બાબરી ધ્વંસ પછી સોનિયા ગાંધી શા માટે રડયા હતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : ૧૯૯૨માં બાબરી મસ્જિદના ધ્વંશ બાબતે કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધીની પ્રતિક્રિયા પર ભાજપએ નિશાન તાંક્યું છે. જોકે કોંગ્રેસના નેતા ઉદીત રાજ સોનિયા ગાંધીના બચાવમાં આવ્યા છે. એમણે કહ્યું છે કે એ વખતે સોનિયા ગાંધી દેશની હાલત જોઈને ખૂબ લાગણીશીલ થઈ ગયા હતા. મુદ્દો બાબરી મસ્જિદ કરતાં કયાંય મોટો છે. એમણે કહ્યું હતું કે, 'મસ્જિદનો ધ્વંશ ચોક્કસ એક દુ:ખદ ઘટના હતી. સોનિયા ગાંધીની ચિંતા દેશના સામાજીક તાણાવાણા માટે હતી. આ દેશમાં ૨૫ થી ૩૦ કરોડ મુસ્લિમો રહે છે. જો આટલી મોટી વસ્તીને નફરતની નજરથી જોવામાં આવે તો તેઓ મુખ્ય ધારાથી અલગ થઈ જાય, એની અસર દેશની પ્રગતિ પર પડે. સોનિયા ગાંધી દેશ માટે લડયા હતા. ભાજપના પ્રવક્તાએ જોકે સવાલ કર્યા છે કે સોનિયા ગાંધીની સહાનુભૂતિ રામ જન્મભૂમિ સાથે હતી કે મસ્જિદ સાથે?'
એકાએક ઉભરાયેલા અડવાણી પ્રેમ બાબતે ભાજપમાં જ ગણગણાટ
થોડા દિવસો પહેલા ભાજપના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીનો જન્મ દિવસ ગયો. એ દિવસે દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય ંકાર્યાલય ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના પ્રમુખ નિતિન નવીન સહિત પક્ષના ઘણા નેતાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. એ વખતે અડવાણીના જીવન પરથી બનેલી ૨૦ મીનીટની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. સોશ્યલ મીડિયા પર પણ ભાજપના સિનિયર નેતાઓએ અડવાણીને જન્મદિવસના અભિનંદન આપ્યા હતા. જોકે ભાજપની નીચલી કેડરના કાર્યકરો એવી વાતો કરે છે કે, અડવાણી જ્યારે શારીરિક અને માનસિક રીતે સક્ષમ હતા ત્યારે જ એમને સલાહકાર મંડળમાં મોકલી આપીને એમનું રાજકારણ પુરુ કરી દેવામાં આવ્યું હતું. જો ભાજપને અડવાણી માટે ખરેખર લાગણી હોત તો કમસે કમ એમને રાષ્ટ્રપતિ તો બનાવી જ શકતે.
ખડગેના વિવાદાસ્પદ
નિવેદનથી રાજકારણ ગરમાયું
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ દિવાળીને 'ખુશીઓ કી ઇદ' ગણાવવાથી રાજકીય વિવાદ ઉભો થયો છે. દિવાળીની શુભકામના આપતી વખતે ખડગેના આ નિવેદન પર ભાજપે નારાજગી વ્યક્ત કરી છે. જોકે કોંગ્રેસના નેતાઓએ ખડગેના નિવેદનનો બચાવ કર્યો છે. દિવાળીની શુભકામના આપતી વખતે ખડગેએ એમ પણ કહ્યું હતું કે, પ્રકાશનું આ પર્વ શાંતિ, મિત્રતા અને ભાઇચારાનું પ્રતિક છે. તમામ સંપ્રદાયના લોકોને એકબીજાની નજીક લાવે છે. આમ જોવા જઈએ તો ખડગેના નિવેદનમાં કંઈ વંધાજનક નહોતુ, પરંતુ દિવાળી સમયે એમણે ઇદને યાદ કરતા કેટલાક લોકો ભડક્યા હતા. ભાજપને લાગ્યું હતુ કે ખડગે વોટબેંકનું રાજકારણ રમે છે. ખાસ કરીને સોશ્યલ મીડિયા પર તેઓ ટ્રોલ થયા હતા. ભાજપના કેટલાક પ્રવક્તાઓએ તો આ મામલે કોંગ્રેસને (સનાતન વિરોધી) પણ ગણાવી દીધી છે. એમનું કહેવું છે કે કોંગ્રેસે જાણી જોઈને હિન્દુ તહેવારને ઇસ્લામના તહેવાર સાથે જોડવાની કોશિશ કરી છે.
