Devbhumi Dwarka

ખંભાળિયા પાલિકામાં ધૃણાસ્પદ કૃત્ય: ચીફ ઓફિસરની ચેમ્બર નજીક મૃત શ્વાન લટકાવ્યું, પ્રમુખની કેબિન બહાર માછલાં ફેંકાયા

By GS Team
9 Oct 20262 mins read
TukuTouch Logo
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નગરપાલિકામાં 8 ઓક્ટોબરે એક ઘૃણાસ્પદ ઘટના બની હતી. અજાણ્યા શખસોએ ચીફ ઓફિસરની ચેમ્બર પાસે મૃત શ્વાન લટકાવ્યું હતું અને પ્રમુખ સહિત અન્ય વિભાગોની બહાર મરેલી માછલીઓ નાખી દીધી હતી. આથી પાલિકા પરિસરમાં દુર્ગંધ ફેલાઈ હતી. સફાઈ કામદારોના આંદોલનને બદનામ કરવાનું ષડયંત્ર હોવાનો આક્ષેપ થયો છે. પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખંભાળિયા પાલિકામાં ધૃણાસ્પદ કૃત્ય: ચીફ ઓફિસરની ચેમ્બર નજીક મૃત શ્વાન લટકાવ્યું, પ્રમુખની કેબિન બહાર માછલાં ફેંકાયા

Khambhalia Municipality: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નગરપાલિકા કચેરી ખાતે ગઈકાલે (આઠમી ઓક્ટોબર) એક અત્યંત ધૃણાસ્પદ અને નીંદનીય બનાવ સામે આવ્યો છે. કોઈ અજાણ્યા શખસો દ્વારા પાલિકાના ચીફ ઓફિસરની ચેમ્બર પાસે મૃત શ્વાન લટકાવી દેવામાં આવ્યું હતું, તેમજ પાલિકાના પ્રમુખ અને અન્ય વિવિધ વિભાગોની બહાર મરેલાં માછલાં નાખી દેતાં પાલિકા પરિસરમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

કચેરી ખુલતાં જ ધૃણાસ્પદ ઘટના સામે આવી, ગંદકીથી કર્મચારીઓ પરેશાન

મળતી માહિતી અનુસાર, ગુરુવારે સવારે જ્યારે નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ કચેરીએ પહોંચ્યા ત્યારે આ દ્રશ્યો નજરે પડ્યા હતા. ચીફ ઓફિસરની ચેમ્બર પાસે મૃત શ્વાન લટકાવેલું હતું, જ્યારે પાલિકા પ્રમુખની ચેમ્બર તથા અન્ય વિભાગોની બહાર મરેલાં માછલાં વેરાયેલાં પડ્યાં હતાં. આ મૃત અવસ્થામાં રહેલા શ્વાન અને માછલાંના કારણે સમગ્ર પાલિકા કચેરીમાં તીવ્ર દુર્ગંધનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. આ દૂષિત વાતાવરણને કારણે અરજદારો અને પાલિકાના કર્મચારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

સફાઈ કામદારોને બદનામ કરવાનું ષડયંત્ર હોવાનો આક્ષેપ

નોંધનીય છે કે, પૂર્વ કર્મચારીઓને ચૂકવવાની થતી રકમ સહિતના વિવિધ મુદ્દાઓને લઈને હાલ પાલિકાના સફાઈ કામદારો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે સફાઈ કામદાર અગ્રણી રમેશ વાઘેલાએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, 'સફાઈ કામદારોના ન્યાયી આંદોલનને બદનામ કરવા માટે કોઈ અસામાજિક તત્વો દ્વારા આ કાવતરું રચવામાં આવ્યું છે.' આ ઘટના બાદ સફાઈ કામદારો દ્વારા જ આગળ આવીને સમગ્ર વિસ્તારની સઘન સાફ-સફાઈ કરવામાં આવી હતી.

પાલિકામાં કેમેરા જ નથી! પોલીસે આસપાસના સીસીટીવી ચકાસ્યાં

આ ચકચારી ઘટના અંગે પોલીસ તંત્રને ત્વરિત માહિતગાર કરવામાં આવ્યું હતું. બનાવ સ્થળે પહોંચેલી પોલીસે અજાણ્યા તત્ત્વોની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી હતી. જોકે, આશ્ચર્યજનક રીતે નગરપાલિકા કચેરીમાં હાલ કોઈ સીસીટીવી કેમેરા કાર્યરત ન હોવાથી પોલીસે પાલિકા કચેરી આસપાસના અન્ય ખાનગી સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી શરૂ કરી છે. આ હલકટ કૃત્યના કારણે નગરપાલિકા કચેરી સહિત સ્થાનિક રાજકારણમાં પણ ભારે ગરમાવો આવી ગયો છે.