જન્માષ્ટમી પર દ્વારકાધીશનો દિવ્ય શૃંગાર! પ્યોર સિલ્કના કેસરી વાઘા અને હીરા-મોતી જડિત સોનાનો 'પાટિયારા હાર', જાણો શું છે વિશેષતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Janmashtami Dwarkadhish Shringar | "નંદ ઘેર આનંદ ભયો, જે કન્હૈયા લાલ કી…" ના નાદ સાથે આજે સમગ્ર જગત મંદિર દ્વારકા ભક્તિના રંગે રંગાયું છે. ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવને નિહાળવા માટે દેશ-વિદેશથી લાખો ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે. આ પાવન અવસરે કાળિયા ઠાકોરના દિવ્ય અને અલૌકિક શૃંગાર માટે છેલ્લા 5 થી 6 મહિનાથી એક મહાયજ્ઞ ચાલી રહ્યો હતો. જેમાં વૃંદાવન, રાજકોટ, અને સુરતના કારીગરોની આકરી મહેનત છુપાયેલી છે.
આ વખતે ભગવાનને કોઈ સામાન્ય વસ્ત્રો નહીં, પરંતુ અમદાવાદથી પસંદ કરાયેલા કાપડમાંથી વૃંદાવનના કારીગરોએ 5 મહિનાની આકરી મહેનતે તૈયાર કરેલા કેસરી રંગના વિશેષ 'ચાગદાર વાઘા' અને રાજકોટના કારીગરોએ ઘડેલો સોનાનો 'પાટિયારા હાર' ધરાવવામાં આવશે. ઠાકોરજીના આ અલૌકિક રૂપ અને તેની પાછળ છુપાયેલી અદભુત કારીગરીની વિગતો આપતાં મંદિરના પૂજારી પુનિતભાઈ વાયડા પણ ભાવવિભોર બન્યા હતા.

અમદાવાદનું કાપડ અને વૃંદાવનના 15 કારીગરોની આકરી તપસ્યા-
ઠાકોરજી માટે જન્માષ્ટમીનો શૃંગાર હંમેશાં ખાસ હોય છે, જેના માટે આ વખતે 6 મહિના પહેલાંથી જ તૈયારીઓનો આરંભ કરી દેવાયો હતો. ભગવાન માટે અમદાવાદથી ખાસ પ્યોર સિલ્ક અને રૉ-સિલ્કનું કેસરી કાપડ પસંદ કરવામાં આવ્યું હતું. આ કાપડ પર વૃંદાવનના 15 જેટલા કારીગરોની ટીમે સતત 5 મહિના સુધી રાત-દિવસ મહેનત કરીને સોનેરી તારથી અતિ બારીક જરદોશી વર્ક કર્યું છે. વાઘામાં રેશમ વર્ક સાથે લાલ અને વાદળી રંગના રત્નો તેમજ સ્વરોસ્કી ડાયમંડનું જડતર કરીને મનમોહક ફ્રી-હેન્ડ ડિઝાઇન તૈયાર કરાઈ છે. એટલું જ નહીં, વાઘાના મેચિંગમાં જ બનેલી વિશેષ પીંછવાઈમાં સૂર્ય પર સોનેરી જરદોશી અને ચંદ્ર પર સ્પાર્કલિંગ ડાયમંડ વર્ક કરવામાં આવ્યું છે.

રાજકોટમાં 2 મહિનામાં તૈયાર થયો હીરા-મોતી જડિત 'પાટિયારા હાર'-
પરંપરા મુજબ જન્માષ્ટમીએ દ્વારકાધીશજી માટે વિશેષ આભૂષણો તૈયાર કરાવવામાં આવે છે. આ વર્ષે ઠાકોરજી માટે રાજકોટના તજજ્ઞ સોની કારીગરોએ સતત 2 મહિનાની મહેનત બાદ એક અત્યંત વૈભવી 'પાટિયારા હાર' તૈયાર કર્યો છે. ચાંદીના પેન્ડન્ટ પર કુંદન, સ્વરોસ્કી મોતી અને હીરાનું જડતર કરીને તેના પર સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, ચાંદી પર સોનાનું વરખ ચડાવીને ભગવાનના ચાર દિવ્ય આયુધો- શંખ, ચક્ર, ગદા અને પદ્મ પણ ખાસ જન્માષ્ટમી ઉત્સવ માટે નવેસરથી ઘડવામાં આવ્યા છે.

સુરતની જરદોશી પીઠિકા અને સવાર-રાતના શૃંગારનો દિવ્ય ક્રમ-
ભગવાનના આ સિંહાસન અને પીઠિકા માટે સુરતના કારીગરોની મદદ લેવાઈ હતી, જેમણે રાણી રંગ અને લાલ રંગની બે સુંદર પીઠિકા જરદોશી કામ સાથે તૈયાર કરી છે. આ શૃંગારની ખાસિયત એ છે કે સવારે ભગવાનને લાલ રંગની પીઠિકા સાથે રૉ-સિલ્કના વાઘા ધરાવાશે. જ્યારે મધ્યરાત્રિએ જન્મોત્સવના સમયે પરંપરા મુજબ અસલી સોનાની પીઠિકા પર પ્યોર સિલ્કના વાઘા ધરાવીને કાળિયા ઠાકોરનો મહાશૃંગાર કરાશે. આ સાથે જ ઠાકોરજીને મંદિરના પરંપરાગત રિયલ માણેક, હીરાના આર અને ચાંદલા ધારણ કરાવીને દિવ્ય આરતી ઉતારવામાં આવશે.




