Devbhumi Dwarka

દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ વચ્ચે દરિયો બન્યો તોફાની: ગોમતી ઘાટ પર પ્રતિબંધ, NDRF તહેનાત

By GS Team
1 Aug 20262 mins read
TukuTouch Logo
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરતાં તંત્ર સજ્જ બન્યું છે. અરબી સમુદ્રમાં કરંટ અને ઊંચા મોજાંને કારણે દ્વારકાના ગોમતી ઘાટ પર પ્રવેશ બંધ કરાયો છે. ઓખા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને NDRF ટીમ સ્ટેન્ડબાય છે. કલેક્ટરે લોકોને અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ વચ્ચે દરિયો બન્યો તોફાની: ગોમતી ઘાટ પર પ્રતિબંધ, NDRF તહેનાત

Devbhumi Dwarka Rain Alert: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવતાં સમગ્ર વહીવટી તંત્ર ઍલર્ટ મોડમાં આવી ગયું છે. શનિવાર સવારથી જ જિલ્લામાં મેઘાવી માહોલ વચ્ચે અરબી સમુદ્રમાં પ્રચંડ કરંટ અને ઊંચા મોજાં ઉછળતાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

ગોમતી ઘાટ પર પ્રવેશ બંધ

યાત્રાધામ દ્વારકા ખાતે આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. દરિયામાં જોખમી સ્થિતિને પગલે ગોમતી ઘાટ પર લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. બહારથી આવતા યાત્રાળુઓ દરિયાના કરંટથી અજાણ હોવાથી અકસ્માત ન સર્જાય તે માટે પોલીસ દ્વારા ઘાટ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

ઓખા બંદરે 3 નંબરનું સિગ્નલ, NDRFની ટીમ સ્ટેન્ડબાય

સંભવિત આપત્તિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. દરિયાની ગંભીર સ્થિતિને જોતાં ઓખા બંદર ખાતે 3 નંબરનું ચેતવણી સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા અને કિનારાના લોકોને સાવચેત રહેવા કડક સૂચના આપવામાં આવી છે. કોઈપણ કટોકટીની સ્થિતિ સામે લડવા માટે NDRF અને ફાયર વિભાગની ટીમોને સ્ટેન્ડબાય કરી દેવાઈ છે.

અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ

દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેક્ટરે નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને માત્ર સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવા અનુરોધ કર્યો છે. આ ઉપરાંત, અતિશય જરૂરી કામ ન હોય ત્યાં સુધી લોકોને ઘરની બહાર ન નીકળવા પણ ખાસ અપીલ કરવામાં આવી છે.