ્ટિએ જોતાં શીખ્યો. જૈન ધર્મનો સ્યાદ્વાદએ ઇન્ટરફેઇથ પ્રવૃત્તિની આધારશિલા બની શકે તેમ છે અને તેથી જૈન ડાયસ્પોરા દ્વારા આ ભાવનાઓનો વિશ્વભરમાં પ્રચાર કરવામાં આવે.
ત્રીજી ચારિત્ર-શાખામાં ધરતીકંપ, પૂર, સુનામી, યુદ્ધ જેવી બાબતોમાં વિશ્વના જૈનસમાજે સંગઠિત બનીને આગવું યોગદાન આપવું. વ્યવસાય, વાણિજય અને વેપાર અંગે 'જીતો' સંસ્થા જુદા જુદા દેશોમાં કાર્ય કરતી રહી છે. એવી જ રીતે જૈન સોશિયલ ગ્રૂપ, જૈન જાગૃતિ સેન્ટર જેવાં અનેક ગ્રુપો બીજા દેશ પર આવેલી કુદરતી આપત્તિ સમયે પોતાના સાધર્મિક ભાઈઓની મદદે દોડી જાય છે. હવે જ્યારે દુનિયા પરસ્પરની નજીક આવી રહી છે, ત્યારે જૈન ડાયસ્પોરાએ આપણી આજની મહત્ત્વની આવશ્યકતા છે. માત્ર જરૂર છે તેને માટે એક વિરાટ આંદોલનની.
જૈન પરંપરા એ તત્ત્વજ્ઞાનની પરંપરા છે, માત્ર કોઈ વૈશ્વિક પરંપરા નથી, પણ એ વિચારની, આચારની અને આહારની આગવી શૈલી છે, આથી આ પરંપરાના મર્મને સમજવો, એને અપનાવવી અને એને પરિભાષિત કરવી એ અત્યંત મહત્ત્વની બાબત છે. આધુનિક સમાજમાં જૈન પોતાની પ્રતીતિ, પોતાની અસ્મિતા અને પોતાની પહેચાન ઉભી કરે તે જરૂરી છે. આ સમાજમાં દૂરદર્શિતા છે, આજે પર્યાવરણની વાત કરવામાં આવે છે. પ્રદૂષણ દૂર કરવાની વાત થાય છે. તરસ લાગે એટલે કૂવો ખોદવાની શરૂઆત થાયસ છે. જ્યારે જૈન ધર્મમાં હજારો વર્ષ પૂર્વે પ્રકૃતિ સંરક્ષણ, પ્રાણીરક્ષા અને પર્યાવરણની વાત કરવામાં આવી છે. ભગવાન મહાવીરસ્વામીએ ચદ્વ્ખ્ત ર્ંઢ હ્ર્દૃઢગ્દિં દ્ર્ૃ (સમગ્ર મનુષ્યજાતિ એક બને) એવો મહાન સંદેશ આપ્યો, ત્યારે આજે જૈન સમાજે એક બનીને અહિંસામય વિશ્વની રચનામાં પોતાનું યોગદાન આપે, તેનો સમય આવી ગયો છે. હિંસા, આતંક, વેરભાવ, ધાર્મિક વિદ્વેષ, પર્યાવરણની અસમતુલા, માનવીની વ્યથિત જીવનશૈલી- એ બધી બાબતોમાં નવો રાહ ચીંધી શકે તેમ છે.
જૈન ધર્મ એ વિશ્વનો એક પ્રાચીન ધર્મ છે. એની પાસે એનાં આગવાં મૂલ્યો, સિદ્ધાંતો અને પરંપરા છે, જેને પરિણામે આજ સુધી એ સતત ચાલુ રહ્યો છે, ભગવાન મહાવીરસ્વામીના સમયમાં અનેક તત્ત્વપરંપરાઓ હતી, પરંતુ એમાંના મોટા ભાગના ધર્મો કે વિચાર પરંપરા આજે અસ્તિત્વમાં નથી. આવી ભારતીય સંસ્કૃતિમાં મહત્ત્વનું પ્રદાન કરનારા ધર્મને અત્યાર સુધી સાદ્યત જીવંત રાખનારી એની શક્તિને માધ્યમ બનાવીને સંગઠિત સમાજની રચના કરવી જોઈએ.
જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન આગવું હોવાથી એનો સર્વત્ર પ્રસાર થાય તે જરૂરી છે. જેમ કે આ ધર્મ ધર્માતર (ર્ઝ્રહદૃીર્જિૈહ)માં માનતો નથી. બીજાં રાજ્યો કે દેશો પર આક્રમણમાં સહેજે વિશ્વાસ રાખતો નથી, પરંતુ ભાવનાપૂર્ણ જીવનશૈલી, આત્માનુભૂતિ અને અહિંસામાં માને છે. એવા જીવનદર્શનને સહયોગ, સંસ્કાર, સહમતી, સેવા અને સમર્પણ દ્વારા કાર્યન્વિત કરવાનો સમય આવી ચૂક્યો છે. આને અભિયાનનું રૂપ આપવાની જરૂર છે. અહિંસાથી અભયની યાત્રા થાય, મૈત્રીથી મનુષ્યતાની યાત્રા થાય, કરુણાથી સંવેદનાની યાત્રા થાય, ત્યારે જૈન સંસ્કૃતિ સાર્થક થાય. આ સમાજ વૈશ્વિક રીતે વાણિજયની દૃષ્ટિએ, આચારશાસ્ત્રની દૃષ્ટિએ, પર્યાવરણ, અહિંસા અને જીવનના સંબંધોની દૃષ્ટિએ જોડાયેલો રહે તે જરૂરી છે. જૈનોની સ્વતંત્રતા એ અંગ્રેજ શાસનમાંથી ભારતને મુક્ત કરનારી સ્વતંત્રતા નથી. આ તો એ સ્વતંત્રતા છે કે જેમાં મનુષ્ય સ્વયં આત્માનુશાસનથી જીવી શકે. આજના મૂલ્યવિહીનતા તરફ જતા સમાજમાં, જીવનનાં સત્યોની ઉપેક્ષા કરતી પરિસ્થિતિમાં અને હિંસા અને આક્રમણનો મહિમા કરતાં પરિબળોની વચ્ચે જૈનધર્મ એની વિશિષ્ટ દૃષ્ટિને કારણે જગતને ઘણું આપી શકે છે અને તે આપવાની જવાબદારી ગમે તે સ્થળ, દેશ કે કાળમાં વસતા પ્રત્યેક જૈનની છે.