Delhi ni Vaat

વિરોધ પક્ષના સવાલોના જવાબ વડાપ્રધાન પોતે કેમ નથી આપતા?

By GS Team
22 Oct 20265 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસસ્થાન પાસેની મસ્જિદને 6 દિવસમાં ખાલી કરવા નોટિસ અપાઈ છે. સરકારી જમીન પર ગેરકાયદેસર બનેલી આ મસ્જિદને NDMCની વેબસાઈટ પર હેરીટેજ મિલકત તરીકે દર્શાવાઈ છે. જમિયત ઉલેમાં-એ-હિંદે કેન્દ્રીય મંત્રી કિરેન રીજીજુને હસ્તક્ષેપ કરવા માંગ કરી છે. કોંગ્રેસે સરકાર પર PM-દક્ષ યોજના લાગુ કરવામાં નિષ્ફળતા બદલ ટીકા કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિરોધ પક્ષના સવાલોના જવાબ વડાપ્રધાન પોતે કેમ નથી આપતા?

નવીદિલ્હી : કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ ભાજપ સરકાર પર નિશાન તાંક્યું છે. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રીજીજુએ સિમાંકન સુધારા બીલ પર ચર્ચા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવા ખડગેને પત્ર લખ્યો હતો. આ બાબતે ટીપ્પણી કરતા ખડગેએ કહ્યું હતું કે કિરેન રીજીજુને આટલી સત્તા આપવામાં આવી નથી.
એમનો ઉપયોગ તો ફક્ત એક મોહરા તરીકે થાય છે. ખડગેએ કહ્યું હતું કે, 'જે રીતે વડાપ્રધાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમારનો ઉપયોગ કરે છે એ જ રીતે કિરેન રીજીજુનો ઉપયોગ પણ કરે છે. વડાપ્રધાન કોઈપણ ટીકાનો જવાબ પોતે આપતા નથી. અમે એમને પત્ર લખીએ છીએ ત્યારે તેઓ પત્રનો જવાબ કોઈ બીજા પાસે તૈયાર કરાવે છે. આનો શું ફાયદો? તેઓ વિરોધ પક્ષના નેતાઓનું અપમાન કરી રહ્યા છે.'
વડાપ્રધાન આવાસ નજીકની મસ્જિદને ખાલી કરવા નોટીસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રહેઠાણ નજીક રેસકોર્સ ખાતે આવેલી મસ્જિદ છ દિવસમાં ખાલી કરવા નોટીસ આપવામાં આવી છે. આ મસ્જિદ ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે. ધ લેન્ડ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસનું કહેવું છે કે આ મસ્જિદ સરકારી જમીન પર બની છે. મસ્જિદના લાઇટ અને પાણીની સગવડ ૭મી ઓક્ટોબરથી કાપી નાખવામાં આવી છે. મસ્જિદમાં નમાઝ પઢવા આવનાર લોકો વિરોધ કરી રહ્યા છે. એનડીએમસીની વેબસાઇટ પર આ મસ્જિદને હેરીટેજ મિલ્કતમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જમિયત ઉલેમાં-એ-હિંદએ મસ્જિદ અને પાસે આવેલા કબ્રસ્તાન બચાવવા માટે કેન્દ્રીય લઘુમતિ કાર્યમંત્રી કિરેન રીજીજુને હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે. પ્રતિનિધિ મંડળે મંત્રીને એક અરજી પણ આપી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, મસ્જિદની નોંધણી હેરીટેજ સ્થળ તરીકે ૧૯૭૭માં થઈ હતી.
