મોદી - શાહ સંસદમાં કેમ નથી આવતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : સંસદના ચોમાસુ સત્રમાં વિવિધ કારણોસર હોબાળો ચાલુ છે. લોકસભા તેમજ રાજ્યસભામાં ભારે વિરોધ પછી સરકાર કેટલાક બીલો પસાર કરાવી શકી છે. સંસદ ભવનની બહાર રામ મંદિર દાન ચોરી મામલે વિરોધ પક્ષો દેખાવ કરી રહ્યા છે અને ભાજપના નેતાઓ ચુપ છે. ખાસ કરીને સંસદના બંને ગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કોઈ અકળ કારણસર હાજર રહેતા નથી. આ બાબતની નોંધ દેશભરમાં લેવાઈ રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ મોદી - શાહની શાબ્દિક ધોલાઈ કરી છે. ખડગેએ કહ્યું છે કે, 'મોદી અને શાહે સંસદમાં આવીને પોતાની વાત રજૂ કરવી જોઈએ. એમના મનમાં શું ચાલી રહ્યું છે? તેઓ કેમ ચૂપ છે? દાન ચોરી મામલે એમના અભિપ્રાય શું છે? વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો અને પેલેટ ગન ચલાવવામાં આવી. આ માટે જવાબદાર વડાપ્રધાન અને ગૃહમંત્રી છે અને એમણે નિવેદન આપવું જ પડશે.'
આરએસએસની યોજના સફળ થશે?
જંતર મંતર ખાતે જેન ઝીના આંદોલન પછી જે રીતે ભાજપ સરકારને નીચા જોણુ થયું છે ત્યાર પછી ચોંકી ગયેલા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘે દેશના યુવાનોને સંબોધવાનું નક્કી કર્યું છે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત હવે દેશના યુવાનો સાથે વાતચીત કરવાના છે. ભાગવત મુંબઈમાં જેન ઝી અને જેન આલ્ફાને સંબોધન કરશે. આ કાર્યક્રમ 'ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ મૂવમેન્ટ ટુ યુનાઇટેડ નેશન્સ' (આઇઆઇએમયુએન)ની ૧૫મી વર્ષગાંઠ નિમિત્તે રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ૧૫થી ૧૯ વર્ષની ઉંમરના ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે. જે રીતે દિલ્હીમાં જેન ઝીને સફળતા મળી છે ત્યારથી ભાજપ અને સંઘના નેતાઓ ચોંકી ગયા છે. એમને મોડે મોડેથી જ્ઞાાન થયું છે કે, દેશના ૫૦ કરોડ જેટલા જેન ઝી એમની સરકાર ઉથલાવી શકે એમ છે.
વિરોધપક્ષના નેતા સ્ટાલીનની ધરપકડથી તામિલનાડુમાં વિવાદ
ડીએમકે તેમજ વિરોધપક્ષના નેતા અને ભૂતકાળના ઉપમુખ્યમંત્રી ઉદયનીધી સ્ટાલીનને તામિલનાડુ પોલીસે એમના ઘરમાંથી ઉચકી લીધા હતા. ભૂતકાળમાં સ્ટાલીનએ સનાતન ધર્મ વિરુદ્ધ ઘણા નિવેદનો કર્યા હતા, પરંતુ એમને વાંધો આવ્યો નહોતો. જોકે મુખ્યમંત્રી વિજયના મહિલા મિત્ર અને ફિલ્મ અભિનેત્રી તૃષા વિરુદ્ધ સ્ટાલીને કરેલી ટીપ્પણીને કારણે એમની ધરપકડ થઈ છે. કાવેરી પાણી વિવાદ માટેની એક રેલીમાં સ્ટાલીને અપમાનજક ટીપ્પણી કરી હતી. વિફરેલા વિજયએ આજકાલની ફેશન પ્રમાણે સ્ટાલીનને માફ કર્યા નહોતા. સ્ટાલીનની ધરપકડના સમાચાર ફેલાતા જ તામિલનાડુમાં ઉશ્કેરાટ ફેલાઈ ગયો હતો. સ્ટાલીનના નિવેદન બાબતે મહિલા આયોગમાં પણ ફરિયાદ કરવામાં આવી છે. તામિલનાડુમાં રાજકીય નીરિક્ષકો બે ભાગમાં વહેચાઈ ગયા છે. કેટલાક આ ધરપકડને યોગ્ય પગલું માને છે કે જેથી ભવિષ્યમાં વિજયના ટીકાકારો ટીકાટીપ્પણી કરવાથી દુર રહે. બીજી તરફ કેટલાક આ ધરપકડને વાણીસ્વાતંત્ર્ય પરનો હુમલો ગણાવે છે.
