Delhi ni Vaat

ચોમાસા સત્રમાં બંધારણ સુધારણા બીલ રજૂ નહી થાય?

By GS Team
19 Jul 20264 mins read
TukuTouch Logo
નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્ર પહેલાં ૧૩૦મું બંધારણીય સુધારા બિલ રજૂ થવા અંગે શંકા છે. JPC સભ્યોની અસહમતિને કારણે અંતિમ રિપોર્ટ સ્વીકારવાનો નિર્ણય ટાળવામાં આવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યસભામાં 'વંદે માતરમ બિલ' રજૂ કરશે, જે રાષ્ટ્રીય ગીતના અપમાન પર સજાની જોગવાઈ કરશે. મુંબઈમાં BMCએ તાજ હોટલને ૨૬/૧૧ પછી રસ્તાના ઉપયોગ બદલ ₹27.12 કરોડની નોટિસ ફટકારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચોમાસા સત્રમાં બંધારણ સુધારણા બીલ રજૂ નહી થાય?

નવીદિલ્હી: સંસદના ચોમાસા સત્ર પહેલા બંધારણનું ૧૩૦મું સુધારણા બીલ રજુ થઈ શકશે કે નહીં એ બાબતે શંકા છે. અગાઉ આ બીલ પસાર નહીં થતા સંયુક્ત સંસદીય સમીતી (જેપીસી) પાસે મોકલવામાં આવ્યું હતું. સમીતીએ અંતિમ રીપોર્ટનો સ્વીકાર કરવાનો હતો, પરંતુ જેપીસીના સભ્યો વચ્ચે સહમતી થઈ શકી નહોતી અને એટલે અંતિમ રીપોર્ટે સ્વીકારવાનો નિર્ણય ટાળી દેવામાં આવ્યો હતો. જેપીસીના ચેરમેન અને ભાજપના સાંસદ અપરાજીતા સારંગીના કહેવા પ્રમાણે બીલ બાબતે વધુ ચર્ચાની જરૂર હોવાથી આગળ પણ ચર્ચા ચાલુ રહેશે. અધિકારીઓ તરફથી બીલ સાથે જોડાયેલા તમામ સવાલો અને એનાથી શું ફેર પડશે એ બાબતે જેપીસીના તમામ સભ્યોને જાણકારી આપવામાં આવી હતી. જોકે ત્યાર પછી રીપોર્ટનો સ્વીકાર કરવાની વાત આવી ત્યારે સભ્યો સહમત થયા નહોતા.
શરદ પવારની એનડીએમા એન્ટ્રી કઈ રીતે થશે
૨૦૨૩માં કાકા શરદ પવાર અને ભત્રીજા અજીત પવાર અલગ થઈ ગયા હતા. એટલે કે એનસીપીના બે ભાગ પડી ગયા હતા અને ચૂંટણી કમિશને અજીત પવારની એનસીપીને સાચી એનસીપી ગણી ચૂંટણી ચિન્હ એનસીપી (અજીત પવાર)ને આપ્યું હતું. હવે છેલ્લા કેટલાક વખતથી એનસીપી (શરદ પવાર) એનડીએ સાથે જોડાવાની ચર્ચા થઈ રહી છે. જોકે આ બાબતે ભાજપની પૂર્વ શરત એ છે કે પહેલા એનસીપી (શરદ પવાર)નો વિલય એનસીપી (અજીત પવાર)માં થાય. હમણા જે એનસીપી (શરદ પવાર) છે એ જ હાલતમાં એનડીએ સાથે જોડાવવું અશક્ય છે. બીજી તરફ એનસીપી (અજીત પવાર)ની પણ કેટલીક શરતો છે. એનસીપી (અજીત પવાર)ના સિનિયર નેતાઓ માને છે કે કેન્દ્રમાં પ્રધાનમંડળનું વિસ્તરણ થાય તો રાજ્યસભાના સાંસદ પાર્થ પવારને કેન્દ્રીય મંત્રી મંડળમાં સામેલ કરવામાં આવે. આ બાબતે મંડાગાઠ ઉભી થઈ શકે એમ છે.
વંદે માતરમ બીલ રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ રજૂ કરશે
આજથી ચાલુ થનારા ચોમાસા સત્રમાં ઘણા અગત્યના બીલો રજૂ થવાના છે. જોકે વંદે માતરમ બીલને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સૌથી પહેલા રાજ્યસભામાં રજુ કરશે. રાષ્ટ્રીય ગીત વંદે માતરમનું અપમાન કરવું કે ગીતમાં દખલ કરવાની કોશિષ કરવી સજાપાત્ર બનાવવામાં આવશે. જો કોઈ વંદે માતરમનું અપમાન કરે છે તો હવે એની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકશે. જે રીતે રાષ્ટ્રગીત જન ગણ મનને માન આપવામાં આવે છે એ જ રીતે વંદે માતરમને પણ માન આપવું જરૂરી બનશે. વંદે માતરમ ગીત બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંને ખૂબ સંવેદનશીલ છે. આ બીલ પસાર કરાવવા માટે ભાજપના નેતાઓ ડીએમકે સાથે પણ સંપર્કમાં છે. ડીએમકે સિવાય પણ બીજા વિરોધપક્ષોના નેતાઓને મનાવવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસની નારાજગી છતા મનિષ તિવારી વડાપ્રધાનને મળ્યા