પીએમ - દક્ષ યોજના લાગુ કરવામાં નિષ્ફળતા માટે સરકારની ટીકા
કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પર પીએમ-દક્ષ યોજના લાગુ કરવામાં થતા ઠાગાઠૈયા બાબતે નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસે કહ્યું છે કે સરકાર એક યોજનાને પણ યોગ્ય રીતે લાગુ કરી શકતી નથી એને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. વડાપ્રધાન પર કટાક્ષ કરતા કોંગ્રેસે કહ્યું હતું કે સરકારની વિદાય તારીખ નજીક આવી ગઈ છે અને હવે થેલો લઈને નિકળી જવાનો સમય છે. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશએ એક મીડિયા ન્યુઝનો સ્ક્રીન શોટ સોશ્યલ મીડિયા પર મૂક્યો હતો. આ સમાચાર પ્રધાન મંત્રી દક્ષતા યોજના બાબતે કોઈ પ્રગતી થઈ નહીં હોવાની ટીકા હતી. આ યોજના હેઠળ દેશના અનુસૂચિત જાતી, અન્ય પછાત વર્ગ, આર્થિક દ્રષ્ટિએ પછાત વર્ગ તેમજ સફાઈ કર્મચારીઓને કૌશલ્ય શીખવવાનું છે.
ઉમર અબ્દુલ્લા સરકારે વાર્ષિક 'દરબાર મુવ'ની જાહેરાત કરી
જમ્મુ-કાશ્મીર સરકારે વાર્ષિક 'દરબાર મુવ'ની જાહેરાત કરી છે. મતલબ કે શ્રીનગરમાં ઓફિસો ૩૦ અને ૩૧ ઓક્ટોબરે બંધ રહેશે અને ૨ નવેમ્બરથી જમ્મુમાં ફરીથી ખુલશે. 'દરબાર મુવ' એટલે મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને સિનિયર સરકારી અધિકારીઓ સહિત મુખ્ય સરકારી ઓફિસો દર ૬ મહિને ગ્રીષ્મકાલીન રાજધાની શ્રીનગર અને શીતકાલીન રાજધાની જમ્મુ વચ્ચે સ્થળાંતરીત કરવામાં આવશે. આ પરંપરા તત્કાલીન જમ્મુ-કાશ્મીર સત્તાધિશોએ ડોગરા મહારાજાઓએ ૧૫૦ વર્ષ પહેલા શરૂ કરી હતી. જનરલ એડમીનીસ્ટ્રેટીવ ડિપાર્ટમેન્ટ (જીએડી)એ આપેલી સૂચના પ્રમાણે ૩૦મી ઓક્ટોબર ૨૦૨૬થી શ્રીનગરમાં સરકારી ઓફિસો બંધ થઈ જશે. તમામ સરકારી ઓફિસો ૨ નવેમ્બર ૨૦૨૬થી જમ્મુમાં ફરીથી ખુલશે. જમ્મુ-કાશ્મીર રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનને સૂચના આપવામાં આવી છે કે, કર્મચારીઓને સ્થળાંતરીત કરવા યોગ્ય માત્રામાં બસો તૈયાર રાખવામાં આવે.
આરએસએસ રૂટ માર્ચ બાબતે ખડગેનું અગત્યનું નિવેદન
કર્ણાટકમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની રૂટ માર્ચ બાબતે રાજ્ય સરકારના મંત્રી પ્રિયાંક ખડગેએ સંગઠનને ઔપચારીક સંમતી લેવા કહ્યું છે. એમણે કહ્યું છે કે ગૃહમંત્રાલયને ફક્ત માર્ચની જાણકારી આપવી કે અધિકારીઓને સહકાર આપવા તેમ જ જરૂરી વ્યવસ્થા કરવા માટે કહેવું એ સંમતી બરાબર નથી. આરએસએસએ યોગ્ય અરજી કરીને સંબંધીત અધિકારીઓની મંજૂરી લેવી પડશે. પ્રિયાંક ખડગેએ આરએસએસના સ્વયં સેવકોને સંબોધીત કરીને સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. એમણે લખ્યું હતું કે, 'મારા વ્હાલા આરએસએસ સ્વયં સેવકો, તહેવારોની તમારી ઉજવણી વચ્ચે હું ખલેલ પહોંચાડવા નથી માંગતો, પરંતુ એક નાની વાત યાદ કરાવવા માંગું છું. ફક્ત ગૃહ વિભાગને જાણ કરવી કે સહકાર આપવાની વાત કરવી એને પરવાનગી માની લેતા નહીં.'