પેટ્રોલમાં ઇથેનોલ મુદ્દે કર્ણાટકમાં ભારે ઉેહાપોહ
કર્ણાટકમાં પેટ્રોલની અંદર નક્કી કરેલી મર્યાદા કરતા ઇથેનોલનું પ્રમાણ વધુ મળવાનો વિવાદ વધી રહ્યો છે. આ બાબતે મુખ્યમંત્રી ડી કે શિવકુમાર ખુબ ગંભીર છે. ડી કે શિવકુમારએ થયેલા આક્ષેપો કબુલ કરીને કહ્યું છે કે પેટ્રોલ પંપો પર નક્કી થયેલી માત્રા કરતા ઇથેનોલ વધુ પ્રમાણમાં મેળવવામાં આવે છે. આ બાબતે સંબંધીત મંત્રીને સૂચના આપવામાં આવી છે. શિવકુમારના કેટલાક ટેકેદારો માની રહ્યા છે કે શિવકુમાર રાજકીય કારણોસર આ મુદ્દો ચગાવી રહ્યા છે. જોકે શિવકુમારનું કહેવું છે કે, વિરોધ પક્ષમાં હોવાને કારણે આ મુદ્દો ચગાવવામાં આવતો નથી. કેન્દ્ર સરકારને ૬૭ જગ્યાઓની જાણકારી આપવામાં આવી છે જ્યાંથી પેટ્રોલના નમૂના લેવામાં આવ્યા છે. લોકો તરફથી ઘણી ફરિયાદો મળી રહી છે અને પેટ્રોલને કારણે વાહનોના એન્જિનને નુકસાન થઈ રહ્યું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે જોકે કહ્યું છે કે ૨૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા મેળવાયેલા ઇ-૨૦ પેટ્રોલના તમામ ૮૯૩ નમૂનાઓ ગુણવત્તાની દૃષ્ટિએ યોગ્ય લાગ્યા છે.
'રામ મંદિર ક્યારેય નહીં જાઉ, હું મથુરા જઈશ'
અયોધ્યામાં રામ મંદિર બની ગયા છતાં પણ રામ મંદિર બાબતનું રાજકારણ પૂરુ થતું નથી. હવે તૃણમુલ કોંગ્રેસના સાંસદ કીર્તિ આઝાદએ ફરીથી જૂનો વિવાદ ફરીથી ઉખેડયો છે. એમણે રામ મંદિર બાબતે ભાજપ પર તીખો હુમલો કર્યો છે. એમનું કહેવું છે કે ભાજપ રાજકીય ફાયદા માટે ધર્મ અને ધાર્મિક ભાવનાઓનો ઉપયોગ કરે છે. કીર્તિ આઝાદનું કહેવું છે કે, તેઓ કામાખ્યા મંદિર ગયા છે, પરંતુ અયોધ્યાના રામ મંદિર નથી ગયા અને ભવિષ્યમાં જવાના પણ નથી. એમનું આ નિવેદન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવના નિવેદન પછી આવ્યું છે. અખિલેશ યાદવે કહ્યું હતું કે અયોધ્યા સ્થિત રામ મંદિર અને હનુમાન ગઢી મંદિરના દર્શને જશે. ભાજપનું માનવું છે કે ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા અખિલેશ યાદવ ફાયદા માટે રાજકારણ રમી રહ્યા છે.
