Get The App

માસ્ક-થર્મોમીટરનાં વેચાણનાં બહાને પોણા કરોડની ઓનલાઇન છેતરપિંડી

- ભાણવડનાં ડોક્ટર બન્યા ચિટર ગેંગનો શિકાર

- બે મહિના દરમિયાન 25 હજાર થર્મોમીટર અને 10.50 લાખ માસ્કનો ઓર્ડર આપીને રૂપિયા જમા કરાવ્યા પણ માલ મળ્યો નહીં!

Updated: Jul 3rd, 2020

GS TEAM

Google News
Google News
માસ્ક-થર્મોમીટરનાં વેચાણનાં બહાને પોણા કરોડની ઓનલાઇન છેતરપિંડી 1 - image


ખંભાળીયા, તા. 3 જુલાઈ, 2020, શુક્રવાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે રહેતા અને તબીબી પ્રેક્ટિસ કરતા એક ડોક્ટરને ઇન્ટરનેશનલ ચોર ગઠિયાઓએ વોટ્સએપ સહિતના ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો મારફતે ઓનલાઈન ઠગાઈ આચરી, રૂપિયા પોણો કરોડ જેટલી તોતિંગ રકમ જમા મેળવી અને નકકી કરાયા મુજબ થર્મોમીટર, માસ્ક વિગેરે જેવા સાધનો ન મોકલતા આ સમગ્ર બનાવ અંગે આખરે ભાણવડમાં ધોરણસર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વિગત મુજબ, ભાણવડના રણજીતપરા વિસ્તારમાં રહેતા ડો.  નીશિતભાઈ રાજેશકુમાર મોદી નામના ૨૯ વર્ષના યુવાન તબીબ સોશીયલ મીડિયામાં જુદા જુદા ગુ્રપ ધરાવતા હતા. જેમાં સર્જીકલ પ્રોડક્ટસ ગુજરાત નામના વોટ્સએપ ગુ્રપમાં તેઓ સભ્ય હતા.

આ ગુ્રપ મારફતે એક ચોક્કસ વેબસાઈટ દ્વારા ફ્લોરિડા ઈન્ટરનેશનલ ગ્રુપ લિમિટેડ નામની યુ.એસ.એ.ના ફ્લોરીડા વિસ્તારની કંપની દ્વારા પોતાની આ કંપનીના જુદા જુદા સંચાલકો કે એજન્ટો દ્વારા તેમના ચોક્કસ નંબર ઉપરથી ફરિયાદી તબીબનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ડોકટરને ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણના માધ્યમથી વિશ્વાસમાં લઈ ઠગાઈ કરવાના ઈરાદે આ શખ્સોએ તા. ૨૬- ૪- ૨૦૨૦ ના રોજ ૨૫,૦૦૦ નંગ ડિજિટલ ઈન્ફ્રારેડ થર્મોમીટર અને ૫૦,૦૦૦ નંગ માસ્ક ઉપરાંત તા. ૨૮મી એપ્રિલના અન્ય ઓર્ડરમાં દસ લાખ નંગ માસ્કનો ઓર્ડર મેળવ્યો હતો. આમ ઉપરોક્ત તબીબી સાધનો વગેરેના ઓર્ડર માટેના પેમેન્ટના રૂપિયા ૭૪, ૫૭,૪૦૦ ની રકમ પાંચ અલગ અલગ બેંક એકાઉન્ટમાં જે પૈકી ત્રણ એકાઉન્ટ યુકો બેન્કમાં જુદા જુદા નંબરમાં જમા કરાવવામાં આવ્યા હતા. પરંતુ માસ્ક  અને થર્મોમિટર મોકલવામાં નહીં આવતા ડોકટર સાથે છેતરપીંડી થઈ હતી. પરિણામે ભાણવડ પોલીસમાં આજે  જુદા જુદા પ્રકારના ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોના માધ્યમથી ભાણવડના તબીબને વિશ્વાસમાં લઈ, રૂપિયા પોણો કરોડ જેટલી ઓનલાઈન ઠગાઈ કરી, ખોટી ઓળખ આપીને ઓર્ડર મુજબનો માલ નહીં મોકલવા સબબ છેતરપિંડી આચરવા અંગે ફ્લોરિડા ઇન્ટરનેશનલ ગુ્રપ યુ.એસ.એ. લિમિટેડ, પ્રેસ્ટોન જેક,  અરમાડો (નેપાળ એજન્ટ) તથા ત્રણ બેન્ક એકાઉન્ટ નંબરધારક મળી કુલ છ શખ્સો સામે ભાણવડ પોલીસ મથકમાં આઈ. પી. સી. કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ તથા ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણ અંગે આગળની તપાસ અહીંના સી. પી. આઈ. એમ. એન. પંડયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

ડોક્ટર સાથે થયેલી આ પ્રકારની ઓનલાઈન અને નવતર પ્રકારની ઠગાઈ તથા ચેતવણીરૂપ એવા આ કિસ્સાએ ભારે ચકચાર પ્રસરાવી છે.

Tags :