શિવસેના (એકનાથ શિંદે)ના મંત્રીની જાહેરાતથી એકનાથ શિંદે ક્ષોભીત
દશેરાની રેલીમાં શિવસેના (એકનાથ શિંદે)ના મંત્રી ગુલાબરાવ પાટીલએ જાહેરમાં કરેલા એક નિવેદનની ખૂબ ચર્ચા થઈ રહી છે. ગુલાબરાવ પાટીલે એકનાથ શિંદેને હવે પછીના મુખ્યમંત્રી જાહેર કરી દીધા છે. મહારાષ્ટ્રમાં જ્યારે સરકાર બની રહી હતી ત્યારે ઘણા દિવસો સુધી મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસ સિવાય એકનાથ શિંદેનું નામ પણ ચર્ચામાં રહ્યું હતું. સ્વાભાવીક છે કે દરેક રાજકારણીની જેમ એકનાથ શિંદેની મહત્વાકાંક્ષા પણ મુખ્યમંત્રી બનવાની હોય જ. જોકે ત્યાર પછી થયેલા સમાધાન પ્રમાણે એકનાથ શિંદેએ ઉપમુખ્યમંત્રી પદ સ્વિકારી લીધું હતું. જલગાંવમાં દશેરા રેલીને સંબોધન કરતા પાટીલે કહ્યું હતું કે, 'મેં માતા જગદંબાના આશીર્વાદ લઈને પ્રાર્થના કરી છે કે આવનાર દિવસોમાં એકનાથ શિંદે ફરીથી રાજ્યના મુખ્યમંત્રી બને અને ખેડૂતો ખુશખુશાલ થાય.' મંત્રી આડતકતરી રીતે એમ કહેવા માંગતા હતા કે દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં ખેડૂતો ખુશ નથી. જોકે એકનાથ શિંદે મંત્રીના આ નિવેદનથી ખુશ થયા હતા કે ક્ષોભીત એ જાણી શકાયું નથી.
અનુપમ ખેર દલેર મહેંદીના બચાવમાં ઉતર્યા
ઉત્તરાખંડના મંત્રી સુબોધ ઉનિયાલ અને ગાયક દલેર મહેંદી વચ્ચે એક કાર્યક્રમ વખતે જાહેરમાં વિવાદ થયો હતો. દલેર મહેંદીના પગ લથડાતા હોવાથી મંત્રીએ એવી ટીપ્પણી કરી કે તમે ઠીક ઉભા પણ રહી શકતા નથી તો ગાઈ કેવી રીતે શકશો. મંત્રીના આ નિવેદનને એવી રીતે લેવામાં આવ્યું હતું કે દલેર મહેંદી નશો કરીને કાર્યક્રમમાં આવ્યા હોય. હવે અભિનેતા અનુપમ ખેર દલેર મહેંદીના સમર્થનમાં આવ્યા છે. ઉત્તરાખંડમાં ભાજપની સરકાર છે અને સામાન્ય રીતે અનુપમ ખૈર ભાજપના ટેકેદાર મનાય છે. જોકે અનુપમ ખેરએ એક વીડિયો મેસેજ મૂકીને કહ્યું હતું કે, સ્ટેજ પર જે રીતે દલેર મહેંદી સાથે જે રીતે વાત કરવામાં આવી એનાથી એમને ખુબ દુ:ખ થયું છે. અનુપમ ખેરએ મનોરંજન વિશ્વના લોકોને પણ અપીલ કરી હતી કે, દલેર મહેંદીને સાથ આપવો જરૂરી છે.