'હું પરીપક્વ દલીત છું'
કર્ણાટકના રાજકારણમાં ફરીથી એક વખત પોસ્ટરો દ્વારા રાજકીય વાણીવિલાસ શરૂ થઈ ગયો છે. બેંગ્લોરમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ જનતાદળ સેક્યુલર (ઝેડએસ)ના પાર્ટી કાર્યાલયની બહાર રાજ્યના ગૃહમંત્રી પ્રિયાંક ખડગેના પોસ્ટર ચોંટાડયા છે. આ પોસ્ટરો દ્વારા કોંગ્રેેસે દલીત ઓળખ, બંધારણ અને પક્ષ વિશે પોતાની વાત રજુ કરી છે. યુથ કોંગ્રેસ તરફથી લગાડવામાં આવેલા આ પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે, 'હા હું એક પરીપક્વ દલીત છું. મારો વિકાસ બંધારણ અને કોંગ્રેસ પક્ષને કારણે થયો છે. નહીં કે તમારા ઘરના બટાટાને કારણે.' આ પોસ્ટરો દ્વારા કોંગ્રેસના કાર્યકરોએ વિપક્ષ પર કટાક્ષ કર્યો છે. કર્ણાટકમાં જ્યારથી મુખ્યમંત્રી બદલાયા ત્યારથી સિદ્ધારમેયાનું ગુ્રપ નેપથ્યમાં ધકેલાઈ ગયું છે. બીજી તરફ મુખ્યમંત્રી ડી કે શિવકુમારનું જૂથ વધુ આક્રમક બન્યું છે. પ્રિયાંક ખડગે ડી કે શિવકુમારના ખાસ માણસ ગણાય છે અને પ્રિયાંક ખડગેના પિતા મલ્લિકાર્જૂન ખડગે ગાંધી કુટુંબની ખૂબ નજીક ગણાય છે.
કર્નલ તરૂણેન્દ્ર પ્રતાપ સિંહ કોણ છે
ભારતીય સૈન્યના સલાહકાર કર્નલ તરૂણેન્દ્ર પ્રતાપ સિંહની સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં હાજરીની નોંધ સોશ્યલ મીડિયા પર લેવાઈ રહી છે. ચર્ચા જોકે એમના ભાષણની નહીં, પરંતુ એમના હાથોની આંગળીઓ પર દેખાયેલા નિશાનની થઈ રહી છે. એમના ફોટોગ્રાફ વીડિયો પર જોવામાં આવતા સોશ્યલ મીડિયા યુઝર્સએ આ નિશાન બાબતે જાતજાતની પ્રતિક્રિયા આપી છે. યુઝર્સે આંગળીઓ પરના નિશાનને એમની વર્ષોની મહેનત, કડક શારીરિક ટ્રેનિંગ અને સૈન્ય સેવા પ્રતિ એમના સમર્પણના પ્રતિક તરીકે ગણાવ્યું છે. યુએનમાં શાંતિ સ્થાપના અભિયાન બાબતે વાર્ષિક ચર્ચામાં ભારત તરફથી કર્નલ તરૂણેન્દ્ર પ્રતાપ સિંહે રજુઆત કરી હતી. યુએનમાં કર્નલ તરૂણેન્દ્ર પ્રતાપ સિંહને ભારતના સ્થાયી મિશન સૈન્ય સલાહકાર તરીકે ૨૦૨૬ની ૨૦મી ફેબુ્રઆરીએ નિમણૂક કરવામાં આવી હતી. તેઓ આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપના અભિયાન તેમજ સુરક્ષા સાથે જોડાયેલી રાજકીય બાબતો અને ચર્ચામાં યોગદાન આપે છે.