દેખાવ કરનારાઓને ઉપદેશ આપવાનું કામ કોર્ટનું નથી
સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ જજ અને કર્ણાટક અને બોમ્બે હાઇકોર્ટના ચીફ જસ્ટીસ રહી ચૂકેલા જસ્ટીસ અભય એસ ઓકાએ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરવાના અધિકાર બાબતે અગત્યની ટીપ્પણીઓ કરી છે. જસ્ટીસ ઓકાએ ચેતવણી આપી છે કે સરકાર જો આ જ રીતે વિરોધીઓ અને સહમત નહીં થનારાઓના અવાજને ગુનો ગણતી હોય તો લોકશાહી જોખમમાં મૂકાઈ જશે. એમણે કોર્ટોને અપીલ કરી છે કે, આ પ્રકારના કેસોને રદ કરવા જોઈએ અને અભિવ્યક્તિની આઝાદીને દબાવવાની કોશિષ સફળ થવા દેવી જોઈએ નહીં. જ્યારે મૂળભૂત અધિકારોની વાત હોય ત્યારે દેખાવ કરનારાઓની ભાષા બાબતે વિચાર થઈ શકે નહીં. કોર્ટોનું કામ ઉપદેશ આપવાનું નથી. જસ્ટીસ ઓકાએ કહ્યું હતું કે, 'કોર્ટને અરજી કરનારાઓની વાત પસંદ નહીં હોય છતાં પણ અભિવ્યક્તિની આઝાદીની રક્ષા કરવાની ફરજ કોર્ટની છે.'
વિજયના મંત્રીમંડળમાંથી ચાર મંત્રીઓ પડતા મૂકાશે
તામિલનાડુમાં સરકાર બનાવ્યા પછી મુખ્યમંત્રી જોસેફ વિજય પોતાની કેબિનેટમાં ફેરફાર કરવા જઈ રહ્યા છે. સરકાર બન્યા પછી મંત્રી મંડળના તમામ સભ્યોના રિવ્યુ કરવામાં આવે છે. રિવ્યુ કર્યા પછી મુખ્યમંત્રીએ ચાર મંત્રીઓને પડતા મૂકવાનો નિર્ણય કર્યો છે. ત્રણ મંત્રીઓના વિભાગ પણ બદલવામાં આવશે. બજેટ સત્ર પછી સપ્ટેમ્બર મહિનામાં જ્યારે મંત્રી મંડળનું વિસ્તરણ થશે ત્યારે એઆઇડીએમકેમાંથી ટીવીકેમાં આવેલા નેતાઓને પણ એન્ટ્રી મળી શકે એમ છે. વિજયના મંત્રીમંડળમાં ૩૫ મંત્રીઓ છે. સરકાર બન્યા પછી તામિલનાડુના રાજકારણમાં ઘણો ફેરફાર થયો છે. એઆઇડીએમકે સહિત કેટલાક પક્ષોના ધારાસભ્યોએ વિજયને ટેકો જાહેર કર્યો હતો. ચીફ સેક્રેટરી પાસે વિજયએ ખાનગી અહેવાલ તૈયાર કરાવ્યો હતો એ આધારે મંત્રીમંડળમાં ફેરફાર થશે.
'યે દોસ્તી હમ નહીં તોડેગે'
અમેરિકા - ઇરાનના યુદ્ધ પછી દુનિયાના રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. આવે વખતે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ ભારત સાથેના સંબંધો બાબતે મોટી વાત કરી છે. એમણે કહ્યું હતું કે ભારત સાથે સંબંધો મજબૂત કરવા માટે ઇઝરાયલ ખૂબ મહેનત કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એમણે ખૂબ નજીકના મિત્ર ગણાવ્યા હતા. ઇઝરાયલના મુશ્કેલ સમયમાં ભારત તરફથી મળેલી મદદના વખાણ એમણે કર્યા હતા. નેતન્યાહુએ કહ્યું હતું કે, 'અમારે હજુ વધુ મજબૂત સંબંધ બનાવવાની જરૂર છે. આ માટે હું ભારત સાથે અને મારા મિત્ર નરેન્દ્ર સાથે અમારા સંબંધો વધુ મજબૂત કરવા પર ધ્યાન આપી રહ્યો છું. કહેવાય છે કે ઇઝરાયલ એકલું પડી ગયું છે. જોકે ભારત તરફથી ઇઝરાયલને અને મને વ્યક્તિગત રૂપે જે ટેકો મળ્યો છે એ અદભૂત છે.'
આમીર ખાનને ધમકીના કેસમાં પોલીસને પુરાવા મળ્યા
બિશ્નોઇ ગેંગ તરફથી સલમાન ખાનને ધમકી મળ્યા પછી સલમાન ખાન ૨૦થી વધુ સિક્યુરીટી કર્મચારીઓને સાથે રાખીને જ બહાર નિકળે છે. બિશ્નોઇ ગેંગની ધમકી બધા જ ગંભીરતાથી લે છે. આમીર ખાનને પણ બિશ્નોઇ ગેંગ તરફથી ધમકી મળ્યા પછી સરકારે એમની સિક્યુરીટી વધારી દીધી છે. હવે મુંબઈની ક્રાઇમ બ્રાન્ચને આ કિસ્સામાં મજબૂત પુરાવા મળ્યા છે. પંજાબ પોલીસે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને જાણ કરી છે કે વાયરલ વીડિયોમાં જે અવાજ છે એ લોરેન્સ બિશ્નોઇ ગેંગના સભ્ય આરજુ બિશ્નોઇનો છે. પંજાબ પોલીસના જુના રોકર્ડમાંથી અવાજનો નમૂનો મળી આવ્યો હતો. આ અગાઉ ફિલ્મ નિર્માતા રોહીત શેટ્ટીના ઘર બહાર કરવામાં આવેલા ફાયરીંગમાં પણ આરજુ બિશ્નોઇનું નામ બહાર આવ્યું હતું.