પંજાબ કોંગ્રેસના સિનિયર નેતા અને સાંસદ મનિષ તિવારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એમની ચંડીગઢ રેલી દરમિયાન સ્ટેજ પર જોવા મળ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી મનિષ તિવારી કોંગ્રેસના નેતાઓના નિર્ણયો સામે અવાજ ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસ હાઇકમાન્ડ એમનાથી નારાજ હોવાનું પણ કહેવાય છે. જોકે શશી થરૂરની જેમ મનિષ તિવારીએ પણ મનમાં કંઈક નક્કી કરી રાખ્યું છે. એમણે સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'વિકાસના મુદ્દાઓ હંમેશા રાજકારણથી ઉપર રહેવા જોઈએ. આ જ કારણે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સરકારી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહું છું. મે રાજકીય કાર્યકર્તા તરીકે છેલ્લા ૪૫ વર્ષોમાં રાજકારણને વ્યવસ્થીત રીતે તૂટતા જોયું છે. આજનું રાજકારણ ઝડપથી ઝેરીલું થઈ રહ્યું છે. જેમાં રાજકીય વિરોધીને જાની દુશ્મન માનવામાં આવે છે.'
બીએમસીએ તાજ હોટલને ૨૭ કરોડની નોટીસ મોકલતા વિવાદ
મુંબઈના ૨૬/૧૧ આતંકવાદી હુમલા પછી સુરક્ષા માટે મુંબઈની કોલાબા સ્થિત તાજ મહાલ પેલેસ હોટલએ આજુબાજુના રસ્તા અને ફૂટપાથનો ઉપયોગ કર્યો હતો. ૨૬/૧૧ના આતંકવાદી હુમલા વખતે તાજ મહાલ હોટલમાં સેંકડોની હત્યા થઈ હતી અને સમગ્ર હોટલને નુકસાન થયું હતું. સ્વાભાવીક છે કે ત્યાર પછી હોટલની સુરક્ષા માટે સુરક્ષા એજન્સીઓએ કેટલાક કડક પગલા લીધા હતા. હવે મુંબઈની કોર્પોરેશને ૧૮ વર્ષ પછી સાર્વજનીક જગ્યાનો ઉપયોગ કરવા માટે હોટલ પાસે ૨૭.૧૨ કરોડ રૂપિયા માંગ્યા છે. તેમને પહેલા આપવામાં આવેલી છૂટ પાછી લઈ લેવામાં આવી છે. તાજને રસ્તાના ઉપયોગ માટે ૪.૯૭ કરોડ અને ફૂટપાથના ઉપયોગ માટે ૨૨.૧૫ કરોડ રૂપિયા ચૂકવવા પડશે. આખો વિવાદ હોટલની આસપાસના ૬૮૯.૫૯ વર્ગમીટરના રસ્તાઓ અને ૧,૧૩૬.૩ વર્ગમીટરની ફૂટપાથ સાથે જોડાયેલો છે. પાર્કિંગ માટે આ વિસ્તારમાં બેરીકેડ્સ લગાડવામાં આવ્યા હતા.
ડીએમકેએ ટીવીકે સાથે હાથ મેળવ્યા
એક તરફ ડીએમકેના કેટલાક નેતાઓ સિમાંકન બીલ બાબતે કેટલીક શરતોને આધીન એનડીએ સરકારને સાથ આપવા તૈયાર થયા છે એવી વાત છે. બીજી તરફ હવે ડીએમકેના પ્રમુખ સ્ટાલીને નવો રાગ આલાપ્યો છે. ડીએમકે અને તામિલનાડુના મુખ્યમંત્રી સી જોસેફ વિજયની સત્તાધારી પાર્ટી ટીવીકેએ આ મુદ્દે હાથ મેળવ્યા છે. બંને પક્ષોએ મળીને બીલનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. સોમવારથી શરૂ થઈ રહેલા ચોમાસા સત્ર દરમિયાન સરકારી એજન્ડામાં હમણા તો સિમાંકન બીલનો સમાવેશ કરવામાં આવ્યો નથી, પરંતુ આ બાબતે સમગ્ર તામિલનાડુમાં ભારે ચર્ચા થઈ રહી છે. હવે ડીએમકેએ ટીવીકે સાથે મળીને ખુલાસો કર્યો છે કે બીલનો કોઈપણ સંજોગોમાં વિરોધ કરવામાં આવશે.
ટીએમસીના મહામંત્રી અભિષેક બેનર્જીની મુશ્કેલી વધી
દક્ષિણ ૨૪ પરગણા જિલ્લા પ્રશાસનએ અમતાલા સ્થિત તૃણમુલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીની ઓફિસનું ડિમોલીશન કરી નાખ્યું છે. સરકારના ખુલાસા પ્રમાણે તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે આ ઓફિસનું બાંધકામ કોઈપણ જાતની પરવાનગી વગર કરવામાં આવ્યું હતું. ભારે સુરક્ષા વચ્ચે જેસીબીની મદદથી ઓફિસ તોડી પાડવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસ અને કેન્દ્રીય દળો હાજર રહ્યા હતા. આ કાર્યવાહી પછી ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડયા હતા અને મીઠાઈ વહેંચી હતી. અભિષેક ડાયમંડ હાર્બર લોકસભા ક્ષેત્રમાંથી ટીએમસીના સાંસદ તરીકે ચૂંટાયા છે. અમતાલા આજ ચૂંટણી ક્ષેત્રનો હિસ્સો છે. નવાઇની વાત એ છે કે આ બાબતે મમતા બેનર્જી કે અભિષેક બેનર્જીએ કોઈ ખુલાસો કર્યો નથી.'